Sunday Snacks: ગોરેગાંવની આ રેસ્ટોરાં સર્વ કરે છે ઑથેન્ટિક મહારાષ્ટ્રીયન નાસ્તો

18 November, 2023 05:33 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅકસમાં ટ્રાય કરો ગોરેગાંવની સ્પેશિયલ થાલીપીઠ અને કોથિંબીર વડી

સપ્રે

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

ઘડિયાળનો કાંટો ૧૬૮ કલાક ફરી એ જ સ્થાને આવી પહોંચ્યો છે અને વીકઍન્ડ શરૂ થઈ ગયું છે અને ફરી સમય આવી ગયો છે, એક નવું સ્વાદસભર સાહસ ખેડવાનો. જો તમે પણ સરસ મજાનાં ખાનપાનની શોધમાં જે તમને અસલ મહારાષ્ટ્રીયન સ્વાદ અને જૂના મુંબઈની વાઇબ આપે તો તમારી શોધ અહીં સમાપ્ત થાય છે. ગોરેગાંવ (Goregaon)ની સીમમાં એક એવી રેસ્ટોરાં આવેલી છે, જે ખરેખર હિડન જૅમ છે. પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ રેસ્ટોરાં કોંકણનો સ્વાદ મુંબઈમાં પીરસી રહી છે.

ગોરેગાંવ વેસ્ટમાં આરે રોડ પર આવેલી સપ્રે (Sapre) રેસ્ટોરાં ત્રણ પેઢીના અનુભવ સાથે ધમધમી રહી છે. થાલીપીઠ, કોથિંબીર વડી, વડા, સાબુદાણા વડા, મિસળ અને કાંદાભાજી માટે પ્રખ્યાત છે. પીયુષ, શ્રીખંડ અને ખરવસ જેવા મરાઠી સ્વિટ્સ પણ તમને અહીં મળશે. આ જગ્યા બે ભાગમાં વહેંચાયેલી છે, જ્યાં એક બાજુ તમને સૂકો નાસ્તો અને મીઠાઈઓ મળશે. તો બીજા ભાગમાં આ રેસ્ટોરાં છે, જ્યાં તમને સ્વાદિષ્ટ વ્યંજનો મળશે જે તમને મહારાષ્ટ્રની સફર પર લઈ જશે.

હવે વાત અહીં મળતા વ્યંજનોના સ્વાદની અમે અહીં ટ્રાય કરી તેમની કોથિંબીર વડી (Kothimbir Vadi) અને થાલીપીઠ (Thalipeeth). થાલીપીઠ મીઠા દહીં અને બટર સાથે સર્વ કરવામાં આવી હતી. સપ્રેની આ વાનગી અહીંના રસોઇયાઓની નિપુણતાનો સાચો પુરાવો છે. અહીંની થાલીપીઠ સ્વાદ અને ટેક્સચરનું અદ્ભુત મિશ્રણ છે. થાલીપીઠ જુવાર, બાજરી, ઘઉં અને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, જેમાં સવડ ઉમેરે છે અંદરના મસાલા અને બારીક સમારેલા શાકભાજી.

કોથિંબીર વડીનો સ્વાદ પણ લાજવાબ હતો, જે મીઠા દહીં અને લસણની ચટણી સાથે સર્વે કરવામાં આવે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ કોથિંબીર વડી ખાતા ન ધરાઈએ એવી સ્વાદિષ્ટ હતી. કોથમીર, ચણાના લોટ અને મસાલાના મિશ્રણથી બનતી આ વાનગી પરફેક્ટ સન્ડે સ્નૅકસ છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સપ્રેના માલિક અનિલ સપ્રેએ જણાવ્યું કે, “કોંકણથી મારા પપ્પા મુંબઈ આવ્યા ત્યારે ઘરે મીઠાઈઓ બનાવી અને હોલસેલમાં વેચતા હતા. તેમણે જ સપ્રેનું સપનું જોયું હતું. વર્ષ ૧૯૭૦માં તેમણે ૧૫,૦૦૦ હજાર રૂપિયા સાથે મીઠાઈનું દુકાન શરૂ કરી હતી અને લગભગ એક દાયકા બાદ બાજુની દુકાન પણ ખરીદી અને ત્યાં હૉટેલ શરૂ કરી. તે સમયે ગોરેગાંવમાં મરાઠી નાસ્તો મળતો ન હતો. એટલે અમે સ્પેશિયલ મરાઠી નાસ્તા બનાવ્યા. આજે હું અને મારો દીકરો આ દુકાન સંભાળીએ છીએ.”

તો હવે આ રવિવારે ઑથેન્ટિક મરાઠી નાસ્તો કરવો હોય તો પહોંચી જજો સપ્રે. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food Gujarati food indian food life and style goregaon karan negandhi