13 May, 2023 12:24 PM IST | Mumbai | Karan Negandhi
ધ કોરિયન હાઉસ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ઇન્સ્ટાગ્રામ પર ફૂડ રીલ્સમાં છેલ્લા કેટલાક દિવસોથી મહાવીરનગરમાં મળતા કોરિયન નૂડલ્સ (Korean Noodles) ખૂબ ચર્ચામાં છે. જ્યારે અમને આ વિશે ખબર પડી તો અમે પણ તરત અમારી ગાડી ઉપાડી મહાવીરનગર (Mahavir Nagar) તરફ. રસ્તામાં આવતા ફૂડ સ્ટૉલ્સ જોઈ લલચાતા મનને માંડ કાબૂ કરી અમે પહોંચી ગયા કોટક બૅન્ક પાસે, જે આજનું આપણું યમી ડેસ્ટિનેશન છે.
અહીં તમારી નજર કોટક બૅન્કના બોર્ડ પર પડે એની પહેલાં જ તમારું ધ્યાન આકર્ષતો ‘ધ કોરિયન હાઉસ’ (The Korean House)નો સ્ટૉલ નજરે પડશે. અહીં પહોંચ્યા તો જાણીને અચંબો થયો કે આ સ્ટૉલના માલિક મહેન્દ્ર રાજપૂત ગુજરાતી વ્યક્તિ છે. મેન્યૂ જોયું તો તેમની પાસે કોરિયન નૂડલ્સની અઢળક વેરાયટી હતી.
હોટ ઍન્ડ સ્પાઈસી કોરિયન વેજ, હોટ ઍન્ડ સ્પાઈસી ચીઝ, કિમચી, શીન રૅમન, સુપર સ્પાઈસી, કોરિયન કિમચી રૅમન, જિન રૅમન સ્પાઈસી જેવી ઘણી બધી વેરાયટી તમને અહીં મળશે. જો તમને પણ શું ટ્રાય કરવું એ ન સમજાય તો તમે તેમનું સજેશન પણ લઈ જ શકો છો અને તમને ગમતા ટેસ્ટ મુજબ તેઓ તમને ઑપ્શન આપશે.
વૅલ, અમે ટ્રાય કર્યા સુપર સ્પાઈસી નૂડલ્સ. પૅનમાં પાણી નાખી અને તેમણે પહેલા થોડા વેજિઝ નાખ્યા અને પછી નૂડલ્સ અને તેનો સુપર સ્પાઈસી મસાલો. લગભગ ૭-૮ મિનિટ તો નૂડલ્સ રૅડી થઈ ગયા. ટેસ્ટમાં તો કોરિયન ફ્લેવર્સ હતી જ પણ નોર્મલ નૂડલ્સ અને મેગી કરતાં ટેસ્ટ સરસ લાગ્યો એ પણ પાછો સુપર સ્પાઈસી એટલે કાનમાંથી ધુમાડો નીકળે એટલો સ્પાઈસી, પણ તીખું ખાતા હો તો આ ઑપ્શન બેસ્ટ છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં મહેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે, “આ સ્ટૉલને માંડ સવા મહિનો થયો છે, પણ લોકો નવી આઈટમ ટ્રાય કરવા અહીં અચૂક આવે છે. પહેલાં મેં સોયાછાપનો સ્ટૉલ શરૂ કર્યો હતો. ધીમે-ધીમે જાણવા મળ્યું કે મુંબઈમાં ખૂબ ઓછી એવી જાગ્યો છે જ્યાં તમને ઑથેન્ટિક કોરિયન નૂડલ્સનો સ્વાદ મળે.”
આ પણ વાંચો: Sunday Snacks: જાણો ફ્રેન્કીનું ક્રિકેટ કનેક્શન અને માણો મલાડની ફેમસ ફ્રેન્કી
તો હવે મહાવીનગર જજો અને તમે નૂડલ્સની કઈ વેરાયટી ટ્રાય કરી એ ઉપર આપેલ ઈમેઈલ પણ ચોક્કસ જણાવજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.