19 August, 2023 12:11 PM IST | Mumbai | Karan Negandhi
ઠાકુર વિલેજના ટાકોઝ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મેક્સિકન ફૂડ (Mexican Food) ધીમે-ધીમે ડીનર માટે લોકોની નવી પસંદ બની રહ્યું છે અને વાત મેક્સિકન ફૂડની આવે ત્યારે મેક્સિકન રાઇસ તો ઠીક પણ ખાસ વાત કરવી જ પડે એ વાનગી છે ટાકોઝ. કેટલાક લોકો તેને નાસ્તો તો કેટલાક માટે આ આખું ભોજન છે. જોકે, આ સ્વાદિષ્ટ વ્યંજન ફૂડીઝનું મન પ્રસન્ન કરનારી છે તે નકારી શકાય નહીં. મેક્સિકન રેસ્ટોરાંના મેન્યૂમાં મોખરે રહેતી આ આઈટમ અમારે તો સ્ટ્રીટસ્ટાઈલમાં ટ્રાય કરવી હતી એટલે અમે તો ટેસ્ટી ટાકોઝ સર્વ કરતો સ્ટૉલ શોધી લીધો.
હા, આપણે આ સ્ટૉલની વાત કરીએ તે પહેલા કરીએ તેના રસપ્રદ ઇતિહાસની. અમેરિકા સ્થિત મિનેસોટા યુનિવર્સિટીના ઈતિહાસના પ્રોફેસર જેફરી એમ. પિલ્ચરે એક મેગેઝિનને આપેલ ઇન્ટરવ્યૂમાં ટાકોઝ વિશે કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. તેઓ કહે છે કે, “ટાકો પહેલી વાર ક્યારે બન્યા તે તો ખરેખર અજ્ઞાત છે. મારી થિયરી મુજબ તેનું કનેક્શન 18મી સદી નજીક મેક્સિકોમાં ચાંદીની ખાણો સાથે છે, કારણ કે તે ખાણોમાં ‘ટાકો’ (Tacos) શબ્દનો ઉલ્લેખ તેઓ ખોદકામ કરવા માટે કરે છે. તેઓ કાગળના ટુકડામાં ગનપાઉડર ભરી ખડકમાં નાના છિદ્રોમાં દાખલ કરતાં હતાં અને એક્સપ્લોઝનથી ખાણકામ કરતાં. આવું જ કંઈક ટાકોઝ સાથે જોવા મળે છે. જ્યારે તમે તેના વિશે વિચારશો તો ખ્યાલ આવશે કે ટાકોઝમાં ‘ટકેરિઆ’ આ જ પેપરનું કામ કરે છે. ટાકોઝના એક પ્રકારને ટાકોસ ડી મિનેરો-માઇનર્સ ટાકોઝ કહેવામાં આવે છે.”
કહેવાય છે કે ટાકોઝ પહેલા અમેરિકામાં પૉપ્યુલર થયા અને ત્યાંથી વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા. ટાકોઝનો પ્રથમ ઉલ્લેખ વર્ષ 1905માં એક અમેરિકન અખબારમાં જોવા મળે છે. તે એવો સમય હતો જ્યારે મેક્સિકન લોકો સ્થળાંતર કરી ખાણો અને રેલરોડની નોકરીઓ માટે અમેરિકા પહોંચ્યા હતા. અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સમાં મેક્સિકન ખોરાકને સ્ટ્રીટ ફૂડ, નીચલા વર્ગના ખોરાક તરીકે જોવામાં આવતો હતો. તે ચિલી ક્વીન્સ નામના મહિલાઓના જૂથ સાથે અને લોસ એન્જલસમાં તમલે પુશકાર્ટ સાથે સંકળાયેલા વ્યંજન હતા. સાન એન્ટોનિયોની ચિલી ક્વીન્સે અમેરીકાની ગલીઓમાં ટાકોઝ વેચી તહેવારો દરમિયાન કમાણી કરી હતી, જ્યારે પ્રવાસીઓએ 1880ના દાયકામાં રેલમાર્ગે પ્રવાસ કરવાનું શરૂ કર્યું ત્યારે ટાકોઝ ખૂબ પ્રચલિત થયા.
અમેરિકાની ગલીઓમાંથી ફેમસ થયેલી આ આઈટમ જો તમારે મુંબઈની ગલીમાં ખાવી હોય તો તમારે જવું પડશે કાંદિવલી ઇસ્ટમાં ઠાકુર વિલેજ (Thakur Village). અહીં ઠાકુર મૉલથી થોડો આગળ તમને મળશે ‘ચીઝી મેગીઝા’નો સ્ટૉલ. અહીં તમને ટાકોઝની બે વેરાયટી મળશે એક સાલસા અને બીજી એક્ઝોટિક વેજિઝ. અમે ટ્રાય કર્યા સાલસા ચીઝ ટાકોઝ. ઑર્ડર આપતા જ તેમણે ઝટપટ ટાકોઝની પ્લેટ બનાવી આપી.
પહેલા બે ટાકો ચીપ લઈ તેમાં વેજિટેબલ્સ, બીન્સ અને સૉસિઝથી બનેલું ફીલિંગ મૂકી ઉપરથી થોડી કોબી અને ચીઝ ખમણી બે મિનિટમાં પ્લેટ બનાવીને તૈયાર કરી. વૅલ આમાં મેક્સિકન ટચ થોડો મિસિંગ લાગ્યો પણ ટેસ્ટ તો બહુ જ સરસ હતો. એટલે તમારે પણ જો સ્ટ્રીટસ્ટાઇલ ટાકોઝ ટ્રાય કરવા હોય તો આ સ્ટૉલની મુલાકાત લઈ શકો છો.
આ સ્ટૉલના માલિક અમિત ઠાકુરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “અમારા સ્ટૉલને નવ વર્ષ થઈ ગયા છે. લોકો ટાકોઝ અને હૉટડૉગ ખાવા ખાસ અહીં આવે છે. અમારો સ્ટૉલ સવારે ૯ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લો હોય છે.”
તો આ રવિવારે માણજો ટેસ્ટી ટાકોઝની જ્યાફત. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.