Sunday Snacks: બોરીવલીમાં પ્રેમનગરનું મિસળ ખાશો તો એના પ્રેમમાં પડી જશો

22 April, 2023 12:34 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો બોરીવલીનું સ્પેશિયલ મિસળ

રશ્મિ આહાર કેન્દ્ર

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મહારાષ્ટ્ર (Maharashtra)માં અને ખાસ કરીને મુંબઈ (Mumbai)માં ઝૂણકા ભાકર કેન્દ્રો અનેક જગ્યાએ ઉપલબ્ધ છે. શહેરના ઝૂણકા ભાકર કેન્દ્રોમાં દરરોજ લાખો શ્રમિકો ભોજન કરે છે. આ કેન્દ્રોનો મૂળ હેતુ સસ્તું, સારું અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. તેનું રાજનીતિક મહત્ત્વ પણ ખૂબ છે. વર્ષ ૨૦૧૭માં તત્કાલીન શિવસેના અને ભાજપની ગઠબંધનની રાજ્ય સરકારે `ઝૂણકા ભાકર કેન્દ્રો` યોજનાને નવું જીવન આપ્યું હતું. BMCએ તેની હદમાં આવેલા 215માંથી 113 ઝૂણકા ભાકર કેન્દ્રોને અન્નદાતા અહાર યોજના અંતર્ગત લાભ આપ્યો હતો.

મુંબઈમાં આ આહાર કેન્દ્રો સવારના નાસ્તાથી લઈને રાતના ભોજન સુધી બધુ જ પીરસે છે. આવું જ એક આહાર કેન્દ્ર છે બોરીવલી વેસ્ટ (Borivali West)ના પ્રેમનગર (Prem Nagar)માં – નામ છે રશ્મિ અન્નદાતા આહાર કેન્દ્ર. અહીંનું મિસળ (Misal Pav) બહુ પ્રખ્યાત છે. સવારે સાત વાગ્યે આ આહાર કેન્દ્ર શરૂ થાય છે અને ત્યારથી જ મિસળ ખાવા માટે લોકો પડાપડી કરે છે. બસ પછી શું? અમે પણ પહોંચી ગયા અહીં મિસળ ખાવા.

સવારે ૭.૩૦નો સમય. લોકો સામે પ્રેમનગરના ગાર્ડનમાંથી જોગિંગ કરી અહીં પહોંચી જાય અને પોતાની પસંદગી મુજબ ઑર્ડર આપે. મિસળ સાથે જ ઇડલી, વડા, પૂરીભાજી જેવી નાસ્તાની ઘણી આઇટમ અહીં મળે છે. અમે તો મિસળનો ઑર્ડર આપ્યો. તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે મિસળમાં તરી ઉમેરી તમને ભાવે એવું મિસળ ૨ મિનિટમાં તમારી બેઠક પર હાજર. સાથે બે પાઉં, કાંદા, લીંબુનો કટકો અને લીલી ચટણી તો ખરી જ.

હવે આ પાઉંનો એક ટુકડો લઈ મિસળમાં ડૂબાડી, ઉપર ચમચીથી વટાણા અને ફરસાણ ચડાવીને તમે આ બાઇટ તમારા મોઢામાં મૂકો એટલે સમજો તમારો દિવસ સુધરી ગયો. મિસળની કંસિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને સ્વાદ અદ્ભુત. અહીં મિસળમાં મસાલા ખૂબ જ સામાન્ય વપરાય છે, છતાં લાંબા સમયથી મિસળનો ટેસ્ટ તમારા મોઢામાં રહેશે. બપોરે અહીં ભારે ભીડ હોય છે એટલે સવારે જશો તો વધારે મજા આવશે. મિસળ ખાયને જો હજી પણ તમે સિસકારીઓ બોલાવતા હો તો મસાલા છાશ અથવા કોકમ શરબત ટ્રાય કરી શકો છો.

અહીં અવારનવાર નાસ્તો કરવા આવતા કેવળ શાહ કહે છે કે, “બોરીવલીમાં વહેલી સવારે ગરમા-ગરમ નાસ્તો કરવો હોય તો પ્રેમનગરના મિસળ જેવું બીજું કંઈ જ નહીં.”

આ પણ વાંચો: Sunday Snacks: આ છે મહારાષ્ટ્રની કચોરી, પહોંચવાનો પિનકોડ – મહા ૨૦૩

તો હવે આ રવિવારે કોઇની રાહ ન જોતાં - સીધા પહોંચી જજો પ્રેમનગર. ખરેખર આ મિસળના પ્રેમમાં પડી જશો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi