Sunday Snacks: વરસાદ અને કૉર્નનું ફ્લેવરફુલ કૉમ્બિનેશન એટલે પ્રૉપર જલસો

05 August, 2023 07:27 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ગોરેગાંવના સ્પેશિયલ કૉર્ન

રાજેશ કૉર્ન કૉર્નરના ચટપટા કૉર્ન

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મુંબઈમાં  મેઘરાજાએ માઝા મૂકી છે. આવા ખુશનુમા વરસાદી વાતાવરણમાં બે સુંગંધ એવી પ્રસરે છે કે તન અને મન બંને ખુશ થઈ જાય. પહેલ-વહેલી તો પહેલા વરસાદમાં ફેલાતી એ ભીની માટીની સુંગધ જે વાતાવરણ એકદમ તરોતાજા કરી દે છે અને બીજી વરસતા વરસાદમાં તમે બહાર નીકળો અને કોલસા પર મકાઈનો ડોડો શેકાતો હોય તેની સુગંધ. તમે ગમે તે કરો આ સુગંધ તમારા નાક સુધી પહોંચે અને એક ઊંડો શ્વાસ લો ને આ સુગંધ વધુ તીવ્ર રીતે તમારા શરીરમાં જાય પછી આ મકાઈ એટલે કે `ભુટ્ટા` ખાધા વગર તો કેવી રીતે રહી શકાય?

આજકાલ જેમ બધી જ વાનગીઓને ચીઝી અને સૉસી વર્ઝન મળી ગયું છે, એમાં કોર્ન પણ પાછળ નથી. બજારમાં કૉર્ન ચાટના નામે જોઈએ તે રીતે કૉર્ન સર્વ થાય છે, પણ આ ખાવાની મજા ત્યારે જ છે, જ્યારે તેમાં મસાલા અને અન્ય જે પણ સામગ્રી ઉમેરાય છે તે યોગ્ય પ્રમાણમાં હોય. જો તમે પણ કૉર્ન લવર છો તો આજનું `સન્ડે સ્નૅક્સ` તમારા માટે જ છે. અમે તાજેતરમાં મુલાકાત લીધી એક એવી જગ્યાની જ્યાં લગભગ કૉર્નની લગભગ ૮૦થી વધુ વેરાયટી મળે છે.

ગોરેગાંવ વેસ્ટ (Goregaon West)માં જવાહરનગરમાં આવેલું છે રાજેશ કૉર્ન સેન્ટર (Rajesh Corn Center). છેલ્લાં ત્રણ દાયકા કરતાં વધુ સમયથી આ જગ્યા સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ કૉર્ન સર્વ કરે છે. વેલ, અહીં તમે પહોંચશો એટલે કોલસા પર શેકાતા મકાઈની સુગંધ જ તમારું સ્વાગત કરશે. અહીં અમેરિકન એટલે કે પીળી મકાઈ, દેશી એટલે કે સફેદ મકાઈ અને બેબી કૉર્ન એમ ત્રણેય મકાઈ તમને મનગમતા ફ્લેવર્સમાં પીરસાય છે અને બધી જ વેરાયટીમાં બૉઇલ્ડ અને રોસ્ટેડ કૉર્નનો વિકલ્પ તો મળે જ છે. હા, સજેશન માગો તો રોસ્ટેડનો ટેસ્ટ વધુ સારો આવશે.

બટર મસાલા, શેઝવાન મસાલા, પિત્ઝા પાસ્તા કૉર્ન, ચિપોટલે મેયોનિઝ ચીઝ, હરિસા, મસ્ટર્ટ મેયો અને એલેપીનો જવી ઘણી બધી વેરાયટીના કૉર્ન મળે છે. અમે પિત્ઝા પાસ્તા અને ચિપોટલે મેયો ચીઝ કૉર્ન બંને ટ્રાય કર્યા. કોલસા પર રોસ્ટેડ કૉર્નની ફ્લેવરની તો વાત જ નિરાળી છે અને તેને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે ઉપરથી નાખવામાં આવતા સૉસીઝ અને ચીઝથી તો જાણે તેનો સ્વાદ અદ્ભુત થઈ જાય છે. સૉસીઝને કારણે તે એકદમ ક્રીમી લાગે છે અને છતાં રોસ્ટેડ કૉર્નની ફ્લેવર જરાય ઓછી થતી નથી, ઉલટું બટર અને બીજા મસાલા તેના સ્વાદને બમણો કરે છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનના પાર્ટનર સુરેશ ગુપ્તાએ જણાવ્યું કે, "અમે ત્રણ ભાઈઓએ સાથે સામે રોડ પર બાકડાથી શરૂઆત કરી હતી એ વાતને લગભગ ૩૧ વર્ષ થયાં. બે વર્ષ પહેલાં જ અમે આ દુકાન લીધી છે. સાંજે ૪ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી દુકાન ચાલુ હોય છે."

તો હવે આ રવિવારે વરસાદની મજા માણવી હોય તો પહોંચી જજો ફ્લેવરફુલ કૉર્નની જલસા પાર્ટી કરવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food indian food Gujarati food goregaon karan negandhi