16 September, 2023 12:53 PM IST | Mumbai | Karan Negandhi
લિટ્ટી ચોખા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈગરા, જો તમે પણ ગુજરાતી થાળી, ફાફડા-જલેબી, ખાંડવી અને વડાપાઉંથી એક દિવસનો બ્રેક લઈને તમારી જીભને જુદો અને નવો સ્વાદ ચખાડવા માગતા હો, તો બસ આજનું આ નજરાણું તમારા માટે... મુંબઈમાં એક એવો સ્ટૉલ છે જે ઑથેન્ટિક બિહારી લિટ્ટી ચોખા (Litti Chokha) પીરસે છે. આ લિટ્ટી ચોખા એટલા ઑથેન્ટિક છે મુંબઈમાં ઊભા-ઊભા તમારી સ્વાદેન્દ્રિય ખરેખર બિહારની ગલીઓમાં આ વાનગીનો સ્વાદ માણતી હોય એવો તમને અનુભવ થશે.
લિટ્ટી ચોખા બનાવવા માટે પહેલાં તો ઘઉંનો લોટ બાંધી, તેના લૂઓ બનાવી તેમાં સત્તુ અને અન્ય મસાલાનું મિશ્રણ વચ્ચે ભરી અને તેનો ગોળો બનાવવામ આવે અને પછી શરૂ થાય અસલી જાદુ. કોલસા પર ધીમા તાપે તે કડક ન થઈ જાય ત્યાં સુધી શેકવામાં આવે છે. હા, હવે આ તૈયાર દડાને ઘીમાં ડુબાડી – બરાબર નવડાવીને પ્લેટમાં તેના સ્થાને ગોઠવાય, પછી રીંગણાના ઓળા સાથે તે સર્વ થાય. રીંગણાંને ઓળાને વધારે સારી ફ્લેવર આપવા માટે તેમાં લીલી ચટણી અને ટામેટાંની ચટણી પણ ઉમેરવામાં આવે છે. હા, આ હેલ્ધી દેશી વાનગી બૉલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીની પ્રિય છે.
અરે હા! આ તો વાનગીની વાત થઈ, હવે એડ્રેસ નોંધી લો. ગોરેગાંવ ઈસ્ટ (Goregaon East)માં પોસ્ટ ઑફિસની બરાબર બહાર આ ખૂમચો તમને દેખાઈ જશે - નામ છે ‘ભોલે બાબા બાટી ચોખા’. લિટ્ટી ચોખાને બાટી ચોખા પણ કહેવાય છે. આ બનારસી ફેમિલી છે, જે મુંબઈની ગલીઓમાં બિહારનો આ સ્વાદ પીરસી રહી છે. ખરેખર જો તમારે કંઇક જુદી જે મુંબઈમાં ભાગ્યે જ જોઈ હોય એવી વાનગી ખાવી હોય તો એકવાર આ વાનગી જરૂર ટ્રાય કરવી જોઈએ.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલન માલિક રાજકુમાર યાદવે જણાવ્યું કે, “અમે આ સ્ટૉલ લગભગ આઠ મહિના પહેલા શરૂ કર્યો હતો. એક રીલ વાયરલ થઈ પછી વધુને વધુ લોકો અહીં આવવા લાગ્યા. સવારે ૧૦.૩૦ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી આ સ્ટૉલ ચાલુ હોય છે.”
તો આ રવિવાર માણજો પંકજ ત્રિપાઠીની પ્રિય વાનગી. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.