10 September, 2022 12:52 PM IST | Mumbai | Karan Negandhi
વન મિનિટ ચાય નાસ્તા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
સતત દોડધામ ભર્યા જીવનમાં સવારે શું નાસ્તો કરવો એવું વિચારવાનો પણ સમય ન હોય તેવી ઉતાવડમાં આંખનો પલકાર ઝબકે એટલામાં આપણો મનગમતો ગરમા-ગરમ નાસ્તો કોઈ ધરી દે તો કેવી મજા પડે. આજે આવા જ એક આઉટલેટ વિશે આપણે વાત કરવાની છે. બોરીવલી સ્ટેશનની બરાબર સામે વેસ્ટમાં આવેલું છે ‘વન મિનિટ ચાય નાસ્તા’ (One Minute Chai Nashta) જેને શરૂ થયાને તો માંડ એક જ વર્ષ થયું છે, પણ તેના નામ અને સ્વાદને કારણે તે સારી ખ્યાતિ પામ્યું છે. અગાઉ અહીં સમ્રાટ ફરસાણ હતું તેનું જ આ વેન્ચર છે.
આઉટલેટનું નામ જ તેની ખાસિયત દર્શાવે છે. તમે પહોંચીને ઑર્ડર આપો કે તરત જ ગણતરીની મિનિટોમાં તમારી નાસ્તાની પ્લેટ તૈયાર. તે જ ઉદેશ્ય સાથે આ નામ પસંદ કરવામાં આવ્યું હોવાનું આઉટલેટના મેનેજર અર્જનાથ સિંહે જણાવ્યું. વડાપાવ અને સમોસાં ઉપરાંત ઈંદોરી પોહા, આલુપરાઠા, ઇડલી અને મિસળ પણ મળે છે. બધુ જ ઇન્સ્ટન્ટ છતાં ગરમા-ગરમ. નાની જગ્યા હોવા છતાં સિટિંગ એરિયા પણ સરસ છે.
ફૂડની વાત કરીએ તો અમે અહીં ટ્રાય કર્યા ઈંદોરી પોહા અને મિસળ. ઈંદોરી પોહાની ખાસિયત છે તેનું આગળ પડતું ગળપણ, પરંતુ ઉપરથી છાંટેલો મસાલો અને કાંદા સાથે રતલામી સેવ તેના ટેસ્ટને ચોક્કસ બેલેન્સ કરે છે. ક્વોન્ટિટી પણ નાસ્તા માટે પરફેક્ટ છે. જો તમે તીખી-તમતમતી વાનગીઓના શોખીન હો તો અહીંનું મિસળ તમારે અચૂક એકવાર ટ્રાય કરવું રહ્યું. મિસળની એક ખાસિયત એ પણ ખરી કે એ ટિપિકલ વટાણાનું નથી, મગનું મિસળ મળે છે. એટલે એ પણ એક પ્લસ પોઈન્ટ તો ખરો.
જો તમે અહીં આવી જ ગયા હો તો તમારે અહીંની ચા બિલકુલ મિસ કરવાની નથી. ગુજરાતીઓને પસંદ પડે એવી ‘કડક મીઠી, મસાલા વાળી’ ચા અહીં મળે છે, જે તમારા તન-મનમાં ઊર્જાનો સંચાર કરશે એની ગેરેન્ટી.
રવિવાર સિવાય પણ જો ફટાફટ નાસ્તા-પાણીનો પ્રોગ્રામ કરવા માગતા હો તો આ પરફેક્ટ જગ્યા છે. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: મલાડના ફેમસ ફલાઇંગ કુલચા ટ્રાય કર્યા છે તમે?