06 August, 2022 11:00 AM IST | Mumbai | Karan Negandhi
ટેસ્ટી ભજિયાં છોલે સાથે
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ગૂગલ પર તમે સર્ચ કરો ‘બેસ્ટ છોલે સમોસા ઇન મુંબઈ’ એટલે સૌથી પહેલું નામ આવે ગુરુકૃપા (Gurukripa)નું. ખાવાના શોખીન ગુજરાતીઓ માટે સાયનના આ રેસ્ટોરન્ટનું નામ નવું નથી, પરંતુ અહીયાં મળતી એક આઇટમ એવી છે જે કદાચ જ તમે ટ્રાય કરી હોય. એ આઇટમ છે મિક્સ ભજિયાં.
વરસદાની મોસમ છે, વરસાદ પડે કે ન પડે કંઇક ઝાપટવા માટેનો માહોલ તો બનેલો જ હોય છે. તમે સાયનમાં હો અને તમારા પેટમાં રહેલા દેવી-દેવતાઓ તમને પેટ પૂજાની આજ્ઞા કરે તો અચૂક ગુરુકૃપા પહોંચી જજો અને આ વખતે છોલે સમોસા ઉપરાંત મિક્સ ભજિયાંનું ટોકન પણ સાથે લઈ જ લેજો. અહીંયા મિક્સ ભજિયાં સાથે ચટણી અને કાંદા સાથે તમને છોલે પણ મળશે જે ખરેખર એક સરપ્રાઈઝિંગ ફેક્ટર છે.
મિક્સ ભજિયાંની પ્લેટમાં હોય છે બટેટાં, મરચાં, મેથી અને મગની દાળના ભજિયાં. ચટણી અને કાંદા તો ભજિયાંની પ્લેટના કાયમી સાથી છે પણ અહીં તમારી પાસે છોલેનો વિકલ્પ પણ છે જે ભજિયાંના બાઇટને એક અલગ સ્વાદ આપે છે.
જો તમે ત્યાં પહેલી વાર જ જતાં હો તો તમારે ખૂબ જ ધીરજ રાખવી પડશે. પહેલાં એક નાની લાઇનમાં ઊભા રહી તમારે ટોકન લેવું પડશે અને ત્યાર બાદ ફરી બીજી નાની લાઇનમાં ઊભા રહેશો ત્યારે જઈને તમને આ સ્વાદનો ભોગ હાથ લાગશે અહીં છોલે પેટીસ અને દાલ પકવાન પણ મળે છે, જે પણ ટ્રાય કરવા જેવા તો ખરાં જ.
આ પણ વાંચો: Sunday Snacks: ઉત્તરભારતના પનીર પકોડાનો ઑથેન્ટિક ટેસ્ટ મળશે કાંદિવલી ઇસ્ટમાં
જો તમે લાઇનમાં ઊભા રહેવાની જફા ખેડવા માગતા ન હો તો તમે આ તમામ વાનગીઓ ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો. તો આ રવિવારે ગુરકૃપાનો વારો કાઢજો. ફરી મળીશું આવતા શનિવારે અને તમને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.