Sunday Snacks: ગરમા-ગરમ સ્વાદિષ્ટ લાઇવ પફ હવે મુંબઈમાં

22 July, 2023 12:22 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નેક્સમાં ટ્રાય કરો બોરીવલીના સ્પેશિયલ ગરમા-ગરમ લાઇવ પફ

લાઇવ પફ ફેક્ટરીનું પફ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

વડાપાઉં મુંબઈગરાનું ગૉ ટુ ફૂડ છે. ભૂખ થોડી હોય કે વધુ એક વડાપાઉં પેટનો ખાડો તરત પૂરી આપે છે. વડાપાઉં મુંબઈની ઓળખ છે એનું એક કારણ એ પણ છે કે એ ઝટપટ બની જતી વાનગી છે, જે સતત દોડતા-ભાગતા શહેર માટે પરફેક્ટ છે, પણ શું તમે જાણો છો ગુજરાતનાં લોકોનું ગૉ ટુ ફૂડ શું છે? સુરતથી રાજકોટ સુધી ગુજરાતનાં અનેક શહેરો માટે આ આઇટમ પફ છે. હા, મુંબઈમાં આ આઇટમ એટલી બધી ચર્ચિત નથી. તો આજે આપણે આની જ ચર્ચા કરીશું.

બેક્ડ સ્વાદિષ્ટ પફના મૂળ ફ્રાન્સના છે અને ૪૦૦ વર્ષ જૂના છે, જ્યાં તેને પૅટે ફેયુલેટી કહેવામાં આવે છે. ઈન્ટરનેટ ફંફોસતા જાણવા મળે છે કે પહેલી વખત પફ 1645માં પેસ્ટ્રી કૂક એપ્રેન્ટિસ ક્લાઉડિયસ ગેલેએ બનાવ્યું હતું, જે આજે પફ પેસ્ટ્રી તરીકે ઓળખાય છે. જોકે, તેની આ શોધ પાછળ એક મજબૂરી હતી. કહેવાય છે કે તેના પિતા બીમાર હતા અને તેમણે લોટ, બટર અને પાણીથી બનેલી વાનગીઓ જ ખાવાની હતી. કંઈક નવું કરવા માટે પેટ્રી કૂકે બ્રેડનો લોટ બાંધી તેમાં બટર નાખ્યું અને તૈયાર કર્યો પફનો બેઝ.

હવે જો આમાંથી રોટલી બનાવવા માટે તે શેકે તો બટર છુટ્ટુ પડી જાય એટલે તેણે આ રોટલી શેકવાની જગ્યાએ બેક કરી અને પરિણામ આશ્ચર્યચકિત કરનારું હતું. ક્લાઉડિયસ પછી પેરિસ ગયો અને રોસાબાઉ પેટિસરીમાં કામ કર્યું, જ્યાં તેની આ વાનગીને કારણે ખૂબ નામના મેળવી. ત્યારબાદ ક્લાઉડિયસ ફ્લોરેન્સ ગયા અને મોસ્કા બ્રધર્સ માટે કામ કર્યું, જેમણે પફ પેસ્ટ્રીની શોધ કરી હોવાનું માનવામાં આવે છ. જોકે, ક્લાઉડિયસે તેની રેસીપી હંમેશા ગુપ્ત રાખી હતી અને તે પેસ્ટ્રીઝ બંધ રૂમમાં તૈયાર કરતો હતો. પફનો સ્વાદ ભારતીયોને ચખાડનાર બ્રિટિશર્સ હતા.

જોકે, મુંબઈમાં અને ખાસ કરીને સબર્બસમાં પફનું ચલણ ખૂબ જ ઓછું છે. કેટલીક જગ્યાએ આ વાનગી મળે છે, પણ ગુજરાતમાં મળે છે એવો સ્વાદ ક્યાંય મળતો નથી – ના મળતો નહતો. તાજેતરમાં જ બોરીવલી વેસ્ટ (Borivali West)માં ‘લાઇવ પફ ફેક્ટરી’ (Live Puff Factory)નું આઉટલેટ ખૂલ્યું છે. આ બ્રાન્ડ મૂળ રાજકોટની છે અને રાજકોટમાં આ પફનો સ્વાદ માણવા લાંબી લાઈનો લાગે છે. હવે આ જ સ્વાદ મુંબઈમાં પણ મળવા લાગ્યો છે.

બસ, પછી શું? ખબર પડતાં જ અમે તો પહોંચી ગયા આ આઉટલેટ પર. સરનામું એકદમ સરળ છે – જાંબલી ગલી (Jambli Gali)માં બૅન્ક ઑફ બરોડાની બરાબર સામે. અહીં રેગ્યુલર પફથી લઈને શેઝવાન, ચીઝ, મેક્સીકન, ચીઝચીલી, પેરીપેરી જેવા ૫૦થી વધુ વેરાયટીના પફ મળે છે. હજી આ આઉટલેટ ખૂલ્યું એને ૧૫-૨૦ દિવસ જ થયા છે, પણ આજુબાજુના લોકોની દાઢે આનો સ્વાદ વળગી ગયો છે.

અમે સાદું અને મેક્સીકન બંને જ પફ ટ્રાય કર્યા. ઉપરનું પડ પરફેક્ટલી ક્રિસ્પી પણ જરાય કડક કહેવાય એવું નહીં. બીજા બાઇટમાં તમે અંદરનો મસાલો ટેસ્ટ કરો કે તમને લાગે કે જાણે ખરખર તમે ગુજરાત પહોંચી ગયા છો. મુંબઈમાં આવું પફ સ્વાદિષ્ટ પર ભાગ્યે જ તમને મળશે. અહીં જૈન પફ પણ મળે છે. રાજકોથી ફ્રેન્ચાઇઝી લઈને મુંબઈમાં આ સાહસ માનસી શાહે શરૂ કર્યું છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં માનસી કહે છે કે, “મેં જ્યારથી રાજકોટમાં આ પફ ટ્રાય કર્યું હતું, ત્યારથી આ સ્વાદ મારે મુંબઈગરા સુધી પહોંચાડવો હતો. અમારું પ્લાનિંગ તો ખૂબ લાંબુ ચાલ્યું – કોરોનાને કારણે બધુ બહુ પાછળ ધકેલાય ગયું, પણ પ્રયાસ ચાલુ જ રાખ્યો. આખેર મેં અને મારી ફ્રેન્ડે સાથે આ આઉટલેટ શરૂ કર્યું.”

તો હવે આ રવિવારે ગરમા-ગરમ પફ અચૂક ટ્રાય કરજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks borivali mumbai food Gujarati food indian food karan negandhi