Sunday Snacks: મુંબઈની એવી જગ્યા જ્યાં મળે છે સ્વાદિષ્ટ જૈન નાસ્તો

25 November, 2023 05:11 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ચર્ની રોડનો સ્પેશિયલ જૈન નાસ્તો

એમપી જૈન સ્નૅક્સની પીળી વેફર

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

શૅફ વિકાસ ખન્નાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જૈન પાકકળાના ખૂબ વખાણ કર્યા હતા. જૈન વાનગીઓમાં કાંદા-લસણ વગર પણ મસાલાનું મિશ્રણ એવું હોય છે કે તમે આંગળીઓ ચાટતા રહી જાઓ. ઈન્ટરનેટ પર ચારે બાજુ જ્યારે જૈન પાકકળાની ખૂબ ચર્ચા થઈ રહી છે, ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ? આજે વાત કરવાની છે એક એવી જગ્યાની જ્યાં જૈન સૂકો નાસ્તો કકહૂબ જ સ્વાદિષ્ટ મળે છે અને ઘણી બધી વેરાયટીમાં મળે છે.

હા, આ સ્વાદિષ્ટ નાસ્તાનો સ્વાદ માણવા માટે તમારે થોડી જખા ખેડવી પડશે. ચર્ની રોડ (Charni Road) ઈસ્ટમાં ટાટા રોડ પર આવેલું છે એમપી જૈન સ્નૅક્સ (MP Jain Snacks). અહીં તમને બધો જ નાસ્તો જૈન મળશે. આ દુકાન જાણીતી છે, તેની ક્રિસ્પી અને મસાલેદાર કેળાંની વેફર્સ અને સલ્લી વેફર્સ માટે. અહીં તમને વેફર, સલ્લી વેફર અને રૂમાલી વેફરની કુલ ૨૬ વેરાયટી મળશે અને બધુ જ જૈન. મસાલા વેફર્સમાં ચીઝ, પેરી-પેરી અને શેઝવાન જેવા વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

આટલું તો ઠીક પણ સ્પેશિયલ વાત તો હવે છે. અહીં વેફર્સ સાથે તીખી-મીઠી અને સૂકી ચટણી પણ આપવામાં આવે છે અને દક્ષિણ મુંબઈમાં આ ચટણી વેફરના દિવાના છે. ૨૫૦ ગ્રામના પેકેટ સાથે અહીં વેફર પ્લેટ પણ મળે છે. કેળાંની ક્રિસ્પી વેફર સાથે તેમની ચટણી ખાવાની મજા જ કંઈક અલગ છે. એક પ્લેટમાં પહેલાં પીળી વેફર નાખી એની ઉપર મસાલો છાંટી અને તેમની ત્રણ ચટણી સાથે આ પ્લેટ બને છે.

સ્વાદની વાત કરીએ તો વેફર પરફેક્ટ ક્રિસ્પી અને સૉલ્ટી હોય છે. મીઠી ચટણી એકદમ મીઠી નહીં પણ ગળચટ્ટી અને લીલી ચટણી ચટપટી. આટલું જ નહીં મૂળ કોથમીર, ફૂદીનો અને વેફરના ચૂરાની ચટણી પણ એટલી જ સ્વાદિષ્ટ. આ સૂકી ચટણી સાથે સમોસાં અને પાપડી ખાવાની તો મજા પડી જાય.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનના માલિક સચિન પરિહારે જણાવ્યું કે, “મારા પપ્પાએ વર્ષ ૨૦૦૦માં દુકાન શરૂ કરી હતી. તેમણે ત્યારે ચટણી સાથે વેફર આપવાની શરૂઆત કરી. લોકોને આ વસ્તુ યુનિક લાગી અને ટ્રાય કર્યા પછી સ્વાદ પણ દાઢે વળગ્યો એટલે અમારા ગ્રાહક બંધાતા ગયા.”

તો હવે આ રવિવારે અહીંની વેફર ખાવા અને લેવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food Gujarati food indian food charni road life and style karan negandhi