26 August, 2023 01:41 PM IST | Mumbai | Karan Negandhi
મસાલા મુંબઈનો ગોટાળો ઢોસો
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
અમદાવાદ (Ahmedabad)ના સ્ટ્રીટ ફૂડનું નામ પડે એટલે સૌથી પહેલું નામ જે જીભે ચડે એ છે માણેકચોક (Manek Chowk). ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલ અને કિશોરકુમારે ગયેલા આ ગુજરાતી ગીતમાં માણેકચોકનો ઉલ્લેખ કંઈક આ રીતે આવે છે ‘રાત પડે ત્યારે માણેકચોકની અંદર જ્યાફત ઊડે, અરે પાણીપુરી ને કુલ્ફી ભજિયા, શેઠ મજૂર સૌ ઝૂડે; દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો, અમદાવાદ બતાવું ચાલો…’. સેન્ડવીચ-પાઉંભાજી હોય કે ઢોસા માણેકચોકમાં દરેક આઈટમ માટે એક બ્રાન્ડ છે.
પણ, માણેકચોકમાં ગોટાળો થાય છે – એ પણ દરરોજ. નાનો-સુનો નહીં મસમોટો ગોટાળો. ગોટાળો કરનાર અહીંના ઢોસાવાળા છે, હા એ સ્પષ્ટતા કરી દઈએ કે આ ગોટાળો પૈસાનો નથી. અહીં ગોટાળો થાય છે ઢોસાના સ્વાદમાં. માણેકચોકનો ગોટાળો ઢોસો વર્લ્ડ ફેમસ છે. મૈસૂર મસાલા ઢોસાની જેમ આમાં વેજિટેબલ્સ પડે છે. મસાલા ઢોસાની જેમ બટેટાનો મસાલો પણ પડે છે. ચીઝ-પનીર અને કંઈ-કેટલાય મસાલાનો ગોટાળો તો ખરો જ.
મુંબઈમાં દર બીજી ગલીએ ઢોસા કૉર્નર હોવા છતાં ગોટાળો ઢોસો (Ghotala Dosa) બહુ પૉપ્યુલર નથી અને ખૂબ જ ઓછી જગ્યાએ મળે છે. જો તમારે પણ ઢોસામાં ગોટાળો થતો લાઇવ જોવો હોય અને તેનો સ્વાદ પણ માણવો હોય તો સરનામું નોંધી લો. મલાડ પૂર્વ (Malad East)માં ગોળ-ગાર્ડન (એમ તો આ ગાર્ડનનું સાચું નામ ‘બીએમસી પોદ્દાર ગાર્ડન’ છે, પણ રસ્તાની વચોવચ ગોળાકારમાં આવેલું છે એટલે ગોળ-ગાર્ડન તરીકે જાણીતું છે.) આ ગાર્ડનના મેઇન ગેટની સામે છે ‘મસાલા મુંબઈ’ (Masala Mumbai)નું આઉટલેટ.
મલાડ પૂર્વ (Malad East)માં બ્લેક પાઉંભાજીનો સ્વાદ પહેલી વાર ચખાડનાર અને લોકોની દાઢે વળગાળના આ પહેલું આઉટલેટ છે. છેલ્લા છ મહિનાથી તેમણે ઢોસા પણ શરૂ કર્યા છે અને અહીં ગોટાળો ઢોસો પણ મળે છે. વેજિટેબલ્સ, બટેટનો મસાલો, પનીર, ચીઝ, સૉસિઝ અને ગોટાળાને પૂરો કરવા માટે કેટલાક મેજિક મસાલા નાખી, તેને બરાબર પકાવવામાં આવે છે અને ત્યાર બાદ તેને ફરી મિક્સ કરી આ સ્વાદિષ્ટ ગ્રેવી સાથે આ ઢોસો તૈયાર. કોપરાની સફેટ અને ટામેટાં-લસણની લાલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.
ગાર્નિશિંગ માટે ડોસા પર ચીઝ ખમણી ઝીણી સમારેલી કોબી ભભરાવી સર્વ કરવામાં આવે છે. ઢોસામાં થતાં આ ગોટાળામાં સ્વાદમાં કંઈ જ ‘ગોટાળો’ નથી. ગ્રેવી અને ચટણીનો ટેસ્ટ અફલાતૂન છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ‘મસાલા મુંબઈ’ના માલિક કેવલ શાહ કહે છે કે, “લગભગ અઢી વર્ષ પહેલા અમે સૌથી પહેલા મલાડ પૂર્વમાં બ્લેક પાઉંભાજી શરૂ કરી. એ ફેમસ થઈ ત્યાર બાદ અમે ઢોસાનું કાઉન્ટર પણ થોડો વખત પહેલા શરૂ કર્યું છે. અમારું આઉટલેટ સાંજે ૪ વાગ્યે શરૂ થાય છે અને રાત્રે ૨ વાગ્યા સુધી ખુલ્લું હોય છે.”
તો આ રવિવારે માણજો ગોટાળા ઢોસાની મજા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.