08 April, 2023 11:44 AM IST | Mumbai | Karan Negandhi
મંગેશ વડાપાઉં
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં બેસ્ટ વડાપાઉં ક્યાં મળે છે, એનું લિસ્ટ બનાવો તો બોરીવલી (Borivali)ના મંગેશ વડાપાઉં સેન્ટર (Mangesh Vada Pav Center)નું નામ ચોક્કસ પહેલાં ૧૦માં આવે. બોરીવલીમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જે આ નામથી અજાણ હોય અને તેણે અહીંનાં વડાપાઉં ક્યારેય ચાખ્યાં સુદ્ધાં નહીં હોય. જો તમે પણ હજી સુધી આ તીખા મસાલેદાર વડાપાઉંનો સ્વાદ લઈને સિસકારીઓ નથી બોલાવી, તો આજે આ કસર પૂરી કરી દઈએ.
બોરીવલી વેસ્ટમાં મંગેશ વડાપાઉંનાં બે અડ્ડા છે. એક બાભઈ નાકાના સિગ્નલ પાસે અને બીજો રાજમહેલ હૉટેલ પાસે. બંને સ્ટૉલ સાંજે ચાર વાગ્યે જ શરૂ થાય છે અને રાત્રે સાડા નવ વાગ્યા સુધી અહીં ગરમા-ગરમ વડાપાઉં સર્વ થાય છે. સાંજે પાંચ વાગ્યાથી અહીં વડાપાઉં લેવા માટે લોકો પડાપડી કરે છે. એટલે આ સમયે જાઓ તો ૫-૭ મિનિટ લાઇનમાં ઊભા રહેવાની તૈયારી સાથે જ જજો.
સાંજે અહીં હાલત એવી હોય છે કે તેમણે લાઇનનું સંચાલન કરવા માટે સ્પેશિયલી સિક્યુરિટી ગાર્ડ રાખ્યો છે. લોકડાઉન બાદ સ્ટૉલ ફરી શરૂ થયો ત્યારથી જ તેમણે સોશિયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખવા માટે સિક્યુરિટી ગાર્ડ રાખ્યો હતો, જે હજી પણ બાભઈ નાકાના સ્ટૉલ પર જોવા મળશે.
મૂળ ૩૦ વર્ષ જૂનાં આ વડાપાઉં સ્ટૉલના સ્વાદની વાત કરીએ તો ખરેખર મુંબઈમાં મળતાં વડાપાઉંને ટક્કર મારે એવો સ્વાદ છે. વડાના માવામાં લસણનો વઘાર અને મસાલો એકદમ પરફેક્ટ છે. હા, થોડું તીખું જરૂર હોય છે, પણ ચટણી સાથે તેનો સ્વાદ થોડો બેલેન્સ થઈ જાય છે. જો તીખું ખાઈને સિસકારીઓ બોલાવવી જ હોય તો સાથે તળેલું મરચું તો મળે જ છે.
સ્ટૉલ પર હાજર મંગેશ વડાપાઉં સેન્ટરના માલિક મંગેશ પંડિતના ભાઈ શરદ પંડિતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “એવું કહેવાય છે કે હૉટેલના માલિક માટે જમવાનું હંમેશા બહારથી આવે છે, તે પોતાની હૉટેલનું ખાતા નથી. જોકે, અમે અમારું વડાપાઉં વેચતા પહેલાં રોજ ટેસ્ટ કરીએ છીએ. ક્વોલિટી અને ટેસ્ટનું ખાસ ધ્યાન રાખીએ છીએ.
આ પણ વાંચો: Sunday Snacks: પાંચ સૉસની ભેળસેળ કરીને બને છે આ ‘ટેઢી’ ભેળ
તો હવે બોરીવલી જાઓ તો આ વડાપાઉં જરૂર ટ્રાય કરજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.