Sunday Snacks: વેલેન્ટાઇન સાથે જવું છે પૉકેટ ફ્રેન્ડલી ડેટ પર? તો બેઝિઝક પહોંચી જાઓ આ કૅફેમાં

11 February, 2023 11:00 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો મીરા રોડમાં મળતા સ્પેશિયલ પિત્ઝા પૉકેટ્સ

ધ મગશૉટ કૅફે

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ગઈ છે. પ્રેમી પંખીડાઓનો મનગમતા તહેવાર વેલેન્ટાઇન્સ ડેને માત્ર 3 દિવસની જ વાર છે. વેલટાઇન્સ ડેના દિવસે જો તમે પણ તમારા પાર્ટનર સાથે કૉફી ડેટ પર જવા માગો છો, જ્યાં તમે તમારા વ્હાલમ સાથે શાંતિથી બેસી શકો - પ્રેમની મીઠી વાતો કરી શકો અને કોઈપણ ચિંતા વગર સાથે સમય માણી શકો, એ માટે જો તમે પોકેટ ફ્રેન્ડલી જગ્યા શોધી રહ્યા છો તો તમારી આ મુંઝવણ અમે દૂર કરી દઈએ.

આજે આપણે વાત કરીશું એક એવા કૅફેની જ્યાં ફૂડ તો સારું મળે છે, પણ સાથે જ આ જગ્યા પોકેટ ફ્રેન્ડલી છે અને અહીં તમે કોઈપણ ખચકાટ વગર તમારા પાર્ટનર સાથે સમય પસાર કરી શકો છો. મીરા રોડ (Mira Road)ના વુડન ફેઝ-૨ વિસ્તારમાં આવેલું છે `ધ મગશૉટ કૅફે` (The Mugshot Cafe). આ મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે અને મેઇન રોડથી થોડો અંદરની બાજુએ આવેલો છે એટલે અહીં ઘોંઘાટથી તમને છુટકારો મળશે – સાથે જ ટેસ્ટી ફૂડ તો મળશે, ઑફકૉર્સ! સિટિંગ એરિયા પ્રમાણમાં મોટો અને કૉઝી છે એટલે પરફેક્ટ ડેટ વાઇબ્સ આપે છે.

અહીં સેન્ડવીચ અને પિત્ઝા તો સારા મળે જ છે, સાથે જ એક કૉમન – બટ નૉટ સો કૉમન આઈટમ મળે છે, એનું નામ છે પૉકેટ પિત્ઝા અને કુલ્હડ પિત્ઝા. અમે તો બંને ટ્રાય કર્યા. નાના પૉકેટ સાઇઝના પફ અને અંદર પિત્ઝાનું સ્ટફિંગ. એમ તો ટેસ્ટ સામાન્ય જ છે, પણ પેરી-પેરી સૉસ સાથે તેનો ટેસ્ટ થોડો સ્પાઇસી થઈ જશે જે નાના બાઇટ્સને પરફેક્ટ બનાવે છે. આજકાલ પિત્ઝામાં એક ક્લાસિક ટ્રેન્ડ આવ્યો છે કુલ્હડ પિત્ઝાનો, આ આઈટમ પણ સરસ મળે છે. USP છે પ્રાઈઝિંગ – આ પ્રકારના બીજા કૅફે કરતાં અહીંના ભાવ ઓછા છે એટલે પૉકેટ ફ્રેન્ડલી ડેટ માટે પરફેક્ટ જગ્યા છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ધ મગશૉટ કૅફેના પાર્ટનર દૃમિલ વેદ કહે છે કે “અમે લગભગ બે મહિના પહેલાં જ આ કૅફે શરૂ કર્યું છે. અમારી પ્રાઈઝિંગ ખૂબ જ સામાન્ય છે, જેને કારણે લોકો અહીં આવવાનું ખૂબ પસંદ કરે છે. પ્લસ અમારી પાસે હૉટ કૉફીમાં પણ ઑપ્શન્સ છે.”

આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈમાં આ જગ્યાએ મળે છે અસલ કોટા સ્ટાઈલ કચોરી

તો હવે આ વીકઍન્ડમાં કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમારા વેલટાઇન સાથે અહીં જરૂર જજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

PS: તમે વેલટાઇન્સ ડે કઈ રીતે ઊજવ્યો તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના ‘વોઇસ ઑફ મુંબઈ’ સેકશન થકી લોકો સાથે શૅર કરી શકો છો. હેપ્પી વેલેન્ટાઇન્સ ડે ઇન એડવાન્સ!

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi