06 May, 2023 12:10 PM IST | Mumbai | Karan Negandhi
જય શ્રીરામ ફ્રેન્કી કૉર્નર
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
જેમ દિલ્હીમાં કાઠી રોલ્સ અને હૈદરાબાદમાં શવર્મા ફેમસ છે, તે જ રીતે જો મુંબઈના ફેમસ રોલ્સની વાત કરીએ તો એ છે ફ્રેન્કી (Frankie). મુંબઈની લગભગ દરેક ગલીએ મળતી ‘ફ્રેન્કી’, નામથી ભલે વેસ્ટર્ન લાગે, પણ વડાપાઉંની જેમ જ આ મુંબઈ શહેરની પોતાની શોધ છે. ફ્રેન્કીની શરૂઆત ૧૯૬૦માં મુંબઈમાં થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રેન્કીનું એક ક્રિકેટ કનેક્શન પણ છે. ખરેખર આ નામ ‘ફ્રેન્કી’ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ફ્રેન્ક વોરેલના નામ પરથી પડ્યું છે.
નામ પાછળની વાર્તા એવી છે કે, અમરજિત સિંઘ ટિબ્બ નામના એક સજ્જન ફરવા બેરૂત ગયા હતા, જ્યાં તેમણે લેબનીઝ પિટા રોલ ખૂબ પસંદ આવ્યા. ત્યારબાદ 1960ની આસપાસ તેમણે આ રોલને મુંબઈમાં ઇન્ડિયન ટ્વિસ્ટ આપવાનું વિચાર્યું. પીટાબ્રેડ અને હમસની જગ્યા લીધી સામાન્ય રોટલી, બટર અને શાકભાજીએ. ટિબ્બની રેસ્ટોરન્ટે આ વાનગી ફેમસ કરી છે.
અમરજિત ટિબ્બ ક્રિકેટ ફેન હતા અને વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટ આઈકન ફ્રેન્ક વોરેલના મોટા પ્રશંસક પણ. તે સમયમાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમનું દુનિયામાં મોટું નામ હતું. ટિબ્બે તેના રોલને ફ્રેન્ક વોરેલના નામ પરથી `ફ્રેન્કી` નામ આપ્યું અને ફ્રેન્કી ધીમે-ધીમે તેના સ્વાદને કારણે વડાપાઉંની જેમ જ આખા શહેરમાં ગલીએ-ગલીએ મળવા લાગી.
તો ચાલો આજે આપણે માણીએ આ બમ્બૈયા રોલનો સ્વાદ. એમ તો તમે ગૂગલ બાબાને મુંબઈની બેસ્ટ ફ્રેન્કી વિશે પૂછશો તો તમને લાંબુ લિસ્ટ મળી જશે, પરંતુ આજે આપણે જ્યાં જવાનું છે તે જગ્યા તમને આ લિસ્ટમાં નહીં જ મળે. મલાડ (Malad)ના રહેવાસીઓ માટે આ નામ નવું નથી, પણ આપવા માનીતા ગૂગલ બાબા આ સ્ટૉલ વિશે જાણતા નથી.
મલાડ ઈસ્ટમાં સ્ટેશનથી હાઇવે તરફ જતાં ત્રીજી ગલીના નાકા પર તમને મળશે જય શ્રીરામ ફ્રેન્કી કૉર્નર (Jay Shree Ram Frankie Corner)નો સ્ટૉલ. કોઈ ખોટો તામજામ કે ઝાકઝમાળ નહીં. છે તો માત્ર એક નાનો સ્ટૉલ, જ્યાં ભીડને પહોંચવા માટે એક બે નહીં પણ કુલ છ લોકો કામ કરે છે અને પીરસે છે ગરમા-ગરમ ફ્રેન્કી. ફ્રેન્કીની લગભગ દરેક વેરાયટી તમને અહીં મળશે.
અમે ટ્રાય કરી સેઝવાન અને નૂડલ્સ સેઝવાન ફ્રેન્કી. પહેલા જ બાઈટમાં તમને ખબર પડી જશે કે તેનો અસલી સ્વાદ તેની સ્પેશિયલ ચટણી અને સેઝવાનમાં છે, જે ફ્રેન્કીને ખરેખર એક યુનિક ફ્લેવર આપે છે. આ ફ્રેન્કીનો સ્વાદ પણ લાંબો સમય સુધી મોઢામાં રહે છે. તેની વધુ એક ખાસિયત એ છે કે અહીંની ફ્રેન્કી એકદમ સ્ટફિંગથી ભરપૂર હોય છે. સાદી ફ્રેન્કીમાં પણ બટેટાના મસાલા સાથે કાંદા, કેપ્સિકમ અને કાંદા દેખાય આવે એટલા હોય છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલના માલિક રામ મૌર્યા કહે છે કે, “આ સ્ટૉલને લગભગ ૧૨ વર્ષ થઈ ગયા. કસ્ટમર પણ રેગ્યુલર આવે છે અને ખાસ કરીને કૉલેજ સ્ટુડન્સ ઘણા આવે છે.”
મોકો મળે એટલે અહીં ફ્રેન્કી ખાવા પહોંચી જતાં ભૂમિ રાદડિયા કહે છે કે, “મને અહીંની ફ્રેન્કી બહુ ભાવે છે અને તેનું કારણ છે તેના સૉસીઝ. હું સ્ટેશન તરફ જાઉં એટલે આ ફ્રેન્કી મિસ ન કરી શકું.”
આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈના ગુજરાતીઓથી જાણે રિસાઈ જ ગઈ છે આ વાનગી
તો હવે આ તમે પણ જજો મલાડની આ સ્પેશિયલ ફ્રેન્કી ખાવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.