30 September, 2023 12:45 PM IST | Mumbai | Karan Negandhi
મલાડની ફેમસ દાબેલી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
અગાઉ આપણે આ કૉલમમાં ઠાકુર વિલેજ અને મહાવીર નગરના ઘણા સ્ટૉલ્સની મુલાકાત લીધી છે - તેમના ફૂડ વિશે વાત કરી છે, પણ શું તમે જાણો છો કે આવો જ એક વિસ્તાર મલાડ ઈસ્ટનો પણ છે? હા, મલાડ ઈસ્ટ (Malad East)ની સાંકળી ગલીઓમાં જે દુકાનો અને સ્ટૉલ્સ છે, તેના ફૂડનો ટેસ્ટ અને ઇતિહાસ બંને જ સમૃદ્ધ છે. સાઉથ ઇન્ડિયન ફૂડ હોય કે માંડવી – કચ્છની ઑથેન્ટિક દાબેલી બધુ જ અહીં મળે છે અને બહુ ફેમસ છે. તો ચાલો આજે જઈએ મલાડની ગલીઓમાં અને માણીએ અહીંની ફેમસ દાબેલીનો સ્વાદ.
મલાડ ઈસ્ટમાં સુભાષ લેનમાં મોનિકા હૉલની બરાબર સામે છે ‘મલાડ ફેમસ દાબેલી’ (Malad Famous Dabeli)નો સ્ટૉલ છે. સુભાષ લેન એટલે એ જ ગલી જ્યાં કૉર્નર પર ફેમસ ફ્રેન્કી વાળો છે – આ તો માત્ર માહિતી ખાતર. કમિંગ બેક ટુ ધ દાબેલી – નામ પ્રમાણે જ આ દાબેલી સ્ટૉલ મલાડમાં ફેમસ છે અને તમારે જો આ દાબેલીનો સ્વાદ માણવો હોય તો તમારે અહીં પહોંચીને કેટલીક મિનિટો રાહ જોવી જ પડશે.
પાંઉના વચ્ચેથી બે ફાડિયાં કરી એમાં ચટણી લગાવી, દાબેલીનું પૂરણ ભરી, પછી એમાં મસાલા સિંગ નાખવામાં આવે અને પછી ફરી પાછું એમાં તીખી ચટણી સાથે પૂરણ ભરવામાં આવે. પૂરણના આ સેકન્ડ લેયર પછી એની ઉપર કાંદા અને દાડમ આવે અને પછી ફરીથી ઉપર પૂરણ ભરી આ આખા પાંઉને બટરમાં શેકવામાં આવે. પાંઉ શેકાઈ જાય અને ઉપર અને નીચેનું લેયર કડક ન થઈ જાય ત્યાં સુધી તેને બટરમાં શેકવામાં આવે છે. દાબેલીમાં જે કરકરાપણું આવે છે, તેનાથી ટેસ્ટમાં ચાર ચાંદ લાગી જાય છે.
હા, દાબેલી શેકાઈને તૈયાર થઈ જાય એટલે પ્લેટમાં કાંદા, કોથમીર દાડમ અને મસાલા સિંગ સાથે દાબેલી સર્વ કરવામાં આવે. હવે આ બટરી દાબેલીનું તમે એક બાઇટ લો એટલે તમારા મોઢામાં મસાલાના સ્વાદનો જે વિસ્ફોટ થાય એટલે તમને ખબર પડી જ જાય કે મસાલામાં કંઈક ખાસ છે. હવે આ ખાસ શું છે એ પણ તમને જણાવી દઈએ. અહીં દાબેલીના પૂરણમાં વપરાતા મસાલા માંડવીથી આવે છે. આ સ્ટૉલ માત્ર નામથી જ ફેમસ નથી. તેઓ વર્ષ ૧૯૮૬થી સ્વાદિષ્ટ દાબેલીનો સ્વાદ પીરસી રહ્યા છે. આ બીજી પેઢી છે, જે હાલ આ સ્ટૉલ ચલાવે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલના માલિક પ્રદીપ ગોસ્વામી જણાવે છે કે, “અમે મૂળ કચ્છ માંડવીના છીએ અને અમારી દાબેલીની રેસિપી પણ ત્યાંની જ છે. ઉપરાંત દાબેલીના મસાલા પણ ત્યાંથી જ આવે છે. પહેલાં મારા બાપુજી સ્ટૉલ ચલાવતા હતા અને હવે હું જ આ સ્ટૉલ ચલાવું છું.”
જો તમારે પણ માંડવીનો સ્વાદ મુંબઈમાં ચાખવો હોય તો પહોંચી જજો મલાડ. આવી દાબેલી તમે ભાગ્યે જ ખાધી હશે. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.