27 May, 2023 11:47 AM IST | Mumbai | Karan Negandhi
સિંઘારાવાલાના પુચકા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
‘પાણીપુરી’ (PaniPuri) આ કોઈ સામાન્ય શબ્દ નથી. આપણા જેવા હજારો ચટોરાઓની લાગણી આ એક શબ્દ સાથે જોડાયેલી છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘બાર ગાવે બોલી બદલે’ – પાણીપુરીનું પણ કંઈક આવું જ છે. આપણી પાણીપુરી દિલ્હીના લોકો માટે ‘ગોલગપ્પા’ છે, તો કોલકાતામાં રહેતા બંગાળી લોકો માટે ‘પુચકા’. નામ સાથે તેનું સ્વરૂપ પણ થોડું બદલાય છે, પણ જે વસ્તુ નથી બદલાતી એ છે પાણીપુરી ખાવાનો આનંદ. બસ, આ જ પાણીપુરી પ્રેમને વશ થઈ અમે ઊપડી પડ્યા શહેરમાં જુદી પાણીપુરી શોધવા.
મકાબોમાં જો તમારે પણ ખાણીપીણીના મામલે કંઈ નવી શોધખોળ કરાવી હોય તો બે જગ્યાઓ છે. એક મહાવીરનગર અને બીજી ઠાકુર વિલેજ (Thakur Village). આ બંને જગ્યાઓ ફૂડીઝ અને ફૂડ બિઝનેસ કરવા માગતા લોકો માટે સોનાની ખાણ છે. અમે પણ અમારી આ જ ટ્રીક અપનાવી અને પહોંચી ગયા ઠાકુર વિલેજ. થોડી શોધખોળ બાદ અમને મળી ગયું સોનું! રામા’સની બરાબર બાજુમાં ‘સિંઘારાવાલા’નું સરસ બોર્ડ દેખાયું અને બહાર હતો એક પુચકાનો સ્ટૉલ. બસ પછી શું હતું અમે તો ભાઈ પહોંચી ગયા.
પાણીપુરી અને પુચકાનો તફાવત જાણીએ એની પહેલા તો એ સવાલ આવ્યો કે આ નામનો અર્થ શું થાય? દુકાનના માલિક મૌસમી બાસુ અને તેમના હસબન્ડ સોમનાથ બાસુ સાથે વાત કરતાં ખબર પડી કે બંગાળીમાં ‘સિંઘારા’ એટલે સમોસા. તેમણે ૨૦૨૦માં બંગાળી સમોસા બનાવવાથી શરૂઆત કરી હતી એટલે ત્યાંથી નામ આવ્યું ‘સિંઘારાવાલા’ (Singara Wala). આ ‘સિંઘારા’ દેખાવમાં તો સમાસો જેવા જ હોય છે, પણ તેનું ફિલિંગ જુદું હોય છે. છાલવાળા બટેટાને સમારી ફ્લાવર પણ ઉમેરાય છે. આ આખું ફિલિંગ સાંતળીને જ બને છે, તેને બફાતું નથી. બંગાળમાં આવા જ સમોસાં મળે છે. અમે તો ચાખ્યા પણ ખરા અને ભાવ્યા પણ ખરા.
વૅલ, આ આખી વાતમાં તમે એ તો સમજી જ ગયા હશો કે અહીં બંગાળી વાનગીઓ મળે છે. બસ તો ચાલો હવે વાત કરીએ પુચકાની. પાણીપુરી જેવા જ દેખાતા આ પુચકા (Kolkata Style Puchka) એમ જોવા જાઓ તો સાવ જુદા છે. તેનું પાણી અને પુરી બંને ‘પાણીપુરી’ કરતાં અલગ છે. પુચકાની પુરીમાં રવા અને મેંદા કરતાં ઘઉંના લોટનું પ્રમાણ વધારે હોય છે. ફિલિંગમાં રગડાની જગ્યાએ બટેટાનો માવો અને તેમાં બાફેલા ચણા. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ફૂદીનાની ચટણી અને મસાલો નાખવામાં આવે છે - અને છેલ્લે પાણી, ફૂદીનાના પાણી કરતાં સાવ જ જુદું આમલીનું ચટપટું પાણી. આ પાણીને વધુ ચટપટું બનાવવા માટે તેમાં એક જાદુઈ વસ્તુ ઉમેરવામાં આવે છે. આ જાદુઈ સમગ્રીનું નામ છે ‘ગોંધોરાજ’ એટલે કે કોલકાતાનું પત્તી લીંબુ. આ લીંબુની ફ્લેવર સામાન્ય લીંબુ કરતાં સરસ અને વધુ સુગંધી હોય છે, જે પુચકાના સ્વાદમાં વધારો કરે છે.
તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે ઉપરથી જ લીલું ઝીણું સમારેલું મરચું નાખીને તમને જોઈએ એવા પુચકા ખાય શકો છો. આટલું લખતા પણ લેખકના મોઢામાં પાણી આવી ગયું છે. એકવાત તો પાક્કી કે પુચકા ખાશો તો વ્હાલી પાણીપુરીનો સ્વાદ ફિક્કો લાગશે. તમે અહીં જાલમૂળી એટલે કે સૂકી ભેળ પણ ટ્રાય કરી શકો છો. આમાં માસ્ટર્ડ ઑઈલનો ઉપયોગ થાય છે અને પેપરમાં એક નારિયેળના ટુકડા સાથે પીરસાય છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં મૌસમી બાસુએ કહ્યું કે, “મુંબઈમાં ખૂબ જ ઓછી જગ્યાઓ છે જ્યાં ઑથેન્ટિક બંગાળી - કોલકાતાનું ફૂડ મળે છે. અમે કોલકાતાથી મુંબઈ આવ્યા ત્યારે ત્યાંનું ફૂડ ખૂબ જ મિસ કર્યું અને લોકડાઉનમાં પોતાનો આ બિઝનેસ શરૂ કર્યો. અમારે ત્યાં વેજ અને નોન-વેજ બધુ જ બંગાળી ઑથેન્ટિક ફૂડ મળે છે.”
આ પણ વાંચો: Sunday Snacks: બાંદરાની આ ફ્લેવરફૂલ ભેળ ખાશો તો ભલભલી ભેળ ભૂલી જશો
પાણીપુરીને સર્વસ્વ માનતા ફૂડીઝ માટે પુચકા મસ્ટ-મસ્ટ-મસ્ટ ટ્રાય છે. તો આ રવિવારે જરૂર જજો પુચકા ખાવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.