Sunday Snacks: મલાડની આ સેવપુરી પ્લેસ કેમ છે વિકી કૌશલની ફેવરેટ?

13 January, 2024 01:01 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નેક્સમાં ટ્રાય કરો વિકી કૌશલની ફેવરેટ પ્લેસની સેવપુરી

સેવપુરી

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

શહેરની ગલીઓ અને ઇન્ટરનેટના ખૂણા-ખોપચા ફંફોસીને `આ અઠવાડિયે (Sunday Snacks) ક્યાં જવું`ની કાયાવત ચાલી રહી હતી કે અમારી નજર પડી એક રીલ પર, જેમાં બોલિવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) મલાડ વેસ્ટમાં સ્ટેશન નજીક કોઈ ગુપ્તાજી ચાટવાલાના ખૂબ વખાણ કરી રહ્યા હતા. તમે પણ કદાચ આ રીલ જોઈ હોય તે શક્ય છે. મલાડ વેસ્ટ (Malad West)માં સ્ટેશનની આજુ-બાજુ આવા પાંચ ગુપ્તાજી છે જે ચાટનો ધંધો કરે છે. ગહન વિચારો વચ્ચે થોડું રિસર્ચ કર્યું ત્યારે અમને ફાઇનલી વિકી કૌશલ કહેલા ગુપ્તાજી મળ્યા.

મામલેદાર વાડીમાં નેવી કોલોનીમાં આવેલી કમલા બિઝનેસ સોસાયટીમાં તમને `ગુપ્તા પાણીપુરી` (Gupta Pani Puri)ની દુકાન મળી જશે. દુકાનની બહાર કોઈ બોર્ડ કે બેનર નથી, પણ આ જગ્યાએ આવીને જ્યાં તમને માનવ મહેરામણ ઊમટી પડેલું દેખાય એ જ દુકાન આ ગુપ્તાજીની. આ નાનકડી દુકાનમાં જ તમને સેવપુરીથી લઈને સેન્ડવીચ સુધી બધુ મળી જશે.

બોલિવૂડના આ જોશીલા એક્ટર પાસેથી પ્રેરણા લઈને અમે તો આંખ બંધ કરીને સેવપુરીનો ઑર્ડર આપી દીધો. થોડી ભીડ હતી એટલે પાંચેક મિનિટની રાહ જોવી પડી. ગુપ્તાજીએ તો ફટાફટ બધા જ ગ્રાહકોને ઑર્ડર મુજબની વાનગીઓની પ્લેટ ધરી દીધી. હવે આવ્યો આપણો વારો, એક કાગળ પર પાન મૂકી તેમણે પૂરી ગોઠવી દીધી. ઉપર બટેટા, કાંદા, તીખી-મીઠી-લસણની ત્રણ ચટણી અને મસાલો નાખી ઉપરથી લીંબુ નિચોવ્યું ને ઉપર સેવ અને કોથમીર ભભરાવી. આટલું ઠીક પણ તેમણે તો ઉપર ખમણી પણ નાખી, આ કંઈક સામાન્ય કરતાં જુદું હતું.

સેવપુરી સાથે સેવખમણીનું આ કોમ્બિનેશન દેખાવમાં તો કિલર હતું. સમય હતો તેનો સ્વાદ માણવાનો - ત્રણેય ચટણીની ફ્લેવર તો બહુ જ સરસ હતી, ચાટમાં હોવી જોઈએ એવી પરફેક્ટ ચટણીઓને કારણે ટેસ્ટ એકદમ જ સરસ લાગ્યો. તેઓ પુરી જાતે બનાવે છે. રેગ્યુલર પુરી કરતાં તેમની પુરી વધારે ક્રિસ્પી હતી એટલે સેવપુરી ખાવાની મજા વધી ગઈ અને ઉપરથી ખમણીનું કૉમ્બો તો ઑસમ છે. હા આ સેવપુરી થોડી ઓવર પ્રાઇસ્ડ છે પણ એકવાર ચાખવા જેવી તો ખરી જ.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાન ચલાવતા ગુપ્તજીએ કહ્યું કે, "અમારી દુકાન સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે. શનિ-રવિમાં તો પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી."

તો હવે આ રવિવારે ગુપ્તાજીની સેવપુરી અને સેવખમણીના કૉમ્બોની મજા માણવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

 

sunday snacks Gujarati food mumbai food indian food life and style malad karan negandhi