04 November, 2023 05:32 PM IST | Mumbai | Karan Negandhi
ચાય ફ્યૂઝનની `ચાય થાલી`
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ગુજરાતી, રાજસ્થાની, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને વિવિધ અગણિત ક્વિઝીનની મળતી થાળીઓ-પ્લેટર આજકાલ ટ્રેન્ડમાં છે, તો કરોડો ભારતીયો જેઓ રોજ સવારે ઊઠતા અને રાત્રે સૂતા પહેલાં ચા પીવે છે, એવા ચાના દિવાનાઓ માટે પણ કેમ થાળી કે પ્લેટર ન હોય? બસ, આ એક સવાલ અને વિચાર સાથે બોરીવલી (Borivali) સ્થિત ‘ચાય ફ્યૂઝન’ (Chai Fusion) કૅફેએ ચાય-થાળી લૉન્ચ કરી. ઈન્ટરનેટ પર લાખો લોકોએ પસંદ કરેલી આ થાળીમાં શું ખાસ છે, એ જોવા અમે પણ પહોંચી ગયા.
બોરીવલી વેસ્ટમાં બરાબર આઈ.સી. કૉલોનીના મેટ્રો સ્ટેશન પાસે આ કૅફે આવેલું છે. અંદર અને બહાર કૉઝી સિટિંગ એરિયા છે, એટલે મેન્યૂની વાનગીઓની લટાર મારવા નીકળો તેની પહેલાં ‘ચાય થાલી’ તો મગાવી જ લેજો. એક ‘ચાય થાલી’માં કેટલી ભરીને ચા, બન મસ્કા, મિનિ બટેટા વડા, બટેટાના ભજિયાં, એક ગ્રિલ સૅન્ડવિચ, લીલી ચટણી અને વેજિટેબલ મૅગી સર્વ કરાય છે, જે આરામથી બેથી ત્રણ લોકો માટે પૂરતી છે, પરંતુ બે લોકો જ શૅર કરી શકે છે.
આટલી બધી ભાવતી વાનગીઓ એક સાથે નજર સામે આવી જાય એટલે પહેલી મૂંઝવણ તો એ જ થાય કે કોને પહેલાં ન્યાય આપવો. આ વિચાર તમે ચાની ચૂસકી લેતા કરી શકો છો. હવે વાત સ્વાદની, પહેલાં તો ચાની એક જ ચૂસકી તમને ખરેખર તાજગીનો અનુભવ કરાવશે. અહીંનો ચાનો મસાલો મેજિકલ છે, તે ચાની સુગંધ અને સ્વાદ પરથી જ ખબર પડી જાય છે. બટેટાવડા અસલ બોમ્બે સ્ટાઈલ છે. બટેટા ભજિયાંમાં બટેટાની એકદમ પાતળી સ્લાઇઝ હોય છે, જેથી તે જરા ક્રન્ચી લાગે છે. બટેટા વડા અને સૅન્ડવિચમાં માવો એ જ વપરાય છે, પણ છતાં સ્વાદ તો અવ્વલ જળવાઈ રહે છે અને ચટણી સાથે તો સ્વાદ બમણો થઈ જાય છે.
‘ચાય થાલી’ ઉપરાંત પણ અહીં સ્ટ્રીટ સ્ટાઇલ સ્નેક્સની સાથે પીત્ઝા, પાસ્તા, મૅક્સિકન પ્લૅટર્સ, સૂપ્સ અને સૅલડ્સનાં પણ અઢળક ઑપ્શન છે, સાથે જ મોકટેલ્સમાં પણ ઘણા બધા વિકલ્પો છે.
જો તમને પણ પ્રશ્ન થાય કે ‘ચાય ફ્યૂઝન’નો વિચાર કેવી રીતે આવ્યો હશે? તો તેનો જવાબ પણ તમને મેન્યૂ પર જ મળી જશે. ‘ચાય થાલી’નો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતાં આ કૅફેનાં માલિક સતીશ તોલાણી કહે છે કે, “મારી પત્ની સીમા તોલાણીને થાળી ખાવી ખૂબ ગમે છે, ભલે તે ગમે તે દેશ-પ્રદેશની હોય. ‘ચાય થાલી’નો આઇડિયા પણ તેનો જ છે. તેને કૂકિંગનો શોખ છે અને તે સિંધી ફૂડ તો ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. અહીંની ઘણી-બધી રેસિપીઝ તેણે જ તૈયાર કરી છે. અમારો મોટો છે કે લોકો ચા પીવા અને નાસ્તો/લંચ/ડિનર પણ માણે.”
તો હવે આ રવિવારે ‘ચાય થાલી’નો આનંદ જરૂર માણજો, કંઈ નહીં તો ચા તો મિસ નહીં જ કરતાં. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.