16 March, 2024 10:31 AM IST | Mumbai | Karan Negandhi
તસવીર: ઇન્સ્ટાગ્રામ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
આમ તો ગજરાત (Sunday Snacks)ના લગભગ બધા જ જિલ્લાઓની ખાણી-પીણી વિશેષ છે અને ગુજરાતી વાનગીઓ અને પાકકલા વિકસાવવામાં બધા જ જિલ્લાઓનો સિંહફાળો છે. સુરતે સેવ ખમણી અને લોચો આપ્યા છે તો કચ્છે દાબેલી. મૂળ વાનગીથી જરા જુદી અને સ્વાદિષ્ટ અવનવી વેરાયટી પણ આમાંથી બનાવવામાં આવી છે, જેમ કે લોચોમાં ચીઝ પડવા લાગ્યું અને દાબેલીનો મસાલો પાઉંની જગ્યાએ કોનમાં ભરીને ‘ભાજી કોન’ (Bhaji Cone) તરીકે નવી વાનગી બની. આ વાનગી કોણે બનાવી અને કયા બનાવી એ તો ભગવાન જાણે પણ, એક વાત તો ખરી કે જે પણ બુદ્ધિજીવીએ આ વાનગી બનાવી છે સ્વાદનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે.
ભાવનગર હોય કે જામનગર બધે જ આ વાનગી ચાઉંથી ખવાય છે. તો આજે અમે તમને જણાવીશું ભાજી કોર્ન ખાવા માટે મુંબઈનું સરનામું. જોકે, આ વાનગી ખાવા માટે તમારે થોડી જફા ખેડવી પડશે. આ વાનગી ખાવા માટે તમારે જવું પડશે ઘાટકોપર (Ghatkopar) નિવાસીઓની ફેવરેટ એવી ખાઉ ગલીમાં. અહીં તમને મળશે બ્રિજેશ દાબેલીનો સ્ટૉલ. અહીં તમને આ અદ્ભુત અને સ્વાદિષ્ટ વાનગી મળશે.
તવા પર પહેલાં બટર નાખી તેમાં કાંદા, ચટણી, દાબેલીનો મસાલો, સીંગદાણા અને ચીઝ નાખી સરસ રીતે સાંતળી લેવામાં આવે છે. હવે શરૂ થાય છે અસલી જાદુ – ઘઉંના લોટથી બનેલા કોનમાં આ તૈયાર મિશ્રણ ભરી, ઉપરથી સેવ ભભરાવી અને ચીઝ ખમણી આ કોન સર્વ થાય છે.
તો હવે આ રવિવારે ઘાટકોપરની ખાઉ ગલીની મુલાકાત જરૂર લેજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.