24 June, 2023 12:10 PM IST | Mumbai | Karan Negandhi
પૂજા સેન્ડવીચ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
વડાપાઉં પછી મુંબઈનું મોસ્ટ ફેવરેટ સ્ટ્રીટ ફૂડ સેન્ડવીચ (Sandwich) છે. મસાલેદાર લીલી ચટણી અને બટેટાનો સ્વાદિષ્ટ મસાલા અને તાજા સમારેલા શાકભાજીને બ્રેડની મૂકી બટર લગાવી કોલસા પર ટોસ્ટ થયેલી સેન્ડવીચ ખાવાની મજા જ કંઈક જુદી છે. મુંબઈમાં ઘણા એવા સેન્ડવીચ જોઇન્ટ્સ એવા છે, જે સામાન્ય લોકોના જ નહીં સેલેબ્સના પણ ફેવરેટ છે. તો ચાલો આજે બોરીવલીના એવા જ એક સ્ટૉલની મુલાકાત લઈએ, જ્યાં તમને અવનવી વેજિઝ અને ચીઝથી ભરપૂર સેન્ડવીચની વેરાયટીઝ મળશે.
બોરીવલી વેસ્ટ (Borivali West)માં ચંદાવરકર રોડ પર રાયચુરા સર્કલ પાસે આવેલો છે ‘પૂજા સેન્ડવીચ’ (Pooja Sandwich)નો સ્ટૉલ. આગળ કહ્યું એમ આ સ્ટૉલ વિસ્તારમાં રહેતા લોકોનો જ નહીં પણ કેટલાક સેલેબ્સનો પણ ફેવરેટ છે. અહીં તારક મહેતાના ઐય્યરભાઈથી લઈને શાહરૂખ ખાન સુધીના સેલેબ્સે તેમના હાથની સેન્ડવીચનો સ્વાદ માણ્યો છે. તેઓ દર ૨-૩ મહિને નવી-નવી વેરાયટી લાવતા રહે છે.
તાજેતરમાં તેમણે ‘મુંબઈ ફાયર ટોસ્ટ’ (Mumbai Fire Toast) નામની નવી સેન્ડવીચ મેન્યૂમાં ઉમેરી છે. તેનું નામ અને ટેસ્ટ બંને સ્પેશિયલ છે. આ સેન્ડવીચ વેજિઝ, સૉસિઝ અને ચીઝથી લોડેડ તો છે જ પણ આને બનતી જોવાની મજા જુદી છે. સૌથી પહેલા ચોપ્ડ વેજિઝને ચીઝ અને તંદૂર સિઝનિંગ્સ ઉમેરી બરાબર મિક્સ કરી થોડો બટેટાનો માવો પણ ઉમેરાય છે. પછી આ લોડેડ સેન્ડવીચના ચાર પીસીઝ કરી એકદમ કડક ના થાય ત્યાં સુધી બટર લગાવીને ટોસ્ટ કરવામાં આવે છે.
અને હવે શરૂ થાય છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ. આ ટોસ્ટ થયેલી સેન્ડવીચને ફરી ચારે બાજુથી ખોલી અને ઉપર ચીઝ અને સૉસિઝનો વરસાદ કરાય છે. છેલ્લે આ ચીઝ મેલ્ટ કરવા માટે ઉપર ફાયર કરવામાં આવે છે અને સિઝનિંગ્સ સાથે સર્વ કરાય છે. ટેસ્ટ વિશે તો શું જ કહેવું, બસ પહોંચી જાઓ.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલના માલિક સુનિલ ગુપ્તા જણાવે છે કે, “મુંબઈ ફાયર ટોસ્ટ અમે ત્રણ મહિના પહેલા જ મેન્યૂમાં ઉમેરી છે. તેના ટેસ્ટ અને યુનિકનેસને કારણે તે ટૂંક સમયમાં તે ફેમસ થઈ ગઈ છે અને લોકો દૂર-દૂરથી આ સેન્ડવીચ ટ્રાય કરવા આવે છે.
તો હવે આ રવિવારે બોરીવલીની આ ખાસ સેન્ડવીચનો સ્વાદ લેવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.