11 November, 2023 08:28 PM IST | Mumbai | Karan Negandhi
`દધો સુથો`ના ઑથેન્ટિક દાળ પકવાન
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
આ કોલમમાં આપણે ગુજરાતી, મરાઠી, બંગાળી અને બીજા દેશ-પ્રદેશની વાનગીઓનો સ્વાદ માણ્યો છે. આજે વારો છે આ યાદીમાં નવું નામ ઉમેરવાનો. ગુજરાતમાં બહુ જાણીતા અને સિંધિ પાકકલા (Sindhi Cuisine)ની ઓળખ ગણાતા દાળ (Dal Pakwan) પકવાન મુંબઈમાં ક્યા-ક્યા મળે છે? આ શોધવા અમે પણ ગૂગલ પર ફાંફાં માર્યા - ઘણા બધા નામ મળ્યા – પણ નજર આવીને અટકી ગઈ ‘દાધો સુથો’ (Dadho Sutho) પર. ‘દધો સુથો’નો સિંધિમાં અર્થ ‘ખૂબ જ સરસ’ એવો થાય છે.
કાંદિવલી (Kandivali)માં આવેલી આ ‘ખૂબ જ સરસ’ જગ્યાનું સરનામું એટલે ફૂડહબ ગણાતું મહાવીર નગર (Mahavir Nagar). મેઇન રોડ પર જ કોટક મહેન્દ્ર બૅન્કની બરાબર સામે – પૂરણપોળી ઘરની બહાર આ જગ્યા આવેલી છે. અહીં તમને ઑથેન્ટિક સિંધિ દાળ પકવાન અને કોકી જેવી મજેદાર સિંધિ વાનગીઓની સ્વાદ ચાખવા મળશે. અમે તો અહીં પહોંચતા જ સૌથી પહેલા દાળ પકવાનનો ઑર્ડર આપ્યો અને લગભગ ૨-૩ મિનિટમાં તો પ્લેટ તૈયાર થઈને તમારી ખિદમતમાં હાજર.
અહીં તમને સિંગલ અને ડબલ દાળ પકવાનનું ઑપ્શન મળશે. તમે ઑર્ડર આપો એટલે તરત પ્લેટમાં પકવાન મૂકી હાથથી તેના ટુકડા કરી અને ઉપર દાળ રેડી – મસાલો, તીખી-મીઠી ચટણી અને કાંદા નાખીને આ વાનગી સર્વ થાય છે. ચણાની દાળને અધકચરી બાફી અને ખૂબ જ સામાન્ય મસાલા સાથે તૈયાર કરાય છે. બહુ મસાલેદાર નહીં છતાં બહુ સ્વાદિષ્ટ એવી આ વાનગી સવાર અને સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે. તમે પહેલું બાઇટ લેશો, ત્યારથી જ તમને દાળ અને ચટણીનો અગ્રણી સ્વાદ ખબર પડી જશે. તમને ચટપટું ભાવતું હોય તો લીલી ચટણી વધારે નખાવજો.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ‘દાડો સુથો’ના માલિક મિહિકાએ જણાવ્યું કે, “અમે ‘દાધો સુથો’ ૨૦૨૧માં શરૂ કર્યું. તેની પાછળનું કારણ એ હતું કે લોકો સિંધિ વાનગીઓ વિશે વધુ જાણતા નથી. અમને ડર હતો કે લોકોને આ વાનગીઓ ભાવશે કે નહીં, પરંતુ અમારો ડર ખોટો સાબિત થયો. અમારા દાળ પકવાન અને કોકીનું સ્વાદ લોકોની દાઢે એવો વળગ્યો કે લોકો વારંવાર આ વાનગીઓ માણવા અહીં આવે છે.”
તો હવે આ રવિવારની શરૂઆત કરજો સિંધિ દાળ પકવાન સાથે. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.