11 May, 2024 03:59 PM IST | Mumbai | Karan Negandhi
તસવીર: મેપ્સ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
કરણ-અર્જુન અને જય-વીરુ કરતાં પણ વધારે સ્ટ્રોંગ બોન્ડિંગ જો આ દુનિયામાં અસ્તિત્વમાં છે તો એ છે ગુજરાતીઓ અને નાસ્તાનું. ફ્લાઇટમાં પણ થેપલાનો ડબ્બો સાથે લઈને જતાં ગુજરાતીઓ પાસે નાસ્તાની વેરાયટી પણ અઢળક છે. આમ તો ફાફડા અને ખમણ ગુજરાતીઓની ઓળખ ગણાય છે, પણ માત્ર આ બે વાનગીઓને ગુજરાતીઓની ઓળખ માનવી પણ બીજી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ચોક્કસ અન્યાય છે.
મુંબઈમાં ફાફડા, ખમણ, પાતરા અને ખાંડવી તો ઠેરઠેર મળે છે. જોકે, મુંબઈમાં એવી જગ્યાઓ તો અમુક જ છે જ્યાં એકદમ પ્રોપર અને ઑથેન્ટિક ગુજરાતી નાસ્તા મળતા હોય. તો ચાલો આજે તમને લઈ જઈએ આવી જ એક જગ્યાએ, જ્યાં તમે મન અને પેટ બંને ભરીને ગુજરાતી નાસ્તાની જ્યાફત ઉઠાવી શકો છો. દાદર વેસ્ટ (Dadar West)માં આવેલું ‘સુરતી ફરસાણ માર્ટ’ (Surti Farsan Mart) એક એવું નામ છે, જે નાસ્તા માટે - ખાસ કરીને ગુજરાતી નાસ્તા માટે ખૂબ જ જાણીતું નામ છે. તમે જો એકવાર અહીંનું ફૂડ ટ્રાય કરશો તો તેનો સ્વાદ તમને વારંવાર અહીં ખેંચી લાવશે.
અહીં તમને મિક્સ ફરસાણ, ફાફડા, જલેબી, પાપડી, ભાવનગરી ગાંઠિયા, સેવ, તીખી સેવ, વણેલા ગાંઠિયા, કચોરી, ભાખરવડી, સમોસા, મેથીના મુઠિયા, મેથી વડી, ફરસી પુરી, પોહાનો ચેવડો, મકાઈનો ચેવડો, શક્કરપારા, મિક્સ ભાજી, પાતરા, ખમણ, ખાંડવી, સફેદ ઢોકળા, સેન્ડવીચ ઢોકળા જેવી અઢળક વેરાયટીના નાસ્તા મળશે.
આ ઉપરાંત ગરમ નાસ્તામાં અહીં ખમણ, કબાબ, ઉંધિયુ, સમોસા, કટલેટ, બટેટાના વડા, કોર્ન રોલ, પટ્ટી સમોસા, ચાઈનીઝ સમોસા, ક્રિસ્પી રોલ, અમેરિકન રોલ, ખસ્તા કચોરી, પ્યાઝ કચોરી, બ્રેડ કટલેટ, ફાસ્ટિંગ પેટીસ, સાબુદાણા વડા અને એ બધુ જ જે તમે ઈચ્છો એ મળશે.
આ બધા જ નાસ્તા અહીં 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. વર્ષોથી આ દુકાન ચલાવતા દિપક રામાવત કહે છે કે, “અમે ઘણા વર્ષોથી આ નાસ્તા વેચીએ છીએ, અમે બધી જ વસ્તુ તાજી બનાવીને વેચીએ છીએ. મુંબઈના ઘણા લોકો અહીં ખાવા આવે છે અને જે એકવાર આવે છે તે વારંવાર આવે છે.”
તો હવે આ રવિવારે જરૂર જજો દાદર ગરમા-ગરમ નાસ્તો કરવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.