27 April, 2024 03:59 PM IST | Mumbai | Karan Negandhi
ક્રસ્ટ ઍન્ડ બન્સના સ્પેશિયલ કુલ્હડ પિત્ઝા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ગયા અઠવાડિયે જ આપણે પિત્ઝા (Sunday Snacks)ની વાત કરી હતી. જોકે, એમાં મૂળ વાત હતી એવા લોકોની કે જેમણે પિત્ઝાનું એક હેલ્ધી ઑપ્શન બનાવ્યું છે કે એમ કહીએ કે ગિલ્ટ ફ્રી વર્ઝન બનાવ્યું છે. આજે વાત કરવી છે એવા લોકો વિશે જેમને પિત્ઝાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. રસ્તા પર મળતા તવા પિત્ઝાથી લઈને કૉમર્શિયલ ફૂડ ચેઇન દ્વારા ચલાવાતી બ્રાન્ડ્સ અને એકદમ ઑરિજનલ અને ઑથેન્ટિક પિત્ઝા સુધી બધે જ કંઈક અવનવું જોવા મળે છે.
ભારતે પિત્ઝાનું પોતાનું એક વર્ઝન બનાવ્યું છે અને એ છે કુલ્હડ પિત્ઝા. માટીના કુલ્હડમાં બ્રેડ અને વિવિધ સૉસમાં સાતળેલા વેજિઝ અને ચીઝ સાથે સર્વ થતો આ પિત્ઝા કોનું ઇનોવેશન છે એ તો ખબર નહીં, પણ ઈન્ટરનેટ પર બહુ જ પોપ્યુલર છે. તમે અવારનવાર જુદી-જુદી જગ્યાએ મળતા કુલ્હડ પિત્ઝાની રીલ્સ જોઈ હશે. ચીઝ અને વેજિઝનું આ કૉમ્બો જોઈને કોઈનું પણ મન લલચાઈ જાય એવી આ આઈટમમાં બ્રેડ થોડું ઑડ કૉમ્બિનેશન છે.
બોરીવલી (Borivali)માં આઈસી કૉલિનીમાં આવેલું ‘ક્રસ્ટ ઍન્ડ બન્સ’ (Crust & Buns) આ ફરિયાદ દૂર કરે છે. અહીં પહોંચવાનું લોકેશન તો ગૂગલ તમને આપી જ દેશે. અહીંના કુલ્હડ પિત્ઝા એક વાર ખાશો તો વારેવારે ખાવાનું ક્રેવિંગ થશે એ વાત પાક્કી. ખાસ વાત એ છે કે અહીં કુલ્હડ પિત્ઝામાં બ્રેડ નખાતી નથી. માત્ર વેજિઝ, ચીઝ અને સૉસ સાથે જ આ પિત્ઝા તૈયાર થાય છે.
આ વાનગી બનતી જોવાની પણ એક અલગ મજા છે. પહેલાં વેજિટેબલ્સ અને પનીરને સમારી તેને અહીંના સ્પેશિયલ સૉસમાં ટૉસ કરવામાં આવે છે, પછી વેજિઝને કુલ્હડમાં નાખી ઉપરથી ચીઝ સૉસ અને તેની ઉપર ફરી વેજિઝનું એક લેયર બનાવી – મોઝરેલા ચીઝ નાખી ઉપર ઓલિવ્ઝ મૂકી તેને ઑવનમાં બેક કરવામાં આવે છે.
બેક થયા પછી આ કુલ્હડ પિત્ઝામાં જોઈને દિલ ખુશ થઈ જાય એવું ચીઝ પૂલ તો મળે જ છે પણ સાથે સૉસમાં ટૉસ કરેલા વેજિઝનો સ્વાદ ખાતા ન ધરાઈએ એવો છે. અમે અહીં તેમની ગાર્લિક બ્રેડ અને ચીઝ બર્સ્ટ હાફ ઍન્ડ હાફ પિત્ઝા ટ્રાય કર્યા અને બોસ જલસો પડી ગયો. ગાર્લિક બ્રેડ પર ગાર્લિક બટર અને મોઝરેલા ચીઝનું પ્રમાણ એકદમ પરફેક્ટ હતું. હાફ ઍન્ડ હાફ પિત્ઝામાં અમે ટ્રાય કર્યા અહીંના પનીર ચીલી અને વેજી ડિલાઇટ પિત્ઝા. આ પિત્ઝાની ખાસિયત એટલે એના ટૉપિંગસ. હવે તો એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે પિત્ઝા પર ફૂલ ટૉપિન્ગ્સ હોય.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ક્રસ્ટ ઍન્ડ બન્સના માલિક નિલેશ શાહ કહે છે કે, “મને પહેલાંથી જ કૂકિંગમાં રસ. નવું જોવું, જાતે બનાવવું, ખાવું અને બીજાને ખવડાવવું બહુ ગમે. મારા વર્ષના કૉર્પોરેટના અનુભવમાં હું સેલ્સ અને માર્કેટિંગ શીખ્યો અને પછી ક્રસ્ટ ઍન્ડ બન્સની શરૂઆત કરી. આ વર્ષે મને ફૂડ બિઝનેસમાં છ વર્ષ થશે, પરંતુ આજે પણ અમે ગ્રાહકોને કંઈક નવું આપવા માટે નવા અખતરા કરતાં હોઈએ છીએ.”
હા, અહીં ઇનડોર અને આઉટડોર સિટિંગ પણ ઉપલબ્ધ છે. તો હવે આ રવિવારે જરૂર જજો ક્રસ્ટ ઍન્ડ બન્સ અહીંના પિત્ઝા જાપટવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.