08 October, 2022 10:00 AM IST | Mumbai | Karan Negandhi
સેવખમણી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં ખમણ તો દરેક ખૂણે મળે છે, પણ વાત જ્યારે વાટીદાળના ખમણની આવે ત્યારે આ ખૂણાઓ ખૂણામાં જ ધકેલાઈ જતાં હોય છે. મુંબઈમાં એવી ખૂબ ઓછી જગ્યાઓ છે જ્યાં ઑથેન્ટિક ગુજરાત અને ખાસ તો સુરતી વાટીદાળનાં ખમણ અને સેવખમણી મળતાં હોય. હવે આવામાં તમે પણ આ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ મિસ કરી રહ્યા હો તો સમજો તમારી ઇન્તેજારીનો અંત આવ્યો છે.
મલાડ ઈસ્ટ (Malad East)માં ડાયમંડ માર્કેટ (Diamond Market)માં આવેલો છે ‘ટનાટન સ્ટોલ’ (Tanaatann) જ્યાં તમને મળશે સુરતના ગરમા-ગરમ વાટીદાળનાં ખમણ અને સેવખમણી (મુંબઈગરાનું અમીરી ખમણ). હા, સુરત જેવી નહીં પણ સુરતની જ આ સ્વાદિષ્ટ વાનગીઓ. આ સ્ટોલની ખાસિયત એ છે કે અહીં દરરોજ ખાસ સુરતથી ખમણ મગાવવામાં આવે છે. એટલે ત્યાંનો જ સ્વાદ તમને મુંબઈમાં મળશે.
સ્ટોલના નામ પ્રમાણે જ તમામ આઈટમ ‘ટનાટન’ છે. ગરમા-ગરમ સેવખમણી અને સાથે જ તેના આગળ પડતાં ગળપણને બેલેન્સ કરવા માટે તીખા તળેલાં મરચાં અને થોડી ડુંગળી, આ વિચાર જ મોઢામાં પાણી લાવી દેનારો છે અને તેવો જ અદ્ભુત તેનો સ્વાદ પણ છે. રજાના દિવસે સવાર-સવારમાં નાસ્તામાં વાટીદાળના ખમણ મળી જાય તો બીજું શું જોઈએ? હવે જો તમે અહીં પહોંચી જ ગયા હો તો પાતરા પણ ટેસ્ટ કરી જ લેજો, તેનો સ્વાદ પણ તમને નારાજ નહીં કરે.
ટનાટન સ્ટોલની શરૂઆત વિશે વાત કરતાં હિત પોરિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક મંદી સમયે અમે આ સ્ટોલ શરૂ કર્યો હતો. શરૂઆત તો કાંદિવલીના ઈરાની વાડી વિસ્તારથી કરી પણ ત્યાં સફળતા ન મળી ત્યારબાદ મલાડના ડાયમંડ માર્કેટમાં અમે આ સ્ટોલ શરૂ કર્યો. અહીં લોકોની જીભે સ્વાદ ચડી ગયો અને ધીમે-ધીમે ગ્રાહકો બંધાતા ગયા.”
હિત ઉમેરે છે કે “અમારા સ્ટોલની વિશેષતા જ એ છે કે અમારો માલ ખાસ સુરતથી આવે છે, જેથી ખાવાના શોખીન ગુજરાતીઓને ત્યાંનો જ સ્વાદ પીરસી શકાય. સાથે શિયાળામાં અમારે ત્યાં ઑર્ડરથી ઊંધિયું પણ મળે છે, જે મારા મમ્મી બનાવે છે.”
રવિવારે સવારે ૭ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી તો સામાન્ય દિવસોમાં સવારે ૮ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી તમે અહીં સુરતનો સ્વાદ માણવા જઈ શકો છો. તો આ રવિવારે ટનાટન નાસ્તો કરવા પહોંચી જાઓ ‘ટનાટન’ સ્ટોલ પર. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: તારક મહેતાના સેટ પર અહીંથી મગાવવામાં આવે છે ફાફડા-જલેબી