Sunday Snacks: સુરતની રસ ખારી મુંબઈમાં ક્યાં મળે? જવાબ છે અહીંયા

05 November, 2022 10:00 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો ચટોરાપંતિની ખાસ રસ ખારી

ચટોરાપંતિ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

ઘણી જાણીતી કહેવત છે કે ‘સુરતનું જમણને કાશીનું મરણ - નસીબદારને જ મળે’. સુરતી વાનગીઓ તો સુપ્રસિદ્ધ છે જ પણ ત્યાંના જમણનો સ્વાદ અને વાનગીના પ્રકાર કંઇક અલગ જ હોય છે. સુરતની ઘારી, ખમણ, સેવખમણી, લોચો જેવી અનેક વાનગીઓ જાણીતી છે. સાથે જ એક એવી ચાટ આઈટમ પણ છે જેના માટે આ શહેર ખૂબ જ જાણીતું છે એ છે રસ ખારી. મુંબઈમાં તો આ વાનગી તમે ભાગ્યે જ જોઈ હશે. તો આવો આજે જઈએ એક એવી જગ્યાએ જ્યાં અન્ય ચાટ આઈટમ સાથે રસ ખારી પણ પીરસાય છે અને લોકો રસથી ખાય છે.

મીરા રોડ (Mira Road)ના શાંતિપાર્ક વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક આવેલું છે ‘ચટોરાપંતિ’ (Chatorapanti). મીરા રોડમાં ચાટ આઈટમના રસિયાઓ માટે આ જગ્યા તેમના બીજા ઘર સમી છે. પાણીપૂરી, સેવપૂરી જેવી બધી જ ચાટ આઈટમ અહીં મળે છે અને જો બધુ ખાવાની ઈચ્છા હોય તો ચાટ પ્લેટરનું ઑપ્શન પણ તેમણે રાખ્યું છે, જેમાં પાણીપૂરી શૉટ્સ, સેવપૂરી, માવા ભેળ, દહીં પાપડી ચાટ અને દહીં ઇડલી ચાટ જેવા સ્વાદિષ્ટ વ્યંજનો તમે એકસાથે ગપકાવી શકો છો. ચાટ સાથે અહીં પિત્ઝા અને ફ્રેન્કી જેવા ફાસ્ટફૂડ પણ મળે છે.

પણ પણ પણ... અહીંની ખાસ આઈટમ છે રસ ખારી! આ વાનગી એમ તો સેવપૂરી જેવી જ છે તફાવત માત્ર બેઝનો છે. પહેલાં ખારીમાં ચટણી સમો રસ ઉમેરવા નાનો ખાડો કરવામાં આવે, પછી બટેટાં, કાંદા, તીખી-મીઠી અને લસણની ચટણી પડે પછી સેવ અને થોડી તળેલી ચણાની મસાલેદાર દાળ. રસ ખારીનું પહેલું જ બાઇટ લેશો એટલે તમને ખબર પડી જશે કે તેનું નામ કઈ રીતે પડ્યું છે. વેલ, કોઈપણ ચાટ આઈટમનો મૂળ સ્વાદનો જાદુ તેની ચટણીમાં જ છુપાયેલો હોય છે અને અહીં ચટણીનો સ્વાદ જ તમામ આઈટમનો ટેસ્ટ બમણો કરી નાખે છે.

ત્રણ પાર્ટનર્સે એક વર્ષ પહેલાં ‘યાદવ ફાસ્ટ ફૂડ’ નામ સાથે આ સાહસ શરૂ કર્યું હતું, પરંતુ થોડા સમય અગાઉ નામ બદલીને ચટોરાપંતિ કર્યું. જોકે, હવે વિનય ભાટિયા જ ચટોરાપંતિ સંભાળે છે. તેમણે અગાઉ જલગાંવ અને નાશિકમાં સફળતાપૂર્વક ત્રણ વર્ષ પોતાનું રેસ્ટોરન્ટ ચલાવ્યું પણ કોરોનાને કારણે તે બંધ કરવાનો વારો આવ્યો. બાદમાં મુંબઈ આવી આ સાહસમાં ઝંપલાવ્યું.

વિનય ભાટિયા અને ક્રિષ્ના  ભાટિયા સાથે ચટોરાપંતિની ટીમ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આઉટલેટની ખાટી-મીઠી વાતો કરતાં પ્રૉપરાઇટર વિનય ભાટિયા કહે છે કે “અમે દર મહિને અમારા મેન્યૂમાં એક નવી ઉમેરીએ છીએ. થોડા સમય અગાઉ જ અમે રસ ખારી મેન્યૂમાં ઉમેરી હતી અને તે લોકોને ખૂબ પસંદ પડી. સાથે જ પિત્ઝા પફ પણ અમારી બેસ્ટ સેલર આઈટમ છે. ટૂંક સમયમાં અમે બર્ગર પણ શરૂ કરવાના છીએ.”

ઇન્સ્ટાગ્રામ પર જો તમે એક્ટિવ હશો તો તમે એકાદ ફૂડવ્લોગરની ચટોરાપંતિની રીલ જરૂર જોઈ હશે. તો આ રવિવારે ચાટનો ચટકારો કરવા ચટોરાપંતિ અચૂક જજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

આ પણ વાંચો: Sunday Snacks: ૨૪x૭ ૧૬ વેરાયટીના ગરમાગરમ પૌંઆ મળે છે અહીં

life and style indian food Gujarati food mumbai food karan negandhi sunday snacks