13 August, 2022 01:55 PM IST | Mumbai | Karan Negandhi
હોટલ રામાશ્રય
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
સવારે નાસ્તામાં સાઉથ ઇન્ડિયન ફૂડ ઘણા લોકો પસંદ કરતાં હોય છે, પરંતુ ગલીના નાકે મળતી સાઉથ ઇન્ડિયન આઈટમમાં સાઉથનો ઑથેન્ટિક સ્વાદ તો ભાગ્યે જ મળે છે. જો કે તેમાં તરતા બટરને કારણે આપણને બધું ચાલી જાય છે. સાઉથ ઇન્ડિયન ફૂડની વેરાયટીઝ પણ બહુ હોય છે, તામિલ સ્ટાઇલનું અલગ તો કોંકણી અલગ. માટુંગા સ્ટેશન પાસે મળતા દક્ષિણ ભારતીય ફૂડના ચાહકોમાં બહુ મોટા માથાઓની ગણતરી થાય છે. આજે આપણે માટુંગાની ગલીઓમાં આવેલા રામાશ્રય અથવા તો રામ-આશ્રયની વાત કરીએ.
માટુંગા સ્ટેશન (Matunga Station)થી તમે જેવા ઇસ્ટમાં બહાર આવી જરા આમ તેમ ફાંફાં મારશો ત્યાં તરત જ તમને દેખાશે હોટેલ ‘રામાશ્રય’ (Ram Ashraya). મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી જો તમે અહીં પહોંચવાનું વિચારતા હો તો ખાસ ધ્યાન આપજો અહિયાં વાત સેન્ટ્રલ લાઇનના માટુંગા સ્ટેશનની છે, વેસ્ટર્નના માટુંગા રોડની નહીં.
જેવા તમે રામાશ્રયમાં જશો એટલે ચોખ્ખા ઘીની સુવાસ તમારું સ્વાગત કરશે. કેળના પાન આકારના સુંદર મેનૂ પર નજર કરી મનોમંથન શરુ થાય તે પહેલાં કંઇપણ વિચાર્યા વગર એક પ્લેટ શીરો તો મગાવી જ લેજો. જો તમને પાઈનેપલ ભાવતું હોય તો પાઈનેપલ શીરો પણ મગાવી શકો છો જે અહીંની પ્રખ્યાત આઇટમ છે.
અહીં મળતાં શીરાની ખાસ વાત એ છે કે તે ચોખ્ખા ઘીમાં બનાવ્યો હોય છે. બીજી ખાસ વાત એ કે શીરાની મીઠાશ એકદમ સામાન્ય છે અને આખી પ્લેટ આરોગી લેશો તો પણ વધુ પડતી મીઠાશથી મજા મરી ગઈ એવું નહીં લાગે.
અમે અહિયાં ટ્રાય કરવા જેવાં છે બટન ઇડલી અને ઘી સાદા ઢોસા. નામ પ્રમાણે જ બટન ઇડલીની પ્લેટમાં તમને નાની-નાની ક્યૂટ ઇડલી મળશે, જેમાં ઉપર મલગાપૂડી મસાલો અને થોડું ધી નાખવામાં આવે છે. સામાન્ય જગ્યાએ મળતા સાંભાર કરતાં અહીંના સાંભારની કન્સિટન્સી જુદી છે પણ સ્વાદમાં કોઇ ટિપીકલ ગળપણ નથી.
ઘી ઢોસો થોડો ક્રિસ્પી મગવશો તો બાઇટ લીધા બાદ ઘીનો ટેસ્ટ પણ સરસ લાગશે. જો તમે રોડ સાઈડની કોપરાની ચટણીના સ્વાદ સાથે ટેવાયેલા છો તો અહીં ચટણીનો સ્વાદ જરાક તમને ફિક્કો લાગશે. તમારી મનપસંદ વાનગીઓનો સ્વાદ માણી બિલની ચુકવણી કરવા માટે કાઉન્ટર પર પહોંચશો તો ત્યાંથી પાન પણ ખાઈ જ લેજો, જો કે તેના પૈસા તમારે અલગથી ચૂકવવા પડશે પણ દોસ્ત પાન સામે હોય તો ના કેવી રીતે પડાય.
આ પણ વાંચો: Sunday Snacks: ગુરુકૃપાના છોલે સમોસાં જ નહીં આ આઇટમ પણ છે મસ્ટ ટ્રાય
રવિવારે અને સામાન્ય દિવસે વહેલી સવારે ભારે ભીડ હોય છે. તેથી જો તમે લાઇનમાં ઊભા રહેવાની જફા ખેડવા માગતા ન હો તો તમે આ તમામ વાનગીઓ ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો. તો આ રવિવારે માટુંગાનો એક આંટો થઇ જાય. ફરી મળીશું આવતા શનિવારે અને તમને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
PS: ગયા મહિને જ ‘રામાશ્રય’ હોટલની બીજું આઉટલેટ નજીકમાં જ શરૂ થયું છે, ત્યાં જશો તો સહેજ ભીડ ઓછી મળશે, પણ મજા તો જૂની રામશ્રય જેવી જ આવશે.