29 July, 2023 11:23 AM IST | Mumbai | Karan Negandhi
ચાર્જિંગ પૉઇન્ટનું બોમ્બે રાઇડર
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
જો કોઈ તમને કહે કે મુંબઈના વડાપાઉં (Vada Pav)ને તમારે નવું નામ આપવાનું છે, તો તમારો જવાબ શું હોય? મીરા રોડના એક આઉટલેટે મુંબઈ બર્ગર તરીકે જાણીતા વડાપાઉંને એક નવું નામ અને સ્વરૂપ આપ્યું છે. હા, માત્ર બટર કે ચીઝ ઉમેરીને તેમણે નામકરણ કર્યું નથી. અહીં તમે ક્યારેય કલ્પના પણ ના કરી હોય તેવા વડાપાઉં અને વડાની બીજી ટેસ્ટી આઇટમ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં મસાલેદાર વડાની ચાટ પણ મળે છે. એટલું જ નહીં જો તમે ઈન્ટરનેટ પર વાયરલ બાહુબલી વડાપાઉં પિત્ઝાનો વીડિયો જોયો છે તો આ પણ તેમની જ શોધ છે.
મીરા રોડ (Mira Road)ના નયાનગરમાં આવેલું છે ‘ચાર્જિંગ પૉઇન્ટ’ (Charging Point). એક વર્ષ પહેલા શરૂ થયેલા આ આઉટલેટનો પાયો ૪ મિત્રોએ નાખ્યો છે. યશ પટેલ, પૂજા દુબે, અંકિત કોરગાંવકર અને વિકી જૈસ્વાલે સાથે મળીને આ દુકાન સાઇટ બિઝનેસ તરીકે શરૂ કરી હતી, પણ જોત-જોતાંમાં જ તેમની ક્રિએટિવિટીને કારણે ઈન્ટરનેટ પર વર્લ્ડ ફેમસ થઈ ગયા છે. બસ પછી શું અમે પણ પહોંચી ગયા આ પેટની ખૂટી ગયેલી બેટરીને ચાર્જ કરવા ચાર્જિંગ પૉઇન્ટ.
અહીં નાનો સિટિંગ એરિયા પણ છે, જ્યાં ૧૦-૧૨ લોકો આરામથી બેસીને નાસ્તો કરી શકે છે એટલે કે આ જગ્યા ફૂલ કૅફે વાઇબ્સ પણ આપે જ છે. એક બાજુ ફૂડ બ્લોગર્સના પંજાથી રંગાયેલી સુંદર દીવાલ છે તો બીજી બાજુ વડાપાઉં સર્કિટ છે, જે તેમના બધી જ વેરાયટીના વડાપાઉં અને ટેસ્ટ મુજબ સર્કિટમાં બતાવવામાં આવ્યા છે. અરે હા... ચાર્જિંગ પૉઇન્ટમાં વડાપાઉં નહીં પણ ‘બોમ્બે રાઇડર’ મળે છે. તેમણે વડાપાઉંને આ ખાસ નામ આપ્યું છે. કુલ ૧૩વેરાયટીના ‘બોમ્બે રાઇડર’ ઉપલબ્ધ છે.
પહેલું તો ‘બોમ્બે રાઇડર’ એટલે કે રેગ્યુલર વડાપાઉં, જેમાં લીલી ચટણીની જગ્યાએ મહારાષ્ટ્રની ઠેચા ચટણી નાખવામાં આવે છે. મીઠી ચટણીમાં પણ સહેજ એવું મરચું હોય છે, જેનાથી ચટણીનો સ્વાદ ખૂબ જ મજેદાર બની જાય છે. પાઉંમાં એક બાજુ ઠેચા અને થોડા કાંદા નાખી, બીજી બાજુ મીઠી ચટણી લગાવી પછી તેમાં તાજું તળાયેલું મસાલેદાર વડું તેનું સ્થાન ગ્રહણ કરે છે. તળાયેલા મરચાં સાથે આ બોમ્બે રાઇડર ઉર્ફ વડાપાઉં સર્વ થાય છે. મરચાં પર સ્પેશિયલ મસાલો છાંટવામાં આવે છે, જેને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.
આ ઉપરાંત ઇન્ડી બીબીક્યુ, આફ્રિકન બીબીક્યુ, કેપ્ટન અમેરિકા, ચી-લી, ટેન્ગી મેક્સિકન, રોમ-ઇ ઓ, જેપીનો, રશિયા રેબેલ, કોલમ્બિયન શૅફ, ચીઝ શૉકર તેમ જ બાળકો માટે ખાસ શક્તિમાન અને છોટા ભીમ વડાપાઉં મળે છે.
અમે તો બોમ્બે રાઇડર અને કોલમ્બિયન શૅફ ટ્રાય કર્યા. જો તમને તીખું ભાવતું હોય તો કોલમ્બિયન શૅફ તમારે ખાસ ટ્રાય કરવા જેવું છે. આ વડાપાઉંમાં ખાસ કોલમ્બિયન શૅફ સૉસ નાખી લેટસ, કેપ્સિકમ અને નાચોઝ સાથે સર્વ થાય છે. ઉપરથી મેયોનિઝ તો ખરું જ. આ ખાયને કાનમાંથી ધુમાડો નીકળે તો પણ નવાઈ નહીં. હા તમે આ તીખાસ ઓગાળવા કોકમ શરબત પણ ટ્રાય કરી શકો છો. વડા પિત્ઝા એટલે કે વડાત્ઝા માટે આ આઉટલેટ ખાસ જાણીતું છે. ઉપરાંત અહીં વડાચાટ પણ મળે છે. તો ૯૯ રૂપિયામાં અનલિમિટેડ મિસળ પણ મળે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ચાર્જિંગ પૉઇન્ટના પાર્ટનર યશ પટેલ કહે છે કે, “અમારા આઉટલેટની ખાસ વાત કહી શકાય તો એ કે અમે વડા પણ તૈયાર રાખતા નથી. ઑર્ડર આવે એ પ્રમાણે જ ગરમા-ગરમ બનાવીએ છીએ. સામાન્ય રીતે બધે જ ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રોઝન મળતી હોય છે, પણ અમે એ પણ ઑર્ડર પ્રમાણે જ ફ્રેશ બનાવીએ છીએ.”
તો હવે આ રવિવારે ચાર્જિંગ પૉઇન્ટ પર બોમ્બે રાઇડર ખાયને ફરી રિચાર્જ થઈ જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.