07 October, 2023 05:33 PM IST | Mumbai | Karan Negandhi
અવંતિકા ચેન્નાઈ કૅફેની પોડી ઇડલી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
સવારે કે સાંજે નાસ્તામાં સાઉથ ઇન્ડિયન ફૂડ ઘણા લોકો પસંદ કરતાં હોય છે, પણ ગલીના નાકે મળતી સાઉથ ઇન્ડિયન આઈટમમાં સાઉથનો ઑથેન્ટિક સ્વાદ નથી મળતો, પણ તેમાં તરતા બટર અને ઉપરથી ખમણેલા ચીઝને કારણે આપણને બધું ચાલી જાય છે. જોકે, જ્યારે વાત માટુંગા સ્ટેશન પાસે મળતા દક્ષિણ ભારતીય ફૂડની હોય ત્યારે સોનામાં સુગંધ ભલે એમ સ્વાદમાં ઑથેન્ટિસિટી ભળી જાય છે. ના, આજે આપણે માટુંગાની ગલીઓમાં આવેલા કોઈ રેસ્ટોરાંની વાત નથી કરવાના. આજે વાત કરવાની છે એક એવી જગ્યાની જે માટુંગામાં નહીં મકાબોમાં આવેલી છે, પણ અહીં જે સાઉથ ઇન્ડિયન ફૂડ (South Indian Food) પીરસાય છે, તેનો સ્વાદ એક વાર કરી ચાખી લેશો, તો બીજીવાર માટુંગા જવું કે નહીં એવો પ્રશ્ન ચોક્કસ થશે.
આજે આપણે વાત કરવાની છે મહાવીર નગર (Mahavir Nagar)માં સ્થિત ‘અવંતિકા ચેન્નાઈ કૅફે’ (Avantika Chennai Café)ની, જે બરાબર ક્રોમાની સામે – ૯૯ પૅન કેક્સની બહાર આવેલું છે. આમ તો આ જગ્યાનું નામ કૅફે છે, આ ખરેખર કૅફે નથી, પણ આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં નાના બાળકોથી લઈને જીમ જતાં અને હેલ્ધી ફૂડ ખાતા જુવાનિયાઓ દરેક માટે કંઈક ખાસ છે. નાના બાળકો માટે મિકી માઉસ ઢોસો અને પાંડાના આકારનો ક્રિએટિવ ઢોસો પણ મળે છે. તો હેલ્ધી ફૂડ ખાતા લોકો માટે રાગી રવા, વ્હીટ રવા, બીટ રવા, પાલક રવા, ઑટ્સ રવા, બ્લેકતીલ રાગી રવા, પ્રોટીન રવા ઢોસા પણ મળે છે.
ઇડલીમાં તો જાણે તેમની હથોટી છે. ગાજર, પાલક સહિત અહીં એપ્પલ ઇડલી પણ મળે છે. ઉપરાંત, દિલના આકારની દિલ ખુશ ઇડલી અને નારિયળ પાણીમાંથી બનાવેલી નારિયળ પાણી ઇડલી પણ મળે છે અને બાકી તો ઢોસાની પણ અઢળક વેરાયટી છે જ. તમે મેન્યૂ જુઓ એટલે શું મગાવવું એવી મુંઝવણ થાય એ સ્વાભાવિક છે માટે શરૂઆત તમે ફિલ્ટર કૉફીથી કરી શકો છો. એક વસ્તુ રહી ગઈ અહીંની પોડી ઇડલી બહુ ફેમસ છે.
આ કૅફેમાં પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન ત્રણેયનું પાલન થાય છે. તમે કોઈ પણ વસ્તુ મગાવો તેના ઉપર ગાર્નિસિંગ માટે ગાજર અને બીટ સાથે દાડમ દાણા ખાસ ભભરાવાય છે, જે મીઠું મોઢું કરીને ગ્રાહકનું સ્વાગત કરવાની પરંપરાનું પ્રતીક છે. સાથે જ અહીં વપરાતી દરેક વસ્તુ ચેન્નાઈથી આવે છે, તેઓ જે પિત્તળના વાસણમાં કૉફી બનાવે છે, તે ૩ પેઢી જૂની પરિવારની પ્રતિષ્ઠાની નિશાની છે. સાથે જ નિયમિત સફાઇ અને હાઇજિન રાખવાનું શિસ્ત – અનુસાન રાખવામાં આવે છે.
હવે વાત અમે શું ટ્રાય કર્યું. શરૂઆત તો ફિલ્ટર કૉફીથી કરી જે પિત્તળના ગ્લાસમાં સર્વ થઈ. પછી અમે ટ્રાય કરી પોડી ઇડલી. આ વાનગી બનાવવા માટે મિનિ ઇડલીને ઢોસાની લોઢી પર મૂકી ઘીમાં બહારથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવામાં આવે પછી ઉપર ગન પાવડરનો વરસાદ કરી બીજા મસાલા નાખી, લાલ ટામેટાંની - લીલી ફૂદીનાની અને સફેદ કોપરાની ચટણી અને સંભાર સાથે સર્વ કરવામાં આવે છે.
ઉપરાંત રાગી રવા બ્લેક તીલ ઢોસો પણ અમે ટ્રાય કર્યો જે તેમનું હેલ્ધી મેન્યૂ ઑપ્શન છે. આમાં ખૂબ જ ઓછા મસાલા હોય છે. એટલે એનો ટેસ્ટ સહેજ મોળો જરૂર છે, પણ ચટણી અને સંભાર સાથે ખાશો તો જલસો પડી જશે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં અવંતિકા ચેન્નાઈ કૅફેના માલિક બાબુ નાયડુએ જણાવ્યું કે, “અમારા આ કૅફેને એક વર્ષ થયું છે. સવારે ૭ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી અમે સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન નાસ્તો પીરસીયે છીએ.”
તો હવે જો માટુંગા જવાનો વિચાર હોય તો મહાવીર નગરના આ કૅફેની મુલાકાત જરૂર લેજો, ફરી વિચાર કરતાં થઈ જશો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.