07 January, 2023 12:48 PM IST | Mumbai | Karan Negandhi
આન્ટી`સ પરાઠા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
રવિવારની સવારે જો કોઈ પૂછે કે શું ખાવું છે, તો એક વર્ગ એવો જરૂર હશે જે કહેશે ‘આલુ પરોઠા’. લોઢી પર બટરમાં ગરમા-ગરમ બનેલા પરોઠા પરફેક્ટ બ્રન્ચ છે. મુંબઈમાં પરોઠાનું ચલણ ઓછું છે. દિલ્હીની જેમ મુંબઈમાં કોઈ ‘પરાઠે વાલી ગલી’ નથી, પણ હા વાત સ્ટ્રીટ ફૂડની હોય તો મુંબઈ અગ્રેસર છે – જ્યાંની ખાઉ ગલીમાં પરોઠા પર દિલ્હીને ટક્કર આપે એવા બને છે. તો ચાલો આજે ફરી જઈએ કાંદિવલી ઈસ્ટ (Kandivali East)ના ઠાકુર વિલેજ (Thakur Village)માં અને ટ્રાય કરીએ ત્યાંના પરોઠા.
ઠાકુર વિલેજમાં કોટક બૅન્ક નજીક એક આન્ટી પરોઠાનો સ્ટૉલ ચલાવે છે - નામ ‘આન્ટી’સ પરાઠા’ (Aunty’s Paratha). ૧૪ વર્ષ પહેલાં પતિનું અવસાન થયું ત્યારથી ઘરે-ઘરે જઈને રસોઈ બનાવી ગુજરાન ચલાવવાની ફરજ પડી. લગભગ આઠ વર્ષ સુધી આ રીતે સતત મહેનત કર્યા બાદ ૨૦૧૭માં તેમણે દીકરીની મદદથી આ પરોઠાનો સ્ટૉલ શરૂ કર્યો. મંદા ભોંસલે ઉર્ફે આન્ટીની ગુજરાતી, મરાઠી અને બંગાળી બધી જ વાનગીઓ બનાવવામાં હથોટી છે.
આન્ટીના સ્ટૉલ પર તમને મેથી, કાંદા, કોબી, પનીર, મિક્સ વેજિટેબલ એમ તમામ પ્રકારના પરોઠા મળે છે. અમે ટ્રાય કર્યા તેમના આલુ પરોઠા, જે એક વ્યક્તિ માટે આખું ઝાપટી જવું ખરેખર મુશ્કેલ છે. અહીં ખાસ વાત એ છે આન્ટી પુરાણમાં એક વિશેષ મસાલાનો ઉપયોગ કરે છે, જે મરાઠીઓમાં ‘ઘાટી મસાલા’ તરીકે જાણીતો છે. કાંદા, લસણ, લાલ મરચાં, કોપરું અને ખડા મસાલાને સૂકવી, ત્યાર બાદ તેને પિસીને આ મસાલો બનાવવામાં આવે છે.
આ મસાલો પરોઠાને મરાઠી ફ્લેવર આપે છે, જે આલુ પરોઠા માટે ખરેખર યુનિક છે. અહીં મેગી પરોઠા પણ મળે છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયા હતા. વૅલ આ અળવિતરું કૉમ્બિનેશન ટ્રાય કરો કે ન કરો પણ આલુ પરોઠાનો આ મરાઠી સ્વાદ માણવા તો અચૂક જવા જેવું છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં મંદા ભોંસલે કહે છે કે “હું સવારે ૧૧ વાગ્યે સ્ટૉલ શરૂ કરું છું અને રાત્રે લગભગ ૯ વાગ્યા સુધી ચલાવું છું. શનિ-રવિમાં રાત્રે ૧૦ વાગ્યે પણ ગરમા-ગરમ પરોઠા ખાવા લોકોની ભીડ જામે છે.”
અહીં અવારનવાર પરોઠાની જ્યાફત ઉડાવવા આવતા હાર્દિક શાહ કહે છે કે “મને આન્ટીના આલુ પરોઠા અને મેથી પરોઠા બહુ ભાવે છે. તેમના જેવો સ્વાદ બીજે ક્યાંય મેં ચાખ્યો નથી."
આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈના ટ્રાફિકમાં હેરાન થયા હશો, પણ ક્યારેય ટ્રાફિક ઢોસો ખાધો છે?
તો હવે આ રવિવારે આપનું ફૂડ ડેસ્ટિનેશન ઠાકુર વિલેજ રાખજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.