02 September, 2023 10:31 AM IST | Mumbai | Karan Negandhi
DNDની પાણીપુરી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
પાણીપુરી એવું સ્ટ્રીટ ફૂડ છે ભારતની દરેક ગલીમાં મળે છે. પણ શું તમે જાણો છો કે દરેક રાજ્યમાં જુદા-જુદા નામથી ઓળખાતી આ પાણી પુરીની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો આજે અમે તમને પાણી પુરીના રોચક ઈતિહાસ વિશે જણાવીશું, જેના તાર મહાભારત સાથે જોડાયેલા છે. પાણી પુરીની ઉત્પત્તિ વિશે એક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે. આ કથા મુજબ પાંડવો સાથેના લગ્ન કરી જ્યારે દ્રૌપદી ઘરે આવ્યાં ત્યારે તેમના સાસુ કુંતીએ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તે સમય દરમિયાન પાંડવો વનવાસમાં હતા અને ભીક્ષા માગીને જીવન જીવતા હતા.
કુંતી માતાએ પરીક્ષણ માટે દ્રૌપદીને થોડા શાકભાજી અને થોડો લોટ આપ્યો અને તેને તેમાંથી કંઈક બનાવવા કહ્યું, એવું કંઈક જેનાથી પાંડવોનું પેટ ભરાય. થોડો સમય વિચાર કર્યા પછી દ્રૌપદીને એક વિચાર આવ્યો અને તેમણે પાણીપુરી બનાવવાનું નક્કી કર્યું. પછી, દ્રૌપદીએ થોડો લોટ અને શાકભાજીની મદદથી પાણીપુરી બનાવીને પાંડવોને ખવડાવી, જેનાથી તેમનું પેટ સરળતાથી ભરાઈ ગયું હતું અને તેઓ કુંતીની આ પરીક્ષામાં સફળ પણ થયા હતા.
જોકે, આ કથામાં કેટલું સત્ય છે એ વાતની પુષ્ટિ તો અમે નથી કરતાં, પરંતુ એ વાતની પુષ્ટિ કરવાની જરૂર તો જરાય નથી કે જો વાત પાણીપુરીની હોય તો સૌના મોઢા ખુશીથી ફુલેલી પાણીપુરી જેવા જ થઈ જાય છે. હા હવે તમે સમજી તો ગયા જ હશો કે આપણે વાત પાણીપુરીની કરવાની છે. એમ તો મહાવીર નગર (Mahavir Nagar) મુંબઈનું ફૂડ હબ છે. એવી કોઈ વાનગી નથી જેનો સ્વાદ તમને અહીં ચાખવા ન મળે, પણ આ જગ્યાની પાણીપુરી (Panipuri) ફેમસ છે એવું સાંભળવા મળતું નથી.
માંડ મહિના પહેલા જ ક્રોમાની સામે એક નવો પાણીપુરીનો સ્ટૉલ શરૂ થયો છે. નામ છે ‘DND પાણીપુરી’. અહીં ૬ ફ્લેવરની પાણીપુરી મળે છે અને ખરેખર ખાઈએ અને ન ધરાઈએ એવો ટેસ્ટ છે. પહેલી ફ્લેવર છે જીરાંની. આ જીરાં ફ્લેવરની ફ્લેવરની પહેલી પાણીપુરી ખાશો તો બીજી કોઈ ફ્લેવર ચાખવાનું મન નહીં થાય એટલો ચટપતો અને જીભને જલસો પડી જાય એવો સ્વાદ છે.
બીજી ફ્લેવર લસણની છે, પણ લસણનો સ્વાદ બહુ આગળ પડતો નથી – જોઈએ એવો બેલેન્સડ છે એટલે મજા તો આમાં પણ આવશે. ત્રીજી ફ્લેવર ફૂદીનાની છે – ના આ સાદું-રેગ્યુલર પાણી નથી. આ સ્પેશિયલ ફૂદીનાની ફ્લેવર છે, જે ખાવાની મજા તો કઈ ઔર જ છે. ચોથી છે હાજમા-હજમ આ ફ્લેવર પણ એવી છે કે ખાઈને ‘દિલ માગે મૉર’ એવું થશે. આમાં એક નવી અને પાંચમી ફ્લેવર છે લીંબુની. ચટપટો અને ખાટો સ્વાદ પણ ટ્રાય કરવામાં તો ચોક્કસ મજા આવે એવો છે અને છેલ્લી છઠ્ઠી ફ્લેવર છે રેગ્યુલર. અહીં બટેટા અને ચણાના મસાલામાં સ્પેશિયલ મસાલો અને કોથમીર પણ નાખવામાં આવે છે, એટલે એના સ્વાદમાં પણ એ નવી ફ્લેવર મળે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આ સ્ટૉલના માલિક લાડુલાલ ગુર્જર જણાવે છે કે, “આ સ્ટૉલ શરૂ કર્યાને એક જ મહિનો થયો છે. લોકોને સ્વાદ પહેલી જ વારથી જીભે ચઢી જાય છે એટલે લોકો ફરી આવે છે.”
તો હવે આ રવિવારે માણજો પાણીપુરીની ટેસ્ટી ફ્લેવર્સ. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.