22 November, 2024 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેફ નિરાલી શર્મા
લીલી આંબા હળદર, મૂળા અને લાલ મરચાં જેવી ચીજો માત્ર શિયાળામાં જ મળે છે. સીઝનલ શાકભાજીને હળવાં આથીને રાખવાથી ગમે ત્યારે રોટલી કે ભાખરી કે ઈવન ખીચડી સાથે પણ ખાઈ શકાય છે. કેટલીક સિમ્પલ પણ સ્વાદિષ્ટ રેસિપીઝ શૅર કરી રહ્યાં છે શેફ નિરાલી શર્મા.
વિન્ટરનાં અથાણાં માટે બેસ્ટ પ્રિઝર્વેટિવ છે નમક. એમાં બીજું કંઈ જ નાખવાની જરૂર નથી હોતી. શાકભાજી ફર્મેન્ટ થઈને પોચાં પડે એટલે એમાં રહેલાં પોષક તત્ત્વો પણ વધે છે. જો તમે નમક ઓછું વાપરતા હો તો આ તૈયાર કરેલાં પિકલ્સને અચૂક ફ્રિજમાં રાખવાં. શિયાળામાં ચટપટું ખાવાનું મન થતું હોય ત્યારે આ પિકલ્સ કોઈ પણ ઉંમરના લોકોની પાચનશક્તિ સુધારવાનું કામ કરશે.
સામગ્રીઃ ૨૦૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ મૂળા, ૫૦ ગ્રામ બીટ, ૫૦ ગ્રામ રાઈના કુરિયા, ૫૦ ગ્રામ મેથીના કુરિયા, નમક સ્વાદ અનુસાર, લીંબુ સ્વાદ અનુસાર.
બનાવવાની રીતઃ ગાજર, બીટ અને મૂળા ત્રણેયને બરાબર પાણીથી ધોઈને કોરાં કરી લેવાં. એ બધાંની એકસરખી લાંબી ચીરીઓ કરવી. એમાં બન્ને કુરિયા, લીંબુ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું. એક રાત એમ જ રહેવા દેવું. એનાથી મસાલો બરાબર શાકભાજીમાં ઊતરે છે. મસાલો શાકમાં ઊતરી જાય અને ચીરીઓ સહેજ કૂણી પડે એટલે ઍરટાઇટ કાચની બરણીમાં ભરી રેફ્રિજરેટરમાં રાખવું.
સામગ્રીઃ ૧૦૦ ગ્રામ આંબા હળદર, ૧૦૦ ગ્રામ લીલી હળદર, ૫૦ ગ્રામ મરચાં, જરૂર મુજબ લીંબુ, જરૂર મુજબ નમક, ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા, ૧૦૦ ગ્રામ મેથીના કુરિયા, ૫૦ ગ્રામ તેલ
બનાવવાની રીતઃ સફેદ અને લીલી હળદરને બરાબર ધોઈને એના પરની માટી કાઢી લેવી. હળદર કોરી કરીને એને છોલી લેવી. લાંબી ચીરીઓ કરવી. લીલાં મરચાં પણ વચ્ચેથી બારીક સમારવાં. મીઠું, લીંબુ મિક્સ કરીને રહેવા દેવું. સવારે તેલને નવશેકું ગરમ કરીને રાઈ અને મેથીના કુરિયા એમાં નાખીને હળદરના મિશ્રણમાં નાખવા.
સામગ્રીઃ ૨૦૦ ગ્રામ લાલ મરચાં, ૫૦ ગ્રામ તેલ, ૫૦ ગ્રામ મેથીના કુરિયા, ૫૦ ગ્રામ રાઈના કુરિયા, સ્વાદ અનુસાર નમક, એક ચમચી હળદર, ૨૫ ગ્રામ વરિયાળી, ૧૦ નંગ મરી, જરૂર મુજબ લીંબુનો રસ.
બનાવવાની રીતઃ લાલ મરચાં બરાબર ધોઈને કોરાં કરીને મૂકો. એને વચ્ચેથી કાપીને બિયાં કાઢી લો. એમાં મરચાં, લીંબુ, મરી, મીઠું, અધકચરી વાટેલી વરિયાળી, હળદર વગેરે મિક્સ કરીને એમાં ભરી દો અને એક રાત રહેવા દો. બીજા દિવસે સહેજ તેલ ગરમ કરીને એમાં રાઈ-મેથીના કુરિયા નાખીને મરચાંમાં મિક્સ કરી દો. એક કે બે રાત એમ જ રાખશો તો બે દિવસ પછી બેસ્ટ સ્વાદ આવશે. ત્યાર બાદ વધુ લાંબો સમય સ્ટોર કરવા માટે રેફ્રિજરેટરમાં રાખવું.
સામગ્રી: ૧૦થી ૧૨ લીલાં મરીનાં ઝૂમખાં, ૩થી ૪ લીંબુનો રસ, એક ચમચી હળદરનો પાઉડર, સ્વાદ અનુસાર નમક.
બનાવવાની રીત: લીલાં મરીને બરાબર ધોવાં જરૂરી છે. ત્રણથી ચાર વાર છૂટા પાણીએ ધોયા પછી એને એક કલાક પાણીમાં પલાળી રાખો. એ પછી કોરા કરીને એને કાચની બરણીમાં ભરી દો. એમાં લીંબુ અને નમક ઉમેરો. એ બરણીને બરાબર બંધ કરીને મૂકી રાખો. દરરોજ સવાર-સાંજ આ બરણીને ખોલીને અથાણાને ચમચીથી હલાવીને પલટાવતા રહો. લગભગ પંદરથી વીસ દિવસ આમ કરવાથી અંદરનાં લીલાં મરી એકદમ અથાઈને પોચાં થઈ જશે. લીલા ઘેરા રંગનાં મરીનો રંગ પણ સહેજ બદલાય એટલે સમજી જવું કે અથાણું તૈયાર છે. એ પછી આ અથાણું ફ્રિજમાં મૂકશો તો લાંબો સમય ટકશે.