શીતળા સાતમ કરીને સ્વાસ્થ્ય સુધરે એ માટે આટલું ધ્યાન રાખજો

09 August, 2024 11:40 AM IST  |  Mumbai | Heena Patel

તો ચાલો આ વખતે શીતળા સાતમમાં ઠંડું કેમ ખાવાનું એનું વિજ્ઞાન પણ જરાક સમજીએ અને કયાં પકવાનો આરોગ્ય માટે વધુ ગુણકારી છે એ જાણી લઈએ

પ્રતીકાત્મક તસવીર

આપણા તહેવારોની પરંપરાગત ઉજવણી પાછળ એક ઊંડી વૈજ્ઞાનિક સમજ રહેલી છે, જેને સમજીને અનુકરણ કરીએ તો જ લાભ થાય. શીતળા સાતમ માટે આગલા દિવસે જ જાતજાતની વરાઇટી રાંધીને ફ્રિજમાં મૂકી દેવાશે, પણ પહેલાંના જમાનામાં એવું નહોતું. અમુક જ વાનગીઓ બનાવવામાં આવતી, જે નૅચરલી જ બીજા દિવસે ઠંડી ખાઈએ તો એ વધુ પોષક અને સુપાચ્ય હોય. તો ચાલો આ વખતે શીતળા સાતમમાં ઠંડું કેમ ખાવાનું એનું વિજ્ઞાન પણ જરાક સમજીએ અને કયાં પકવાનો આરોગ્ય માટે વધુ ગુણકારી છે એ જાણી લઈએ...

આપણે ત્યાં શીતળા સાતમના દિવસે ઠંડું ખાવાનું વિશેષ મહત્ત્વ છે. રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વિવિધ વાનગીઓ રાંધીને મૂકી દે છે અને પછીના સાતમના દિવસે એ આરોગે છે. ચૂલો પેટાવાય પણ નહીં એવી માન્યતા છે. એ દિવસે ચૂલો ન પેટાવાય એની પરંપરાગત વાર્તા પણ બહુ પ્રચલિત છે. આપણા દરેક તહેવાર અને રીતરિવાજ પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણ હોય જ છે એ‍વી જ રીતે સાતમના દિવસે ઠંડું ખાવા પાછળ પણ કેટલાંક સ્વાસ્થ્ય સંબંધિત કારણો છુપાયેલાં છે. જોકે ફક્ત કરવા ખાતર રીતરિવાજોનું પાલન કરવા કરતાં એની પાછળ રહેલી સાઇન્સને સમજીને સાચી રીતે એનું અનુકરણ કરવામાં આવે તો જ એનો ફાયદો મળે છે. શીતળા સાતમનું પણ એવું જ છે. તમે ઠંડા ભોજનમાં શું આરોગો છો એના પર નિર્ભર છે કે તમને એનાથી ફાયદો થશે કે નુકસાન.

સાતમે કેમ ઠંડું ખવાય?

શીતળા સાતમના દિવસે ટાઢો ખોરાક ખાવા પાછળનું શું કારણ છે એ સમજાવતાં આયુર્વેદિક નિષ્ણાત પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આમ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણ જ ઋતુ છે પણ આયુર્વેદની દૃષ્ટિએ છ ઋતુનું વર્ણન છે. બદલાતી ઋતુ સાથે ખાનપાનમાં બદલાવ કરવો જરૂરી હોય છે. અષાઢ અને શ્રાવણમાં વાયુનો પ્રકોપ વધુ જોવા મળતો હોય છે એટલે આપણે આહારમાં એવા પદાર્થો ખાવા જોઈએ જે વાયુનું શમન કરે. આવા પદાર્થોમાં અનાજ (ઘઉં, ચોખા), શાકભાજી (કંકોડાં, ગલકાં), ફળો (સફરજન, દાડમ, કેળું), સૂકો મેવો (કાજુ, બદામ, અખરોટ), મસાલા (અજમો, જીરું, સંચળ) વગેરે આવે. આપણે સાતમ-આઠમમાં જે ટાઢી વસ્તુઓ ખાઈએ છીએ એ પચવામાં ભારે હોય પણ વાતપ્રકોપ હોય ત્યારે એ સરળતાથી પચી જાય છે. એટલે આમ તો રોજ-રોજ ટાઢો ખોરાક શરીર માટે હાનિકારક છે પણ સાતમ-આઠમના સમયગાળામાં વાયુપ્રકોપ વધુ હોય છે એટલે ટાઢું ખાવાથી શરીરને નુકસાન થતું નથી, ઊલટાનું એક દિવસ ઠંડું ખાવામાં આવે તો એ સકારાત્મક રીતે શરીરને ફાયદો પહોંચાડી શકે છે.’

ટાઢું ખાવાથી શું ફાયદો થાય?

શીતળા સાતમના દિવસે ચૂલો પેટાવવાનો ન હોય એટલે રાંધણ છઠના દિવસે જ ગૃહિણીઓ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને રાખી દે છે. જનરલી એવી વસ્તુ બનાવવામાં આવે છે જે જલદીથી ખરાબ ન થાય અને બીજા દિવસે પણ આરામથી એ આરોગી શકાય. આપણા ગુજરાતીઓમાં થેપલાં, ભાખરી, ગળ્યાં ઢેબરાં બનાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ટાઢું ખાવા પાછળના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સમજાવતાં ન્યુરોપૅથિક ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘જે પણ અનાજ હોય એમાં સ્ટાર્ચ કન્ટેન્ટ આવે. આપણે જ્યારે આવાં હાઈ-કાર્બ ફૂડ્સને રાંધીને રહેવા દઈએ ત્યારે એ કાર્બોહાઇડ્રેટનું રૂપાંતર રેઝિસ્ટન્ટ સ્ટાર્ચમાં થાય છે. મતલબ કે એવો સ્ટાર્ચ, જે આપણું નાનું આંતરડું પચાવી શકતું નથી. એટલે એ આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇન (મોટા આંતરડા)માં ફર્મેન્ટ થાય છે, જે ગુડ બૅક્ટેરિયા (પ્રોબાયોટિક્સ)ને વધારીને આપણી સંપૂર્ણ ગટ સિસ્ટમ (આંતરડાંઓ)ને સારી રાખવાનું કામ કરે છે. હવે બદલાતા સમય સાથે તળેલા સૂકા નાસ્તાનું ચલણ વધ્યું છે. ઢેબરાં-થેપલાંની સરખામણીમાં એ વધુ ચટપટા હોય એટલે સ્વાદમાં સારા લાગે અને ઘરે ન બનાવવા હોય તો માર્કેટમાં તો મળે જ છે. જોકે આ બધા ઑઇલી નાસ્તાઓ આપણા સ્વાસ્થ્ય માટે જરાય સારા નથી. નાસ્તામાં ફાઇબર અને વિટામિન નહીંવત્ હોય અને કૅલરીઝ, ફૅટ, કાર્બ્સ વધુ હોય છે. આજની લાઇફસ્ટાઇલના હિસાબે આટલુંબધું ઑઇલ પચાવવું અઘરું છે. એ સિવાય નાસ્તામાં રહેલું ઑઇલ સૉલિડ ફૅટ્સમાં કન્વર્ટ થાય એટલે એ ટ્રાન્સ ફૅટ્સ બની જાય; જે આપણાં હૃદય, ફેફસાં, લિવર માટે ખૂબ જોખમી છે.’

ગુડ બૅક્ટેરિયાવાળું ફૂડ લો

શીતળા સાતમમાં ઠંડું ખાવાની વાત આવે ત્યારે એમાં ફર્મેન્ટેડ ફૂડનો સમાવેશ કરવાનું ન ભૂલવું જોઈએ. આ વિશે વધુ સમજાવતાં ડાયટિશ્યન ટ‍્વિન્કલ મહેતા કહે છે, ‘શીતળા સાતમના દિવસે આપણે સાદું, વધુપડતું તીખું ન હોય એવું અને ઠંડું ભોજન ખાવાનું મહત્ત્વ છે. ઠંડા ભોજનમાં પણ જેમાં આથવણ (ફર્મેન્ટેડ) અને મેળવણ આવે એવા પદાર્થો લેવા જોઈએ જેમાંથી આપણને પ્રોબાયોટિક બૅક્ટેરિયા મળે. પ્રોબાયોટિક્સને સાદી ભાષામાં ગુડ બૅક્ટેરિયા કહેવામાં આવે છે. આ ગુડ બૅક્ટેરિયા આપણી ગટ (આંતરડાની) હેલ્થને સારી રાખવાનું કામ કરે છે તેમ જ ઇમ્યુનિટી વધારે છે. પ્રોબાયોટિક્સનો સૌથી સારો કોઈ સોર્સ હોય તો એ દહીં છે. એટલે શીતળા સાતમના દિવસે તમે દહીં-ભાત ખાઈ શકો. એના સ્વાદમાં વધારો કરવા માટે તમે રાઈ, સૂંઠ, જીરું, કાળાં મરીનો પાઉડર ઍડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો. એ સિવાય તમે યોગર્ટ ફ્રૂટ પણ ખાઈ શકો. દહીંમાં તમે તમારી પસંદનાં ફળો જેમ કે સફરજન, દાડમ, કેળાં મિક્સ કરી શકો. ફર્મેન્ટેડ ફૂડમાં તમે આથાવાળાં સફેદ ઢોકળાં, ઇડલી ખાઈ શકો. એને બનાવવામાં તમારે વધુપડતા મસાલા કે તેલનો ઉપયોગ પણ ન કરવો પડે એટલે એને પચાવવાનું પણ સરળ છે.’

જોજો, આવી ભૂલ ન કરતા

જનરલી શીતળા સાતમના દિવસે એવું જોવા મળે કે થેપલાં કે ઢેબરાં બનાવ્યાં હોય તો લોકો સવાર, બપોર, સાંજ એ જ ખાધા કરે. આમ ન કરવું જોઈએ, કારણ કે એનાથી તમારા પાચનતંત્ર પર લોડ વધી શકે છે. આ વિશે વધુ માહિતી આપતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘નૉર્મલી આપણે રોટલી ખાઈએ તો દાળ-ભાત, શાક-રોટલી, સૅલડ બધું ખાઈએ પણ શીતળા સાતમના ફક્ત અનાજની બનેલી વસ્તુઓ જ આપણે ખાઈએ. એ પણ પાછા દિવસમાં ત્રણ-ચાર વાર ખાઈએ તો શરીર માટે એને પચાવવાનું કામ ખૂબ અઘરું થઈ જાય. બીજું એ કે આપણે શીતળા સાતમના દિવસે મોટા ભાગની બધી વસ્તુ અનાજની જ બનાવીએ છીએ પણ  ​આપણા શરીરને એક સંતુલિત પૌષ્ટિક આહાર મળવો જોઈએ; જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફૅટ, ફાઇબર બધું જ જોઈએ. એટલે શીતળા સાતમના દિવસે તમારે તમારા બ્રેકફાસ્ટ કે લંચમાં રાતની બનાવેલી જે વસ્તુઓ છે એ લેવી જોઈએ. એ પછી સાંજે તમારે ફળો, નટ્સ (કાજુ, બદામ વગેરે), દહીં વગેરેનું સેવન કરવું જોઈએ. બીજું એ કે પિત્તને શાંત કરવા માટે પણ આખાં અનાજ, ફળો, શાકભાજી, દહીં, છાશનું સેવન કરવું જરૂરી છે. તો જ તમને ​શીતળા સાતમનો ફાયદો મળે. એ તમારા શરીરને શીતળ કરે.’

culture news Gujarati food indian food life and style columnists