16 March, 2023 05:37 PM IST | Mumbai | Sejal Patel
રાઇસ બૉલ્સ અને બુરાટા પીત્ઝા
ક્યાં? : ગાર્ડ મૅન્જર કૅફે, આરએનએ ક્લાસિક અપાર્ટમેન્ટ ૯, એસ. વી. રોડ, સાંતાક્રુઝ
કિંમતઃ ૧૦૦૦ રૂપિયા (બે જણ માટે)
મુંબઈમાં ઠેર-ઠેર તમને કૅફે મળી જાય. પણ લગભગ બધી જ કૅફેમાં વેજ-નૉનવેજ બન્ને પીરસાતું હોય. એક વાર વેજિટેરિયન કૅફેની શોધમાં સાંતાક્રુઝમાં ફરી રહ્યા હતા અને એસ. વી. રોડ પર જ દેખાયું ગાર્ડ મૅન્જરનું પાટિયું. પહેલાં અહીં બીજી કૅફે ચેઇન હતી. ગાર્ડ મૅન્જરનું પહેલું આઉટલેટ વિલે પાર્લે-ઈસ્ટમાં હતું અને ક્લાઉડ મેનુ માટે બહુ જાણીતું થઈ ગયેલું. શેફ પરવિન્દરે પોતાના પપ્પાની વેજિટેરિયન ફૂડની સ્પેશ્યલ કૅફે ખોલવાની ઇચ્છાને આગળ ધપાવીને આ બીજા આઉટલેટને પણ પ્યૉર વેજ જ રાખ્યું છે. જૈનો અને વીગન્સ માટે અહીં જન્નત છે એમ કહીએ તો ખોટું નથી. જઈને તપાસ કરી તો ખબર પડી કે હજી ગયા અઠવાડિયે જ એ ઓપન થયું છે અને ફર્સ્ટ કૅફે કરતાં અહીંનું મેનું ઘણું જુદું છે.
બ્લુબેરી અવાકાડો સ્મૂધી
વેજ, જૈન, વીગન અને હેલ્ધી ફૂડની સાથે ટેસ્ટનો ચટકારો બધું જ મળતું હોય તો એની વાત તમારા સુધી પહોંચાડવી જ પડેને? બસ, અમે અહીંના મેનુમાંથી આઠ-દસ વાનગીઓ ટ્રાય કરી જ નાખી. ચાલો જોઈએ.
કાઉન્ટર પર પૂછતાં ખબર પડી કે અહીં એક સ્કીમ ચાલે છે કે તમે ઑર્ડર કરેલી કૉફી જો પાંચ મિનિટમાં સર્વ ન થાય તો એ તમને ફ્રીમાં મળશે. યંગસ્ટર્સમાં આ સ્કીમ ફેમસ પણ હોય એવું લાગ્યું. જોકે ડિનરમાં ખૂબબધી વાનગીઓ ટ્રાય કરવી હતી એટલે અમે કૉફીનો પ્રયોગ ન કર્યો. એના બદલે શરદી-ખાંસી અને તાવની સીઝનમાં ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિન્ક લેવાનું પસંદ કર્યું. ગ્રીન ઍપલ, સેલરી, લેમન અને ઑરેન્જના જૂસનું મિશ્રણ એમાં છે. ફ્રેશનેસ લાવે એવું ડ્રિન્ક છે. કૅફેમાં ઇટાલિયન બાઓ મેનુમાં હતા એ જોઈને અમે સૌથી પહેલાં એ જ ટ્રાય કરવાનું નક્કી કર્યું અને જાણે પહેલા જ બૉલમાં સિક્સર લાગી. મોટા ભાગે બાઓ થોડાક સ્ટિકી અને બ્લેન્ડ હોય છે, પણ ઇટાલિયન બાઓનું બહારનું પડ મસ્ત સ્પૉન્જી હતું અને અંદરનું પૂરણ પ્રમાણમાં ઓછું હતું. પરંતુ આખો પીસ મોંમાં નાખો તો માઇલ્ડ સ્વાદના ફુવારા જરૂર થાય. સાથે પીરસવામાં આવેલા ડિપ વિના પણ જે ટેસ્ટ છે એ સુપર્બ છે. જો બાઓ ન ભાવતા હોય તો પણ અહીંના ઇટાલિયન બાઓ મસ્ટ ટ્રાય.
સૅન્ડવિચ અને બનાના ફ્રાઇસ
એ પછી અમે બ્લૅક રાઇસની બે વાનગીઓ લીધી. એક બ્લૅક રાઇસ સૅલડ અને બીજી સ્ટીમ્ડ રાઇસ બૉલ્સ. બન્ને સ્વાદમાં એકદમ ઑપોઝિટ હતી અને એટલે સ્વાદમાં સરસ બૅલૅન્સ થાય એવું હતું. બ્લૅક રાઇસ બૉઇલ કરેલા છે એમ છતાં મહેનત કરીને ચાવવા પડે છે. એની અંદર ફ્રેશ વેજિટેબલ્સ બહુ ઝીણાં સમારીને નાખેલાં છે અને સૌથી યુનિક ચીજ છે એની પરનું ટૅન્ગી ડ્રેસિંગ. ધીમે-ધીમે આ સૅલડ મમળાવવાની ખરેખર મજા આવી. કાળા ચોખાના જે બૉલ્સ હતા એ કદાચ ભાત રાંધતાં પહેલાં સ્વીટ ફિલિંગની ઉપર ચોંટાડીને પછી બાફવામાં આવ્યા હતા. એને ખાટા-મીઠા સૉસની સાથે સર્વ કરવામાં આવે છે. હેલ્ધી ફૂડનો મજાનો ઑપ્શન છે.
એ પછી વન બાઉલ હોલસમ મીલ અમે ટ્રાય કર્યું. થાઈ પનીર સ્ટિક વિથ પમ્પકિન સૉસ. આમાં કીન્વાની સાથે ગ્રીન વેજિટેબલ્સ છે અને સાથે ગ્રિલ્ડ પનીર અને કોળાનો સૉસ રેડેલો છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબરનો પર્ફેક્ટ કૉમ્બો છે. વીગન હો તો પનીરને બદલે તોફુ સાથે પણ આ કૉમ્બિનેશન મળે છે. સાચું કહું, આખી ડિશ હેલ્થની દૃષ્ટિએ જેટલી મસ્ત છે એટલી જ સ્વાદમાં પણ. ખાસ કરીને ક્રીમી પમ્પકિન સૉસ છે એ ગેમ ચૅન્જર છે. પમ્પકિનની સાથે પંજાબી સ્ટાઇલ મખની સૉસ પણ તમે ઑર્ડર કરી શકો છો. અમે માત્ર મખની સૉસ અલગથી ટેસ્ટ કરવા મંગાવ્યો તો સાથે કૂસકૂસનો ઉપમા પણ હતો. આ મિશ્રણ પંજાબીઓનું દિલ ખુશ કરી દે એવું છે.
થાઇ તોફુ સ્ટિક વિથ પમ્પકિન સૉસ
કૅફે છે એટલે સૅન્ડવિચ, પીત્ઝા અને બર્ગર પણ મળવાનાં જ. અમે એમાંથી પીત્ઝા અને સૅન્ડવિચને ટ્રાય આપી. સાવરડો એટલે કે ખટાશ વાપરીને બનેલી ઘઉંની જાડી બ્રેડના સ્વાદમાં જે શાક ઉમેરવામાં આવ્યાં છે એ રોસ્ટેડ હોવાથી એમાં મસ્ત ભૂંજેલો સ્વાદ આવે છે. એમાં ભરપૂર અવાકાડો અને ગ્વાકામોલે છે જે બટર અને ક્રીમીનેસની ગરજ પૂરી કરે છે. અને સાથે બનાના ફ્રાઇસ સર્વ થાય છે. અહીંની ૫૦ ટકાથી વધુ વાનગીઓ જૈન જ છે અને ડિમાન્ડ કરો તો બીજી વાનગીઓ પણ જૈન કે વીગન મળી જાય છે.
આ પણ વાંચો: અહીંના જેવી રાજસ્થાની કેર સાંગરી અને બનારસી સ્ટાઇલ પનીર ક્યાંય નહીં મળે
એ પછી અમે જે પીત્ઝા ઑર્ડર કર્યા એમાં નૉર્મલને બદલે રાગી બેઝનું મૉડિફિકેશન કરવાનું કહેલું. નાચણીનો રોટલો કાં તો કડક થઈ જાય કાં ચવ્વડ, પણ આ પીત્ઝા બેઝ પ્રમાણમાં ઘણો સૉફ્ટ છે. અમે અડધો બુરાટા પીત્ઝા મગાવેલો અને અડધા બોલોના પીત્ઝાનું કૉમ્બિનેશન ટ્રાય કરેલું. બુરાટા ચીઝ અવનમાંથી બહાર નીકળ્યા પછી પીગળી ગયેલું હતું, કદાચ એ જ કારણોસર પીત્ઝાના સ્વાદમાં થોડોક ફરક વર્તાતો હતો. પણ જેમને બટરી પીત્ઝા ખાવાનું ગમતું હોય તેમને આ સ્વાદમાં પણ મજા આવશે. બીજા પીત્ઝા પર જે બોલોના સૉસ છે એ સામાન્ય રીતે આપણે વેજિટેરિયન્સે કદી ચાખ્યો પણ નહીં હોય કેમ કે એ બનાવવામાં પણ નૉનવેજનો ઉપયોગ થાય છે, પણ જો કોઈ હાર્ડકોર નૉનવેજ વ્યક્તિ વેજિટેરિયન બની જાય તો તેને બોલોના સૉસનું વેજ વર્ઝન અહીં જરૂર ગમશે. આવું અમે નહીં, બીજા ટેબલ પર બેઠેલા ડાઇનર્સ પાસેથી જાણ્યું.
ઇટાલિયન બાઓ
સૉલિડ ફૂડની સાથે ફરી એક વાર અમે એક વીગન સ્મૂધીની ટ્રાય કરી જે અગેઇન પ્રાઇઝ વિનર નીકળી. બ્લુબેરીઝ અને અવાકાડોની આ સ્મૂધીમાં ટીપુંયે દૂધ વપરાયેલું નથી. ટેસ્ટમાં અવ્વલ. એક પછી એક સિપ લીધા જ કરવાનું મન થયા કરે, પણ આ સ્મૂધી બહુ હેવી છે. એકલા પૂરી કરવાની કોશિશ કરશો તો બીજું કંઈ જ ટ્રાય નહીં કરી શકો.
વીગન ડિઝર્ટ
છેક છેલ્લે શેફે અમને ચિકપી વૉલનટ બનાના પાઇ સજેસ્ટ કરી. એમાં નથી એગ્સ, નથી મેંદો અને છતાં પાઇમાં જે સ્પૉન્જીનેસ અને અખરોટની રિચનેસ છે એ અફલાતૂન. કાબુલી ચણા અને બનાના ફ્લોરમાંથી બનેલી આ પાઇ કીટો ડાયટ માટે પણ પર્ફેક્ટ છે.