શ્રાવણમાં બનાવો ફરાળી ફીસ્ટ

09 August, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડનાં કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા શૅર કરે છે હટકે ફરાળી વાનગીઓની રેસિપી

કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા

આખો મહિનો એકટાણાં કરવાનાં હોય કે પછી શ્રાવણિયા સોમવાર, અગિયારસ અને અવારનવાર આવતાં વ્રતોના ઉપવાસ; આમ તો કંઈ ન ખાવું એને જ ઉપવાસ કહેવાય, પણ જો ફરાળમાં એકનું એક ખાઈને કંટાળ્યા હો તો મુલુંડનાં કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા શૅર કરે છે હટકે ફરાળી વાનગીઓની રેસિપી

મખાણા ખીર

સામગ્રી : એક લીટર દૂધ, પા કપ મખાણા, એક ટેબલસ્પૂન ઘી, ૪થી ૫ ટેબલસ્પૂન સાકર, ગાર્નિશિંગ માટે
કાજુ-બદામ-પિસ્તાં, કેસર, એલચી, જાયફળ, એને બદલે કેસરિયા દૂધનો રેડી મસાલો હોય તો પણ ચાલે 
બનાવવાની રીત : સૌપ્રથમ દૂધને ઉકાળવું. ધીમા તાપે ઉકાળવું અને સતત હલાવતાં રહેવું જેથી દૂધ બળશે. એકમાંથી પોણો લીટર જેટલું દૂધ જ બચે ત્યાં સુધી ઉકાળવું. બીજી તરફ એક પેણીમાં એક ચમચી ઘી લઈને એમાં મખાણા શેકીને કાઢી લેવા. એ જ ઘીમાં કતરેલા ડ્રાયફ્રૂટ્સ પણ સહેજ શેકી લેવાં. પિસ્તાં, બદામ અને કાજુની કતરીને શેકીને કાઢી લેવાં. એ જ ઘીમાં દૂધ નાખી દેવું અને એમાં મખાણા નાખીને બરાબર હલાવવું. ત્યાર બાદ સાકર નાખીને એને ઓગાળવી. બરાબર મિક્સ થઈ જાય એટલે ઘીમાં શેકેલાં ડ્રાયફ્રૂટ્સની કતરી નાખીને મિક્સ કરી લેવું. કેસરને થોડા દૂધમાં અલગથી ઓગાળીને નાખવું. ધારો કે તમે દૂધનો તૈયાર મસાલો નાખવાના હો તો એમાં કેસર હોય જ છે. તો અલગથી કેસર નાખવાની જરૂર નહીં રહે. 
આ મખાણાની જાડી ખીર રસમલાઈ જેવી ચ્યુઈ હોવાથી ખાવી ગમશે. આ ખીર ઠંડી કરીને પણ ખાઈ શકાય અને ગરમ પણ સારી લાગે છે. 

સાબુદાણા થાલીપીઠ

સામગ્રી : અડધો કપ સાબુદાણા છથી સાત કલાક પલાળી રાખેલા, બે બાફેલા બટાટા, પા કપ શેકેલા શિંગદાણાનો કરકરો ભૂકો, બે ટેબલસ્પૂન
આદું-મરચાંની પેસ્ટ, ચારથી પાંચ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, બે ટેબલસ્પૂન બારીક સમારેલો ફુદીનો, એક ટીસ્પૂન જીરું, ૧ ટીસ્પૂન જીરું, પા ચમચી મરીનો પાઉડર, એક ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, સિંધવ નમક સ્વાદ અનુસાર 
બનાવવાની રીત : સૌપ્રથમ પલાળેલા સાબુદાણા લેવા. છથી સાત કલાક પલળીને સૉફ્ટ થઈ ગયા હોય એ જરૂરી છે. એમાં બે બાફેલા બટાટાને મોટી છીણીથી ખમણી લેવા. એમાં શેકેલા શિંગદાણાનો કરકરો લોટ ઉમેરો. એમાં જીરું, સિંધવ, આદું-મરચાંની પેસ્ટ, મરીનો પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. જો તમને ખટમીઠું ભાવતું હોય તો એમાં એક ચમચી સાકર અને અડધા લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરવું.
એમાં જરાય પાણીની જરૂર નથી. કોથમીર-ફુદીનાનું પાણી છૂટશે જ એટલે એ પણ બરાબર નિતારીને પછી જ ઉમેરવાં. 
હવે આ લોટના મીડિયમ સાઇઝના ગોળા બનાવી લેવા અને નૉન-સ્ટિક તવીને ગરમ કરવા મૂકવી. સહેજ પાણીવાળો હાથ કરીને ગોળાને તવી પર જ થેપીને થાલીપીઠ જેવો શેપ આપવો. ધીમા તાપે સહેજ ઘી નાખીને બન્ને સાઇડથી કુરકુરી થાય ત્યાં સુધી શેકવી. 
શિંગદાણા અને કોપરાની ચટણી સાથે એને સર્વ કરી શકાય.

કંદ-પટેટો-પનીર

સામગ્રી : એક કપ ચોરસ સમારેલું કંદ, એક કપ ચોરસ સમારેલા બટાટાના ટુકડા, એક કપ ચોરસ સમારેલું સૂરણ, એક કપ પનીરનાં ચોસલાં, તળવા માટે તેલ, બે ચમચી ઘી, એક ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર અને ચાર ચમચી ઝીણો સમારેલો ફુદીનો, એક કાચા ટમેટાંની પ્યુરી, જીરું, સ્વાદ અનુસાર સિંધવ
બનાવવાની રીત : કંદ, સૂરણને બરાબર ધોઈ લેવાં. છાલ કાઢીને એના ચોરસ મીડિયમ સાઇઝનાં ચોસલાં પાડવાં. બટાટાની પણ છાલ કાઢીને એનાં એટલી જ સાઇઝનાં ચોસલાં પાડવાં. પનીર સિવાયની બધી જ ચીજોનાં ચોસલાંને એક વાટકામાં ભરી સહેજ સિંધવનાખીને કુકરમાં મૂકીને એક સીટી વગાડી લેવી. 
ચોસલાં કાઢીને ઠંડાં પડવા દેવાં અને તેલમાં ડીપ ફ્રાય કરીને કાઢી લેવાં. આ જ સમયે પનીરનાં ચોસલાંને પણ ડીપ ફ્રાય કરીને કાઢી લેવાં. 
હવે એક અલગ પેણીમાં એક ટેબલસ્પૂન ઘી મૂકીને એમાં જીરું નાખવું. આદું-મરચાંની પેસ્ટ નાખીને સાંતળવી. કાચા ટમેટાંની પ્યુરી અને સિંધવ નાખીને એને બરાબર સાંતળવી. એમાં કોથમીર અને ફુદીનો પણ ઉમેરી દેવો. બધું જ બરાબર ચડી જાય અને ઘી છૂટવા લાગે એટલે એમાં તળીને તૈયાર રાખેલાં કંદ, બટાટા, સૂરણ અને પનીરનાં ચોસલાં મિક્સ કરવાં. બધાં ચોસલાં પર મસાલાનું કોટિંગ લાગી જાય એટલે સર્વ કરવું. સ્ટાર્ટરની જેમ સર્વ કરવું હોય તો દરેક ટુકડા પર ટૂથપિક લગાવીને આપી શકાય. 

સામાનાં દહીંવડાં

સામગ્રી : એક કપ સામો, એક ટેબલસ્પૂન ઘી, ઝીણું સમારેલું લીલું મરચું, અડધો કપ દહીં અને અડધો કપ પાણી (દહીં-પાણી મિક્સ કરીને છાશ પણ ઉમેરી શકાય), સ્વાદ અનુસાર સિંધવ 
દહીંવડાં માટે : બે કપ દહીં, એક વાટકી ખજૂર-આમલી-ગોળની ચટણી, એક વાટકી કોથમીર-ફુદીનાની ચટણી, પા ચમચી કાળાં મરીનો પાઉડર, પા ચમચી શેકેલા જીરાનો પાઉડર, સિંધવ નમક સ્વાદ અનુસાર.
બનાવવાની રીત : એક કપ સામો લઈને એને બરાબર ધોઈ લેવો. એક વાસણમાં એક ટેબલસ્પૂન ઘીને ગરમ કરવા મૂકવું. એમાં જીરું અને ઝીણું સમારેલું લીલું મરચું નાખવું. ધોયેલો સામો ઉમેરીને એમાં છાશ અથવા દહીં-પાણી ઉમેરીને ધીમા તાપે ચડવા દેવું. પાણીનો ભાગ શોષાઈ જાય એટલે એને ઠંડું પડવા દેવું. ઠરી જાય એટલે એમાંથી લીંબુની સાઇઝના વડા જેવું બનાવી લેવું અને તેલમાં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાં. 
એક પ્લેટમાં વડાં ગોઠવવાં. દહીંમાં સાકર ઉમેરીને વલોવીને મિક્સ કરીને લીસું કરવું. પ્લેટ પર ગોઠવેલાં વડાં પર દહીં રેડવું. એના પર સ્વાદાનુસાર ખજૂર-આમલીની ચટણી, ફુદીના-કોથમીરની ચટણી, શેકેલું જીરું અને કાળાં મરીનો પાઉડર અને સિંધવ ભભરાવવાં. ઉપરથી કોથમીર-ફુદીનો છાંટીને સર્વ કરવું. 

street food Gujarati food indian food life and style columnists