વસઈનું સૌથી લોકપ્રિય મિસળ એટલે સંતોષ મિસલ

23 November, 2024 11:48 AM IST  |  Mumbai | Darshini Vashi

છેલ્લાં ૨૫ વર્ષથી અનેક પ્રકારનાં મિસળ પીરસનાર સંતોષ મિસલનો સૌથી મોટો ચાહક વર્ગ નૉન-મહારાષ્ટ્રિયન છે

મિસળપાંઉ, વડા-ઉસળપાંઉ

મિસળની ખરી મજા ત્યારે આવે જ્યારે એ એકદમ સ્પાઇસી અને ચટાકેદાર હોય, પણ એને માટે મિસળમાં જરૂરી અને યોગ્ય માત્રામાં મસાલા પડેલા હોવા જરૂરી છે. સાથે એમાં યોગ્ય પ્રમાણમાં કઠોળની હાજરી અને એ કેવાં રંધાયાં છે એના પર પણ આધાર રાખે છે. આમ સરળ લાગતું મિસળ ઘણાં બધાં ફૅક્ટર પર આધાર રાખે છે. જોકે વસઈ-વેસ્ટમાં આવેલા સંતોષ મિસલનું મિસળ આ તમામ ફૅક્ટરોને પરિપૂર્ણ કરતું હોય એવો એનો એકસમાન ટેસ્ટ છેલ્લાં ૨૫ વર્ષથી જળવાઈ રહ્યો હોવાનું અહીંના રેગ્યુલર કસ્ટમર્સનું કહેવું છે, એટલે જ કદાચ કૉમ્પિટિશન અને હાઈ એન્ડ ફૂડ આઉટલેટના સમયમાં પણ સિમ્પલ અને દેશી સ્ટાઇલના સ્ટૉલનું મિસળ ખાવા લોકોની લાઇન લાગે છે.

સંતોષ મિસલની વાત કરીએ તો આ સ્ટૉલનું નામ જેના પરથી રાખવામાં આવ્યું છે એ સંતોષ ગાયકવાડે જ આ સ્ટૉલના પાયા નાખ્યા હતા. થયું એવું કે સંતોષભાઈ પહેલાં લારીમાં મિસળ વેચવા નીકળતા. આ એ સમયની વાત છે જ્યારે વસઈ એટલું ડેવલપ નહોતું થયું. આ કામ તેમણે ૧૫-૧૬ વર્ષ સુધી કર્યું. લોકો ત્યારથી તેમના મિસળના ચાહક બની ગયા હતા. લોકોના આગ્રહથી તેમણે વસઈમાં જ સ્ટૉલ જેવી એક નાનકડી દુકાન ખોલી જેનું નામ સંતોષ મિસલ રાખ્યું. એમાં તેમની આખી ફૅમિલી કામ કરે છે. આજે અહીં માત્ર મિસળપાંઉ જ નહીં; મટકા મિસળ, દહીં મિસળ, વડા મિસળ, ઉસળપાંઉ, વડા-ઉસળપાંઉ, પોહા, રસ્સાપોહા વગેરે આઇટમ મળે છે અને એનો ભાવ પણ ઘણો રીઝનેબલ છે. અહીં છાશ પણ હોય છે. નાનકડો સીટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે જ્યાં આરામથી બેસીને મિસળની મજા લઈ શકાય છે. બીજી વાત એ કે હાઇજીનની દૃષ્ટિએ કેટલાક લોકોને કદાચ આ લોકેશન ગમશે નહીં, પણ ટેસ્ટી ખાવું હોય તો લોકેશન ઇગ્નૉર કરી શકો છો.

ક્યાં મળશે? સંતોષ મિસલ, પાર્વતી સિનેમાની પાછળ, સાંઈનગર, વસઈ (વેસ્ટ).

સમય : સવારે ૮થી બપોરે ૩ વાગ્યા સુધી

vasai street food mumbai food indian food life and style columnists darshini vashi gujarati mid-day