21 September, 2024 01:10 PM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
મુંબઈની જો ફેવરિટ ફૂડ-આઇટમ જોવા જઈએ તો એમાં ટૉપ પાંચમાં ભેળપૂરી-સેવપૂરી બીજા કે ત્રીજા નંબરે આવે. તમે એ ગમે એટલી ખાઓ તો પણ તમને સંતોષ થાય જ નહીં અને એમાં મારા જેવા જે હોય તેને તો સવાર-બપોર-સાંજ આપણી ભેળપૂરી ખાવાની આવે તો તે તૈયાર જ હોય. ઘણી વાર તો મારી સાથે એવું થાય કે હું બપોરે ભેળપૂરી ખાઉં અને મોડી સાંજે મને એમ થાય કે કેટલાક વખતથી ભેળપૂરી-સેવપૂરી નથી ખાધી તો ચાલો ક્યાંક ખાવા જઉં.
હમણાં રવિવારે એવું થયું કે મારે બોરીવલી પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં ફિરોઝ ભગતનું નાટક જોવા જવાનું હતું એટલે મેં તો મારા નવા નાટકનાં રિહર્સલ્સ વહેલાં પૂરાં કરી લીધાં. રિહર્સલ્સ પૂરાં કરીને હું અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા બન્ને રવાના થયા મેટ્રોમાં અને બોરીવલી પહોંચીને અમે રિક્ષા કરી. અમારી રિક્ષા જતી હતી ત્યાં જ એક જગ્યા દેખાડતાં નીલેશે મને કહ્યું કે સંજયભાઈ, અહીંની ભેળપૂરી-સેવપૂરી બહુ સરસ હોય છે, નાટક પહેલાં આપણે ખાઈ લઈએ. આપણને તો ચણચણ બગલીમાં વાંધો હોય જ નહીં અને એમાં આ તો પાછી ભેળપૂરી-સેવપૂરી એટલે અમે ઊતરી ગયા અને મગાવી ભેળપૂરી.
વાત આગળ વધારતાં પહેલાં તમને લોકેશન કહી દઉં. બોરીવલીમાં ચંદાવરકર રોડથી તમે પંજાબી ગલી તરફ જતા હો ત્યારે પંજાબી ગલીના કૉર્નર પર આ ભેળવાળો ઊભો રહે છે. બોર્ડ પણ માર્યું છે - સંતોષ ગુપ્તા ભેળપૂરી કૉર્નર.
બીજાનો ઑર્ડર બનતો હતો એ વખતે મેં જોયું કે તે ભેળમાં ટમેટાં નાખતો હતો. ટમેટાંને કારણે ભેળ છે એ લોંદો થઈ જાય અને સૉગી ભેળ ખાવાની જરાય મજા આવે નહીં એટલે મેં તો ચોખવટ કરી લીધી કે ભાઈ, મારી ભેળમાં ટમેટાં નાખતો નહીં.
ભેળ આવી. ટમેટાં વિનાની એ ભેળ એકદમ અદ્ભુત હતી. મમરાને એવી રીતે શેકવામાં આવ્યા હતા જેથી એની ક્રન્ચીનેસમાં વધારો થાય. આ ઉપરાંત એની જે સેવ હતી એ પણ ટિપિકલ મુમ્બૈયા સેવ હતી. ચટણીમાં પણ એની માસ્ટરી હતી તો સાથોસાથ ભેળમાં ઉપરથી તે જે મસાલો છાંટતો હતો એનાં ઇન્ગ્રીડિઅન્ટ્સ એકદમ ઑથેન્ટિક હતાં. ભેળપૂરીમાં મને સંતોષ થયો એટલે પછી મેં મગાવી સેવપૂરી. સેવપૂરી એકદમ સ્ટફી હતી. એમાં બરાબર બધું ભરવામાં આવ્યું હતું અને સ્વાદ પણ અદ્ભુત હતો. આજે ઘણી જગ્યાએ એવું બને છે કે સેવપૂરીની પૂરીમાં પૂરતો મસાલો ભરવામાં ન આવ્યો હોય અને ઉપર એટલી સેવ નાખી દે કે તમને ખબર જ ન પડે કે પૂરી અડધી ખાલી છે, પણ એ તમે ખાઓ ત્યારે તમને ખબર પડે; પણ પછી શું, જબ ચિડિયા ચુગ ગઈ ખેત.
ભેળપૂરી-સેવપૂરી સિવાય પણ તેની પાસે અનેક આઇટમો હતી તો એ આઇટમોમાં જૈન આઇટમો પણ અવેલેબલ હતી અને ચીઝ આઇટમ પણ અવેલેબલ હતી; પણ મિત્રો, હું ચીઝ ખાવાનું અવૉઇડ કરું છું. ચીઝનો સ્વાદ એવો છે કે એ કોઈ પણ વરાઇટીના ઓરિજિનલ સ્વાદને ઓવરપાવર કરી દે. એટલે ચીઝ હું ત્યારે જ ખાઉં જ્યારે મારે ચીઝનો જ આસ્વાદ માણવો હોય.
બધી આઇટમો સરસ હતી અને એનાથી પણ વધારે સારી વાત એ કે મોટા ભાગની આઇટમ ફક્ત ત્રીસ અને ચાલીસ રૂપિયાની હતી જે ખરેખર સારી વાત કહેવાય. મેં નક્કી કર્યું કે સ્વાદ અને ભાવ એમ બન્ને બાબતમાં ખરા ઊતરતા આ સંતોષ ગુપ્તાની ફૂડ-ડ્રાઇવ તમારા સુધી પહોંચાડીશ અને મેં મારું કામ પૂરું કર્યું.
પહોંચી જાઓ સંતોષ ગુપ્તા ભેળપૂરી કૉર્નરમાં, તમને સમય મળે ત્યારે.