ઘેરબેઠાં કાઠિયાવાડી ભજિયાં ખાવાં છે?

31 August, 2023 03:50 PM IST  |  Mumbai | Sanjay Goradia

એવો જ અદ્ભુત સ્વાદ જેવો સ્વાદ તમને અમદાવાદમાં મળતાં મયૂરનાં ભજિયાંમાં મળે. જઈને ખાતરી કરી આવજો બોરીવલીમાં નામ વિનાના આ ભજિયાવાળા ભાઈ પાસે.

બોરીવલીમાં પ્રેમનગરનાં ભજિયાં

મારા નાટકના સાથી કલાકાર શરદ શર્મા મને હંમેશાં કહ્યા કરે કે સંજય, તું એક વાર બોરીવલીમાં પ્રેમનગરનાં ભજિયાં ટેસ્ટ કરી જો, તને બહુ મજા આવશે. આવું તેણે એક વાર નહીં અનેક વાર કહ્યું છે, પણ મારા નસીબમાં જ નહીં કે હું એ ભજિયાં ટેસ્ટ કરી શકું. જોકે આ વખતે મારું નસીબ ઊઘડી ગયું. બન્યું એમાં એવું કે હમણાં મહિલા મંડળ માટે અમારા નાટક ‘બે અઢી ખીચડી કઢી’નો શો પ્રબોધન ઠાકરેમાં હતો. બપોરે ત્રણ વાગ્યાનો શો અને છ વાગ્યે પૂરો. સાડાછ થતાં સુધીમાં તો મેકઅપ-બૅકઅપ ઉતારીને હું અને મારા સાથી કલાકાર સૌનિલ દરૂ અને કૌશાંબી ભટ્ટ રવાના થયાં ઘર તરફ. હજી તો ગાડી સહેજ આગળ ચાલી હશે ત્યાં તો વરસતા ઝરમર વરસાદે મારી અંદરના બકાસુરને જગાડ્યો અને મને મન થયું ભજિયાંનું. જેવું મન થયું કે તરત મને યાદ આવી ગઈ શરદ શર્માએ કહી હતી એ પેલી ભજિયાંની દુકાન. મેં તો ડ્રાઇવરને કહીને ગાડી વળાવી પ્રેમનગર તરફ અને સાથે સૌનિલ-કૌશાંબીને પૂછી પણ લીધું કે આ ઝરમર વરસાદ વચ્ચે તમને ગરમાગરમ ભજિયાં ખવડાવું તો કેવું?

તે બેઉ પણ રાજીના રેડ, બ્લુ, યલો થઈ ગયાં અને અમારી ગાડી વધી આગળ પ્રેમનગરની એમસીએફ ક્લબ તરફ જવા. આ જે આખો એરિયા છે એ બોરીવલી-વેસ્ટ છે. મંડપેશ્વર સિવિક ફેડરેશન જિમખાનાને હવે બધા એમસીએફ ક્લબના શૉર્ટ ફૉર્મથી જ ઓળખે છે. આ ક્લબથી તમે જરાક આગળ આવો એટલે ચાર રસ્તા આવે. એમાં જમણી બાજુએ એટલે કે ક્લબની સામેની બાજુએ એક ઝુણકા ભાકરનો સ્ટૉલ છે (જ્યાં ઝુણકા ભાકર ક્યારેય મળતાં નથી). એ સ્ટૉલની બાજુમાં આ ભજિયાવાળો બેસે છે. એનું કોઈ નામ નથી અને આ ભાઈ બોલ્યે જરા તોછડા પણ છે; પણ સાહેબ, શું ભજિયાં બનાવે છે?! ભજિયાં સામે એ ભાઈની તીખી જીભ પણ સ્વીકાર્ય.

તેમની સાથે વાત કરતાં ખબર પડી કે એ ભાઈ જૂનાગઢના છે અને એ જ કારણ છે કે તેમના હાથે બનતાં ભજિયાંમાં ગુજરાતનાં અને ખાસ તો કાઠિયાવાડનાં ભજિયાંનો સ્વાદ ભળેલો છે. તમને યાદ હોય તો થોડા વખત પહેલાં અમદાવાદમાં મળતાં મયૂરનાં ભજિયાંની ફૂડ-ડ્રાઇવ આપણે કરી હતી. એ મયૂર ભજિયાંના માલિકો પણ જૂનાગઢ એટલે કે કાઠિયાવાડના. આ કાઠિયાવાડી માણસોની એક ખાસિયત છે. એ લોકોની જીભ સહેજ બરછટ હોય, પણ દિલમાં કશું હોય નહીં. બસ, સાંભળવામાં સહેજ કર્કશ લાગે એટલું જ. જો તમે તેમની જરા વધારે નજીક રહો તો સમજાઈ જાય કે એ માત્ર જીભનો જ વાંક છે, માણસ તો નર્યો ભોળો છે. ઍનીવે, વાત કરીએ ભજિયાંની.

મયૂર ભજિયાવાળાની સ્ટાઇલથી જ અહીં ભજિયાં બનાવે છે. આપણાં જે ભોપળાં મરચાં હોય એ આખેઆખાં લેવાનાં અને પછી એ ચીરીને અંદરથી બધાં બી કાઢી નાખવાનાં અને એમાં બટાટાનું પૂરણ ભરવાનું. બટાટાના આ પૂરણમાં ભાત-ભાતના મસાલા નાખ્યા હોય. આખા ધાણા પણ હોય અને આખું જીરું પણ આવી જાય. દળેલી સાકર હોવાને લીધે એ પૂરણ સ્વાદે સહેજ ગળચટ્ટું અને સહેજ તીખું પણ હોય. બ્રાઉન કલરનું દેખાતું એ પૂરણ ભર્યા પછી એ મરચાંને ચણાના લોટમાં ઝબોળીને એને આખેઆખાં તળી નાખે. આ જ રીતે બટાટાનાં ભજિયાં પણ બને. બટાટા પરથી છાલ ઉતારીને એની ચાર ચીરી કરવાની અને એ પછી એમાં પૂરણ ભરે અને ત્યાર પછી એને ચણાના લોટમાં ઝબોળીને આખેઆખું તળી નાખે. આ જ રીતે ટમેટાનાં ભજિયાં પણ બને. ટમેટામાંથી અંદરનો ગર કાઢી એમાં પૂરણ ભરે અને પછી એને ચણાના લોટમાં ઝબોળીને તળે.

ભજિયાંની સાથે તીખી અને મીઠી ચટણી અને શું સ્વાદ સાહેબ, અદ્ભુદ. ખાતી વખતે તમને એમ જ થાય કે તમે મયૂરનાં ભજિયા ખાઈ રહ્યા છો. સવારના સમયે આ જ ભાઈ વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી અને એવુંબધું બનાવે છે તો સાંજે સાડાચાર વાગ્યા પછી અહીં ભજિયાં મળે છે. બહુ મજા આવી ગઈ. જોકે એ મજા વચ્ચે પણ મારી એક નાનકડી ફરિયાદ તો છે જ. એ ભાઈ આ ગરમાગરમ ભજિયાં આપણા ન્યુઝપેપરના કાગળિયામાં આપે છે. તમે જ વિચારો કે ગરમ અને તળેલી વસ્તુ પેલા ઇન્કવાળા પેપરમાં મળે તો એ કેમિકલયુક્ત ન્યુઝપેપરની ઇન્ક પેટમાં જ જવાનીને. આવું આપણે ત્યાં મોટા ભાગના ફેરિયાઓ કરે છે. ભેળ પણ મૅગેઝિનના કાગળિયામાં આપે અને વડાપાઉં કે સમોસા પણ છાપાની પસ્તીમાં આપે.

ગુજરાતમાં આ બાબતમાં સુખ છે. ગુજરાતમાં સરકારી ઑર્ડર જ છે કે ખાવા-પીવાની ચીજવસ્તુ પ્લેન પેપરમાં જ આપવાની. એ લોકો તો ચટણી પણ પેપર પર મૂકતા પહેલાં નાનકડો પ્લાસ્ટિકનો ટુકડો મૂકે અને એના પર ચટણી નાખીને આપે, જેને કારણે ચટણી કાગળ પર શોષાતી નથી અને પ્લેટમાં રેલાતી પણ નથી. હું આપણા મ્યુનિસિપલ કૉર્પોરેશનને પણ કહીશ કે ખાણી-પીણીની ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓને ખાસ કહો કે પ્લેન પેપર વાપરે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર અવળી અસર ન થાય. બાકી, મારે એટલું તો કહેવું જ પડે કે જે ભજિયાં મળે છે એ અદ્ભુત છે. તમને કાઠિયાવાડનાં ભજિયાંની યાદ દેવડાવી દેશે એ નક્કી. ધારું છું કે તેને ત્યાં સવારે મળતા ગાંઠિયા પણ કાઠિયાવાડ જેવા જ અવ્વલ દરજ્જાના હશે, પણ એ માત્ર મારી ધારણા છે. બાકી ભજિયાંમાં આપણી ગૅરન્ટી છે.

Sanjay Goradia mumbai food borivali