15 December, 2022 05:31 PM IST | Ahmedabad | Sanjay Goradia
ઑથેન્ટિક આલૂમટર સૅન્ડવિચ ખાવી છે?
આ વખતે પણ આપણે વાત કરવાની છે અમદાવાદની જ આઇટમની.
અમદાવાદમાં સૅન્ડવિચ બધી જગ્યાએ બહુ મળે છે. ફૂડની દરેક પંદરમી દુકાને સૅન્ડવિચ મળતી હોય. તમને એક વાત કહું, આપણે ત્યાં જે મસાલા ટોસ્ટ મળે છે એનું જનક અમદાવાદ છે. દશકાઓ પહેલાં અમદાવાદમાં આલુમટર સૅન્ડવિચ શરૂ થઈ, જે બહુ જ પૉપ્યુલર થઈ એટલે બીજા લોકોએ પણ બનાવવાનું શરૂ કર્યું અને એ પછી સમય જતાં એના સ્વાદમાં અખતરા થતાં-થતાં આજની આ મસાલા ટોસ્ટ બની, પણ જો તમારે હજુ પણ ઓરિજિનલ આલુમટર સૅન્ડવિચ ખાવી હોય તો અમદાવાદ જવું પડે અને એમાં પણ જવું પડે તમારે વી. એસ. હૉસ્પિટલની સામેની ગલીમાં આવેલી પોપટલાલ સૅન્ડવિચ ઍન્ડ મસ્કાબનની જગ્યાએ.
વર્ષો પહેલાં પોપટકાકાએ આ સૅન્ડવિચની શરૂઆત કરી હતી, આજે પણ તેમને ત્યાં સ્વાદ એ જ છે જે ઓરિજિનલ ટેસ્ટ હતો. આ પોપટલાલની સૅન્ડવિચની મને ખબર કેમ પડી એ વાત કહું.
મારી એક ગુજરાતી ફિલ્મ છે, ‘ચાર ફેરાનું ચકડોળ’, જે હવે રિલીઝ થશે. આ ફિલ્મના અમારા કો-પ્રોડ્યુસર ધ્રુવને કારણે મને પોપટલાલની ખબર પડી. બન્યું એમાં એવું કે એક વાર મને શૂટિંગ પર લેવા માટે ધ્રુવ હોટેલ પર આવ્યો. ગાડીમાં હું બેઠો અને મારી નજર બાજુમાં પડેલી સફેદ કલરની પ્લાસ્ટિકની થેલી પર પડી. મેં પૂછ્યું કે આમાં શું છે તો તેણે મને કહ્યું, ‘પોપટકાકાની સૅન્ડવિચ છે.’
નામ સાંભળીને મને નવાઈ લાગી એટલે વધારે પૂછ્યું તો ધ્રુવે મને સમજાવ્યું કે હું નાનો હતો ત્યારથી આ સૅન્ડવિચ ખાઉં છું. મને એમની સૅન્ડવિચ બહુ ભાવે છે.
આ વાત મારા મનમાં રહી ગઈ અને પછી જ્યારે વેબસિરીઝના શૂટિંગ માટે મેં અમદાવાદમાં ધામા નાખ્યા ત્યારે પહોંચી ગયો હું પોપટલાલની સૅન્ડવિચ ખાવા. નસીબજોગે મારી હોટેલથી આ જગ્યા માત્ર બસ્સો મીટરના અંતરે એટલે હું તો એક બપોરે લંચ સ્કિપ કરીને પહોંચી ગયો પોપટલાલની સૅન્ડવિચ ખાવા.
સૌથી પહેલાં મેં મગાવી આલુમટર વેજ સૅન્ડવિચ. શું હોય છે આમાં એ વાત કહું. બાફેલાં બટેટાં અને લીલા વટાણાને એકદમ ક્રશ કરી એનો માવો બનાવે અને પછી એમાં બધા મસાલા નાખે, જેમાં સહેજ ગળપણ પણ હોય. તૈયાર થયેલા આ માવાને બ્રેડ ઉપર બટર અને ચટણી લગાવી મૂકે અને ઉપરથી કાકડી, ટમેટાં, બીટ, કાંદાની સ્લાઇસ મૂકી તમને આપે. મજા પડી જાય એવો ટેસ્ટ. આલુમટરનો જે માવો હતો એ અદ્ભુત હતો પણ એની ઉપર ગોઠવેલાં જે બધાં વેજિટેબલ્સ હતાં એ પેલાં માવાને કૉમ્પ્લિમેન્ટ્ કરતાં હતાં. સૅન્ડવિચ સાથે મળતી ગ્રીન ચટણીની તીખાશ પણ અદ્ભુત હતી. એ લોકો ખાલી અમૂલ બટર જ વાપરે છે. અમૂલ બટરનો સ્વાદ પણ એમાં હતો.
મને મજા આવી ગઈ. પોપટલાલની સૅન્ડવિચ ખાધા પછી મને સમજાયું કે ધ્રુવ કેમ આનાં આટલાં વખાણ કરતો હતો.
પોપટલાલને ત્યાં જાત-જાતની સૅન્ડવિચ મળે છે. વેજ, આલુમટર, આલુવેજ મિક્સ જે મેં ખાધી અને એવી બીજી અનેક સૅન્ડવિચ. ભાવ પણ રીઝનેબલ, ચાલીસથી લઈને સો રૂપિયાની આસપાસ. અરે હા, અમદાવાદમાં એક નવી જમાત પણ હમણાં જન્મી છે જે ચૉકલેટ સૅન્ડવિચ પણ ખાય છે. કેવી રીતે સૅન્ડવિચ સૅન્ડવિચ ખાઈ શકાય એ મને હજુ પણ સમજાતું નથી, પણ લોકો ખાય છે એટલે જ બનાવતા હશે. બીજી પણ એક ખાસ વાત કહું. સ્લાઇસ સૅન્ડવિચ. એમાં કેવું હોય ખાઇ લીધા પછી આપણે ભૈયા પાસે સ્લાઇસ માગતાં હોઈએ, પણ અમદાવાદમાં તો એ લોકોએ સ્લાઇસ વેચવાની જ ચાલુ કરી દીધી. બટર, ચટણી સ્લાઇસ, જૅમ, ચીઝ, ચીઝ-જૅમ અને એવી અનેક વરાઇટી હોય. પોપટલાલને ત્યાં મેં જે સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્લાઇસ જોઈ એ સીંગ-સેવ સ્લાઇસ.
બ્રેડની સ્લાઇસને ચારે બાજુથી કાપી એના પર અમૂલ બટર અને લીલી ચટણી લગાડે અને પછી ઉપર સહેજ ગળપણ અને તીખાશવાળી જે મસાલા સિંગ હોય એ નાખી સિંગ ઉપર સેવ પાથરીને તમને આપે. સ્લાઇસની સૉફ્ટનેસ અને સીંગ-સેવની ક્રન્ચિનેસ.
આ પણ વાંચો : ખરેખર એક નંબર
આહાહાહા...
ભૂલતા નહીં, આ નવો ટેસ્ટ કરવાનું. ઘરે જાતે તો ટ્રાય કરી જ શકો છો, પણ જો એક વાર પોપટલાલને ત્યાં જઈને ટેસ્ટ કર્યો હશે તો સ્વાદનું બૅરોમીટર સમજાઈ જશે.