કાઠિયાવાડીઓ પણ લાજે એવાં ફાફડા-જલેબી અમદાવાદી મહેતા બનાવે છે

01 December, 2022 04:25 PM IST  |  Ahmedabad | Sanjay Goradia

એક સમયે મહેતા ચવાણાની સોળ બ્રાન્ચ હતી, પણ ક્વૉલિટીની બાબતમાં સતત ટેન્શન રહેતું હોવાથી મહેતાભાઈઓએ જ ઓછું મહત્ત્વ ધરાવતી બ્રાન્ચ બંધ કરીને માત્ર ચાર બ્રાન્ચ કન્ટિન્યુ કરી

હું અને મારી સાથે મહેતા ચવાણાના નવી જનરેશનના માલિક દીપેન મહેતા.

ગયા ગુરુવારે આપણે વાત કરી અમદાવાદના ઇસ્કૉનનાં ફાફડા-જલેબી અને ગોટાની. એ પછી મને બહુ બધા મેસેજ અને મેઇલ આવ્યાં કે ગુજરાત ગયા છો તો પેટ ભરીને ફાફડા ખાજો. એ વાંચીને મને થયું કે હું તો એ ખાઈશ જ, પણ ચાલો, તમને બધાને પણ આસ્વાદ કરાવતો રહું અને એમાંથી મને ગાંઠિયાની એક સિરીઝ કરવાનો વિચાર આવ્યો. આમ પણ આપણા મુંબઈમાં ગુજરાત જેવાં ફાફડા-જલેબી મળતાં નથી અને વણેલા ગાંઠિયા તો ભાગ્યે જ જોવા મળે તો સાથોસાથ ફાફડા સાથે ગુજરાતમાં આપવામાં આવતી કઢી, પપૈયાનો સંભારો, ચટણી અને મરચાં જેવી ઇતર વરાઇટી પણ ક્યાંય જોવા મળતી નથી. અફકોર્સ, કાંદિવલી-બોરીવલી બાજુએ એક-બે જણ બનાવે છે, પણ આપણે સ્વીકારવું જ રહ્યું કે ગુજરાતની તોલે તો ન જ આવે. 
ગુજરાતમાં પણ જે ફાફડા-જલેબી અને આગળ કહ્યું એમ, ઇતર વરાઇટીના જે બાદશાહો છે એ બધા પણ પાછા છે તો મૂળ સૌરાષ્ટ્રના જ. કોઈકના બોર્ડ પર તમને મોરબીવાળા વંચાય તો કોઈને ત્યાં પોરબંદરવાળા અને કોઈમાં તમને જૂનાગઢવાળા વાંચવા મળે. ગયા વીકના જે ઇસ્કોન ગાંઠિયાની વાત કરી એના બોર્ડ પર જૂનાગઢવાળા લખ્યું છે, પણ હા, મારે કહેવું પડશે કે આજે આપણે અમદાવાદવાળાની વાત કરવાના છીએ.

હા, અમદાવાદના મહેતા ચવાણાની.

પાલડી જતાં પહેલાં વી. એસ. હૉસ્પિટલ આવે, જેની આજુબાજુમાં ઘણી દુકાનો છે, એ જ દુકાનોમાં મેં આ બોર્ડ જોયું હતું અને ત્યારથી મને મન હતું કે એક વખત ત્યાં જવું છે. આ વખતે થયું કે અમદાવાદમાં જ છું, સમય પણ છે અને ગાંઠિયા સિરીઝ પણ કરવી છે તો ચાલો શૂટિંગમાં બ્રેક હોય એ દિવસે જઈ આવીએ મહેતા પાસે. 

હવે તો વી. એસ. મેડિકલની બાજુની આ નાનકડી જે દુકાન હતી એને રીડેવલપ કરી મોટું બિલ્ડિંગ બનાવ્યું છે અને આ સિવાય પણ તેમને અમદાવાદમાં વિજય ચાર રસ્તા, મણિનગર અને નારણપુરા એમ બીજી ત્રણ બ્રાન્ચ છે. 

હું તો ગયો હતો વિજય ચાર રસ્તાવાળી બ્રાન્ચ પર. ત્યાં જઈને મેં ફાફડા-જલેબીનો ઑર્ડર આપ્યો અને મિત્રો, મજા મજા પડી ગઈ. મેથીના ગોટામાં એ લોકો મેથીની ભાજી સહેજ વધારે નાખે છે, પણ જો તમે કઢી ચટણી વધારે લો તો એ જે બીટરનેસ છે એનો સ્વાદ બદલાઈ જાય છે અને બીજાના ગોટા કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે. 

ફાફડા-જલેબી અને ગોટા પછી પણ જો હું મહેતામાં મળતાં ચવાણાની વાત ન કરું તો મારી અંદરનો બકાસુર લાજે સાહેબ.

શું અદ્ભુત ચવાણું હતું. સવારે ચા સાથે મળે કે બપોરે જમવામાં નાની વાટકીમાં ચવાણું મળી ગયું હોય તો આખા જમણની વાત બદલાઈ જાય. જો તમને જમવામાં પાપડ જોઈતા જ હોય અને તમને પાપડને બદલે આ ચવાણું આપી દે તો તમારી પાપડની આદત કાયમ માટે નીકળી જાય.

મહેતા ચવાણાની આ દુકાન ૬૬ વર્ષ જૂની છે. શરૂઆત કરી નરોડામાં આવેલા ચામુંડા બ્રિજ પાસેથી. એ સમયે ત્યાં બ્રિજ નહોતો પણ પછી બ્રિજ બન્યો અને દુકાન કપાતમાં ગઈ એટલે આવી ગયા વી. એસ. મેડિકલ પાસે. એક સમયે તેમની અમદાવાદમાં સોળ બ્રાન્ચ ચાલતી હતી, પણ પછી ક્વૉલિટીની બાબતમાં ટેન્શન રહેતાં તેમણે જ ઓછી ચાલતી કે પછી કન્ટ્રોલમાં ન રહેતી બ્રાન્ચનું પૅકઅપ કરવાનું શરૂ કરી, હવે ચાર બ્રાન્ચ રાખી છે. મજાની વાત એ છે કે આ મહેતાઓ કાઠિયાવાડી નથી અને એ પછી પણ કાઠિયાવાડીઓને શરમાવે એવાં ફાફડા-જલેબી અને વણેલા ગાંઠિયા બનાવે છે. આ જે હથરોટી છે એ મા અન્નપૂર્ણાના આશીર્વાદ સિવાય આવે જ નહીં એ આપણે સ્વીકારવું જ રહ્યું.

જ્યારે પણ અમદાવાદ જવાનું બને ત્યારે મહેતા ચવાણામાં અચૂક જજો અને ચવાણું તથા ફાફડા-જલેબીનો ટેસ્ટ કરજો. તમે પણ મારી વાત સ્વીકારશો.

Sanjay Goradia ahmedabad life and style