મલાઈ મખ્ખન : કાનાને ભાવતી આઇટમ સાઇડલાઇન કેમ થાય?

12 January, 2023 05:08 PM IST  |  Mumbai | Sanjay Goradia

જો કૃષ્ણને કોઈ વરાઇટી ભાવતી હોય તો એ મલાઈ મખ્ખન નામની આ સ્વીટ છે. અદ્ભુત સ્વાદ અને એટલી જ સુપર્બ નરમાશવાળી આ વરાઇટી મેં લખનઉના ચોકબજારમાં ટેસ્ટ કરી અને સાહેબ, જન્નત મારી જીભ પર આવીને બેસી ગયું

મલાઈ મખ્ખન : કાનાને ભાવતી આઇટમ સાઇડલાઇન કેમ થાય?

આજે આપણી લખનઉની ફૂડ ડ્રાઇવનો છેલ્લો દિવસ છે. નૉર્થ ઇન્ડિયા ફૂડના રાજાઓ માટે સ્વર્ગ સમાન છે અને એ સ્વર્ગમાંથી હું તમારા માટે ત્રણ જ વરાઇટી લાવ્યો એ વાતનું મને દુઃખ છે પણ અત્યારે મને આપણા વડીલોના શબ્દો યાદ આવે છે. 

ગમતા શહેરમાં પાછા જવું હોય તો ત્યાંનાં એકાદ-બે સ્થળ જોયા વિનાનાં અને એકાદ-બે વરાઇટી ટેસ્ટ કરવાની બાકી રાખી દેવાની. ઉપરવાળો તમને ક્યારેક અને ક્યારેક તો ત્યાં પાછા લઈ જ જશે.

લખનઉમાં વધુ આઇટમ સુધી પહોંચી ન શક્યો એનો મને અફસોસ થાય ત્યારે આ શબ્દો હું યાદ કરી લઉં છું અને મનનો ભાર હળવો જઈ જાય છે. ઍનીવેઝ, મનનો ભાર હળવો થયા પછી હવે નવી આઇટમ ટ્રાય કરીને શરીરનો ભાર થોડો વધારીએ.

હા, શરીરનો ભાર વધારે એવી જ આઇટમ આ વખતની ફૂડ ડ્રાઇવમાં છે, એનું નામ છે મલાઈ મખ્ખન. દૂધની બનેલી આઇટમ આમ પણ મને ખૂબ ભાવે એટલે મારા જેવા માટે તો આ છપ્પનભોગ જેવી ગણાય. આ મલાઈ મખ્ખન માટે એવું કહેવાય છે કે મોહનથાળ પછી જો કૃષ્ણ ભગવાનને કોઈ મીઠાઈ ભાવતી હોય તો એ આ છે.

આ પણ વાંચો :  હરદયાળની બાસ્કેટ ચાટ એટલે ત્રણ ચાટનું એકમાં કૉમ્બિનેશન

દોઢસો વર્ષથી આ મલાઈ મખ્ખન લખનઉના ચોકબજારમાં વેચાય છે. લખનઉનું આ ચોકબજાર જુઓ એટલે તમને આપણું ભુલેશ્વર કે પછી અમદાવાદનો માણેક ચોક યાદ આવ્યા વિના રહે નહીં. ચોકબજારમાં સેંકડો લોકો ખુમચા લઈને બેઠા હોય. અલગ-અલગ વસ્તુઓ મળતી હોય અને એમાં આ મલાઈ મખ્ખન પણ એક હોય. ચોકબજારમાં અઢળક લોકો મલાઈ મખ્ખન વેચે છે અને બધાનો સ્વાદ ઑલમોસ્ટ સરખો છે. મલાઈ મખ્ખનમાં બે પ્રકાર છે. એક તો રેગ્યુલર અને બીજી કેસર સાથે. બન્નેમાં બદામ-પિસ્તાં ઉપરથી ભભરાવીને આપે અને ચાંદીનો વરખ પણ લગાવે. આ ચાંદીનો વરખ જે છે એને જૈનો ખાતા નથી. મને થતું કે આમાં તો શું નૉનવેજ કહેવાય એટલે મેં પૂછપરછ કરી હતી તો ખબર પડી કે વરખ નૉનવેજ નહીં, પણ એ બનાવવાની રીત નૉનવેજ છે. ચાંદીના વરખ બનાવવા માટે તાજું ચામડું વપરાય છે. બે ચામડાં વચ્ચે પાતળી ચાંદીને પાથરી પછી એને ટીપવામાં આવે અને એમ વરખ બને એટલે આ ચાંદીના વરખને ત્યજવામાં આવ્યો છે.

આપણે ફરી આવીએ મલાઈ મખ્ખન પર. આ વરાઇટી કેમ બને એ તમને કહું. દૂધને અતિશય ઉકાળી એકદમ ઘટ્ટ બનાવ્યા પછી એ દૂધમાં સહેજ બેકિંગ સોડા નાખે અને પછી એને ચમચીથી એકધારું ફેંટવાનું. ફેંટાવાને લીધે દૂધની ઉપરની સાઇડ ઉપર એકદમ ઘટ્ટ એવું ફોમ તૈયાર થાય અને નીચે મલાઈ હોય. આ જ મલાઈ મખ્ખન. પણ હા, હું કહીશ કે નૉર્થમાં મળતું મલાઈ મખ્ખન અન્ય જગ્યાએ મળતા મલાઈ મખ્ખન કરતાં વધારે ટેસ્ટી છે, જેના માટે હું જશ આપીશ લોકલ પાણીને. પાણી બહુ મહત્ત્વની કમાલ કરે છે. તમે જ જુઓ, રાજકોટના પેંડા. આમ જોઈએ તો એમાં દૂધ અને સાકર સિવાય બીજું કશું નથી અને એ પછી પણ તમે મુંબઈમાં એવા પેંડા બનાવી નથી શકતા. સુરતનાં ખમણ, લોચો, અમદાવાદનાં દાળવડાં, ભરૂચનું હલવાસન અને આવાં તો અનેક ઉદાહરણો છે.

મલાઈ મખ્ખન નૉર્થનાં મોટા ભાગનાં શહેરોમાં હવે મળે છે. કહેવાય છે કે એનું સાચું જનક મથુરા અને એ પછી આ વરાઇટી આ બધાં શહેરોમાં પહોંચી, પણ લખનઉના ચોક બજારમાં મળતા મલાઈ મખ્ખનની વાત અનોખી છે. મસ્ત સુસવાટા મારતી ઠંડી વચ્ચે મલાઈ મખ્ખનનું જે કૉમ્બિનેશન છે એ અવર્ણનીય છે. એક વાર અચૂક ટેસ્ટ કરજો. હું તો કહીશ, પહેલાં એ જ્યાં પણ મળતું હોય ત્યાં ટેસ્ટ કરજો અને પછી ચોકબજારમાં આવીને ચાખજો. જલસો-જલસો પડી જશે.

columnists Sanjay Goradia north india lucknow