24 November, 2022 01:11 PM IST | Mumbai | Sanjay Goradia
સો ગ્રામ ગાંઠિયા સાથે અનલિમિટેડ પપૈયાનો સંભારો, કઢી, ચટણી અને મરચાં
મારી વેબસિરીઝ ‘ગોટી સોડા’ની ત્રીજી સીઝનનું શૂટિંગ અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે. ત્રીજી સીઝન ક્યારે બને એ તો મારા સુજ્ઞ વાચકો સમજી જ ગયા હશે અને એમ છતાં ન સમજાયું હોય તો કહી દઉં કે શેમારૂની ઍપ પર ‘ગોટી સોડા’ની પહેલી બન્ને સીઝન જબરદસ્ત હિટ થઈ એટલે પછી નક્કી થયું કે આપણે હવે આ વેબસિરીઝ આગળ વધારીએ અને અમે તો આવી ગયા અમદાવાદ ત્રીજી સીઝનના શૂટિંગ માટે.
આઠ દિવસ એકધારું શૂટ કર્યા બાદ અમે એક દિવસનો બ્રેક લીધો અને એ આખો દિવસ બસ આરામમાં જ કાઢ્યો, પણ તમને ખબર છે એમ, સાંજ પડતાં મને કકડીને ભૂખ લાગતી હોય છે. અમે જે હોટેલમાં ઊતર્યા છીએ એ અમદાવાદના પાલડી વિસ્તારમાં છે અને પાલડીથી પ૦૦-૬૦૦ મીટરના ડિસ્ટન્સ પર જ ઇસ્કોન ગાંઠિયાની એક બ્રાન્ચ છે, વી. એસ. મેડિકલની બિલકુલ સામે. અમદાવાદ આવ્યા હો અને તમે ઇસ્કોનના ગાંઠિયા ન ખાઓ એ કેમ ચાલે. ઇસ્કોનમાં મેં અગાઉ ઘણી વાર ગાંઠિયા ખાધા છે, પણ એમ તો આપણે જેમનામાં શ્રદ્ધા ધરાવતા હોઈએ તેમના મંદિરે જઈએ તો પગે લાગી જ લઈએ છીએને. મારું પણ એવું જ અને એમાં પણ ખાસ વાત, ઇસ્કોનની વાત મેં તમારા સુધી પહોંચાડી નહોતી એટલે એક પંથ દો કાજ કરીને હું તો રવાના થયો ઇસ્કોન જવા અને મારી સાથે જોડાઈ અમારા પ્રોડક્શનમાં કામ કરતી ઍક્ટ્રેસ કુરાંગી ઠાકર.
પહેલી વાત, ઇસ્કોનમાં પ્રમાણમાં સસ્તા ગાંઠિયા મળે છે. પહેલાં એનો ભાવ પ૦૦ રૂપિયા હતો, જે હવે સિંગતેલના ભાવ વધતાં પ૯૦ કર્યો છે. મિનિમમ સો ગ્રામ જ ગાંઠિયા મળે એટલે સમજો કે એક પ્લેટ તમને સાઠ રૂપિયાની પડે, પણ એક ડિશમાં તમારું પેટ એવું તે ભરાઈ જાય કે તમને બીજું કશું ખાવાનું મન ન થાય. કારણ પણ કહું. ગાંઠિયાની સાથે એ લોકો ગરમાગરમ તળેલાં મોટાં મરચાં સહેજ નિમક ભભરાવીને આપે તો આ ઉપરાંત કઢી ચટણી પણ આપે, સહેજ ખટાશ અને તીખાશ ધરાવતી લીલી ચટણી આપે અને સાથે પપૈયાનો સંભારો પણ આપે. ટૂંકમાં સો ગ્રામ ગાંઠિયા સાથે એનાથી પણ વધારે વજન ધરાવતી આ બધી વરાઇટીઓ આવે અને એ પણ અનલિમિટેડ.
કઢી ચટણીનો તો ટેબલ પર જ જગ ભરેલો હોય. લીલી ચટણી અને પપૈયાના સંભારાનાં કમંડળ હોય અને મરચાંની થાળી હોય. આ બધી વરાઇટીઓ માણતાં-માણતાં સો ગ્રામ ગાંઠિયા પૂરા કરો એટલે બકાસુર મહારાજ ઓહિયાં કરીને ફરી સૂઈ જાય, પણ સાહેબ, મારાથી તો એ બકાસુરને સુવડાવાતો નથીને. મારે તો તમારા માટે ખાવાનું છે એટલે એ સતત જાગતો રહે એમાં જ સાર છે અને મેં એવું જ કર્યું.
ગાંઠિયા સાથે ગોટા અને રજવાડી ચા પણ મેં તો મગાવી લીધાં. આ બધી વરાઇટી ગરમાગરમ જ મળે. તમારે કાઉન્ટર પર જવાનું અને જે જોઈતું હોય એના પૈસા આપવાના. પૈસા આપો એટલે એ કૂપન કિચન ટેબલ પર દેખાડો એટલે એ ગાંઠિયા વણવાનું શરૂ કરે. એવું જ ગોટામાં પણ. અરે હા, ગાંઠિયા સાથે તમને જલેબી ખાવાનું મન થતું હોય તો અહીં જલેબી પણ મળે છે અને એ પણ બે પ્રકારની.
એક તેલમાં બનેલી અને બીજી શુદ્ધ ઘીમાં બનેલી. તમને જે ખાવી હોય એ ખાઓ.
ઍની વેઝ, ફરી આવી જઈએ આપણે ગાંઠિયા અને ગોટા પર.
એક પ્લેટમાં છ ગોટા આવે અને એ ખાઈને તમે ધન્ય-ધન્ય થઈ જાઓ. મેથીના ગોટાના વચ્ચેથી બે ટુકડા કરો એટલે અંદર ધરબાયેલી વરાળ એકસામટી બહાર આવે પણ એની પરવા કર્યા વિના તમારે એ ગોટાના ટુકડાને કઢીચટણીમાં ઝબોળી દેવાનો અને સીધો એ ટુકડો મોઢામાં મૂકી સહેજ દાંત બેસાડવાના અને એ પછી મોઢામાં પપૈયાનો સંભારો ઓરવાનો. ગોટાના બહારના પડની ક્રન્ચિનેસ, અંદરનો સૉફ્ટ ભાગ, કઢીચટણીની ઠંડક અને એના પર સંભારાની ભેજભરેલી કુમાશ. સાહેબ, પેટના સાતેય ખૂણે દીવા થઈ જાય. આ જ સાતેય ખૂણે હૅલોજન ત્યારે થાય જ્યારે તમે ગાંઠિયાને પણ આ જ ક્રમમાં મોઢામાં ઓરો. કઢીમાં ઝબોળેલો ગાંઠિયાનો ટુકડો, એના પર સંભારો, સંભારા પછી તરત જ લીધેલો પેલા ભોપલા મરચાનો ટુકડો અને એના પછી આંગળીના ટેરવા પર લીધેલી લીલી ચટણીને જીભ પર મૂકવાની.
એક નાનકડી લારીથી શરૂ થયેલી આ ઇસ્કોન ગાંઠિયાની સફર આજે અમદાવાદમાં અગિયાર બ્રાન્ચ સુધી વિસ્તરી ગઈ છે. સૌથી પહેલાં એસ. જી. હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર
પાસે એ લારી ઊભી રહેતી. બસ, ત્યારથી એનું નામ ઇસ્કોન ગાંઠિયા પડ્યું જે હવે એમનું ટ્રેડમાર્ક અને બ્રૅન્ડ નેમ બની ગયું છે.
ઇસ્કોનના ગાંઠિયાની અને ખાસ તો કાઠિયાવાડીઓના ગાંઠિયા પ્રેમની એટલી વાતો છે કે ધારીએ તો આપણે આખું પાનું ભરી શકીએ, પણ અત્યારે એવું નથી ધારવું. અત્યારે તમે ગાંઠિયાનો ઑર્ડર કરો એ જ પૂરતું છે. મળીએ ત્યારે આવતા ગુરુવારે એક વધુ ગાંઠિયાની વરાઇટી સાથે...