05 January, 2023 05:56 PM IST | Mumbai | Sanjay Goradia
ચાય પે ચર્ચા : સ્વાદ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ
લખનઉના હઝરતગંજ મેટ્રો સ્ટેશન પાસે આવેલી રૉયલ હરદયાળ મૌર્યના હાથની બાસ્કેટ ચાટ ખાધા પછી મારું તો પેટ ભરાઈ ગયું હતું એટલે એ રાત તો એમ જ પસાર કરી. બીજા દિવસે સવારે મેં જોયું કે હોટેલમાં બહુ મોટો બ્રેકફાસ્ટ હતો પણ સાહેબ, એ બધું કૉન્ટિનેન્ટલ, સાઉથ ઇન્ડિયન અને બીજી વરાઇટી હતી અને મને તો લખનઉનું ફૂડ ટેસ્ટ કરવું હતું એટલે મેં નક્કી કર્યું કે આપણે આ ફાઇવસ્ટાર હોટેલનો બ્રેકફાસ્ટ નથી કરવો પણ લોકલ નાસ્તો કરીએ. ઇન ફૅક્ટ, મને ફાઇવસ્ટાર હોટેલનો બ્રેકફાસ્ટ બહુ પસંદ છે અને હું તો મુંબઈમાં પણ ઘણી વાર એ બ્રેકફાસ્ટ કરવા જ ખાસ જતો હોઉં છું પણ લખનઉની વાત જુદી હતી. યુપીમાં, નૉર્થ ઇન્ડિયામાં સવારના સમયે જે બ્રેકફાસ્ટ કરવામાં આવે છે એ મારે તમારા સુધી પહોંચાડવો હતો એટલે બ્રેકફાસ્ટ ત્યજીને હું તો નીકળી ગયો બહાર.
મને ખબર હતી કે નૉર્થમાં બ્રેકફાસ્ટમાં કચોરી-છોલે કે પછી કચોરી-શાક ખાવાની પ્રથા છે. આ કચોરી જે હોય એ એક જાતની પૂરી જેવી જ હોય, એમાં મગની દાળનું પૂરણ હોય. હું તો મને મળેલી ગાડી અને ડ્રાઇવર લઈને રવાના થયો. ગાડીમાં બેસતાં જ મેં ડ્રાઇવરને કહ્યું કે તું મને સારી જગ્યાએ ચા પીવા લઈ જા.
ડ્રાઇવર લઈ ગયો શર્માજીની ચાની દુકાને. શર્માજીની ચાની દુકાન છેક બ્રિટિશરોના સમયની છે. અહીં ચા બનાવવાની રીત પણ સાવ જુદી છે. પહેલાં એ લોકો બ્લૅક ટી બનાવે અને એને ખૂબ ઉકાળે. હા, વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે અહીં ચા ગ્લાસ કે કુલ્હડમાં આપે. અહીં ચૉઇસ મળે કે તમને ગ્લાસ જોઈએ કે કુલ્હડ. કુલ્હડની સાઇઝ મોટી હોય એટલે એના પૈસા વધારે હોય. મેં તો કુલ્હડમાં ચા મગાવી.
આ કુલ્હડમાં અડધું કુલ્હડ ભરાય એટલું ઉકાળેલું દૂધ નાખે અને એની ઉપર બ્લૅક ટી નાખે. ગરમાગરમ દૂધમાં ગરમાગરમ બ્લૅક ટી. નૅચરલી કુલ્હડની ઉપર ફીણ બાઝી જાય. આ ચા તમને આપે અને સાથે બન મસ્કા અને સમોસા આપે. અરે હા, લખનઉમાં જે સમોસા છે એ આપણા ત્રિકોણાકારના સમોસા નથી હોતા, અહીં સમોસા ગોળ હોય છે જે હોય ડિટ્ટો આપણા સમોસા જેવા જ, પણ એનો આકાર જુદો હોય છે.
સમોસા એકદમ ગરમાગરમ હોય, સમોસાને વચ્ચેથી તોડો એટલે અંદરથી એક સાથે ધૂંધવાતી વરાળ બહાર નીકળે. લખનઉની કડકડતી ઠંડીમાં વરાળ નીકળતા ગરમાગરમ સમોસા. સાહેબ, મજા પડી જાય. સમોસાનું એક બાઇટ લેવાનું અને એક સિપ ચાની લેવાની. ચાનો ટેસ્ટ પણ અદ્ભુત, બહુ મીઠી નહીં અને મોળી પણ નહીં.
ચા અને સમોસા પછી મેં બન મસ્કા પર હાથ અજમાવ્યો. અહીં બનમાં સફેદ માખણ લગાડીને આપે છે અને જે બન હોય છે એ સહેજ ગળ્યા હોય છે પણ મારે કહેવું જ રહ્યું કે સફેદ માખણ બન મસ્કામાં ગેમ ચેન્જર હતું. બનની ગળાશને વાઇટ બટર ડાયલ્યુટ કરતું હતું. શું અદ્ભુત કૉમ્બિનેશન ઊભું કર્યું હતું નવાબના શહેરે. મને મજા પડી ગઈ, પણ એ મજાની સાથે મને પહેલો વિચાર આવ્યો કે દેખીતી રીતે આ ફૂડ ડ્રાઇવમાં કશું યુનિક નથી લાગતું તો મારે એના વિશે લખવું જોઈએ કે નહીં, પણ પછી મને થયું કે હા, એના વિશે વાત કરવી જોઈએ.
હકીકતમાં શર્માજીની દુકાન બહુ મોટી અને વિશાળ રીતે ફેલાયેલી છે. દિવસ દરમિયાન લોકો ગ્રુપમાં આવ્યા જ કરે અને ચાય પે ચર્ચા ચાલ્યા જ કરે. આપણે રહ્યા મુંબઈવાળા એટલે આપણે વધુ કશું નથી જાણતા પણ નૉર્થમાં પૉલિટિક્સનું ખૂબ મહત્ત્વ છે, અહીં એક ખૂણામાં બીજેપીના લોકો વાતો કરતા બેઠા હોય તો પાસે જ ઊભા રહીને સમાજવાદીઓની પણ ચર્ચા ચાલતી હોય. આ જે માહોલ છે એ સાવ અલગ જ પ્રકારનો હોય છે. અલગ-અલગ સર્કલ બન્યાં હોય અને ત્યાં વાતો ચાલ્યા જ કરતી હોય. મેં એ વાતોમાં ભાગ લીધો નહોતો પણ હા, ગોળ સમોસા અને બન મસ્કા ખાતાં-ખાતાં એ વાતો માણી બહુ. એ વાતોમાં કોની વાતો સૌથી વધારે થતી હતી એ આપણી ફૂડ ડ્રાઇવનો સબ્જેક્ટ નથી એટલે એમાં પડ્યા વિના જ કહીશ કે જો લખનઉ જવાનું બને તો દેશની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે એ જાણવા અને નવી રીતે બનતી ચાને કુલ્હડમાં પીવા માટે પણ શર્માજીની ચાય કી દુકાન પર પહોંચી જજો.
સ્વાદ અને જ્ઞાન બન્નેમાં વૃદ્ધિ થશે એની ગૅરન્ટી મારી.