સાદામાં સાદી વરાઇટી એવાં ઢોકળાં અને એનું નેક્સ્ટ લેવલ

09 February, 2023 03:54 PM IST  |  Mumbai | Sanjay Goradia

કારણ કે મલાડ, કાંદિવલી, બોરીવલીનો દરેક ગુજરાતી રાજુભાઈ અને તેમનાં ફ્યુઝન ઢોકળાંને ઓળખતો જ હોવો જોઈએ એવું હું માનું છું

સાદામાં સાદી વરાઇટી એવાં ઢોકળાં અને એનું નેક્સ્ટ લેવલ

તમે સમજી જ ગયા હશો કે કાંદિવલીના એમ.જી. રોડ પર આવેલી રાજુભાઈ ઢોકળાવાળાની વાત ચાલે છે અને ધારો કે તમે મ-કા-બો આઇલૅન્ડમાં રહેતા હો અને હજી ન સમજ્યા હો સાહેબ તો તમે ગુજરાતી નથી; કારણ કે મલાડ, કાંદિવલી, બોરીવલીનો દરેક ગુજરાતી રાજુભાઈ અને તેમનાં ફ્યુઝન ઢોકળાંને ઓળખતો જ હોવો જોઈએ એવું હું માનું છું

ઢોકળાં તો કોઈ પણ બનાવે, પણ કાંદિવલીના એમ. જી. રોડ પર આવેલા રાજુભાઈ ઢોકળાવાળા જેવા કોઈ ન બનાવી શકે અને આ ચૅલેન્જ રાજુભાઈ આપે કે નહીં પણ તેમના વતી હું આપું છું. રાજુભાઈ ઢોકળાવાળાને ત્યાં આપણી ફૂડ ડ્રાઇવ પહોંચી કેવી રીતે એની પહેલાં વાત કરું.

બે વીક પહેલાં અમારી ગુજરાતી રંગભૂમિની ક્રિકેટ ટુનાર્મેન્ટ હતી, થિયેટર પ્રીમિયર લીગ. આપણું ‘મિડ-ડે’ પણ એમાં મીડિયા-પાર્ટનર હતું. કુલ અગિયાર ટીમ અને એમાંથી ત્રણ લેડીઝ ટીમ. આ ટીમમાં રમતાં પ્લેયર તો ગ્રાઉન્ડ પર આવે જ પણ આખો દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ જોવા માટે અઢળક કલાકારો પણ આવ્યા જ. ગ્રાઉન્ડ પર જે કોઈ આવે તેમને ચા-કૉફી, નાસ્તા-પાણી, લંચ-ડિનર બધું ફ્રી હતું એટલે જ્યારે ઘરેથી રવાના થયો ત્યારે મનમાં હતું કે ગ્રાઉન્ડ પર જઈને નાસ્તો કરી લઈશ પણ ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી મારી અંદરનો પેલો ફૂડ-ડ્રાઇવનો ડ્રાઇવર જાગ્યો. મને થયું કે સમય મળ્યો છે તો અહીં નાસ્તો કરવાને બદલે ચાલો, તમારા માટે સરસ ફૂડ-ટિપ લઈ આવું.

મેં મારા કઝિન અને નાટકોના પ્રોડ્યુસર વિશાલ ગોરડિયાને કહ્યું કે મારી મૅચને હજી વાર છે તો કોઈ સરસ જગ્યાએ મને નાસ્તા માટે લઈ જા. વિશાલ મને લઈ ગયો કાંદિવલીના એમ. જી. રોડ પર આવેલા રાજુભાઈ ઢોકળાવાળાને ત્યાં.

જાહેર રજાનો દિવસ હતો એટલે રાજુભાઈને ત્યાં ખૂબ ભીડ. આ જે રાજુભાઈ છે એ દસકાઓથી ઢોકળાના બિઝનેસમાં તો ખરા પણ તેમણે ઢોકળાંને એક નવું જ રૂપ આપ્યું છે. અહીં તમને રેગ્યુલર કહેવાય એવાં પેલાં સફેદ ખાટાં ઢોકળાં, ખમણ ઢોકળાં અને મૂઠિયાં જેવી બેઝિક આઇટમ તો મળે જ પણ એ સિવાય પણ તમને ઢોકળાંની અનેક જાતની નવી વરાઇટીઓ પણ મળે. મારે તો નવું જ ટ્રાય જ કરવું હતું એટલે મેં આપ્યો ઑર્ડર દાબેલી ઢોકળાંનો. 

આ પણ વાંચો :કચ્છનો આસ્વાદ બોરીવલીના આંગણે

આ દાબેલી ઢોકળાંમાં બે ખમણ વચ્ચે દાબેલીનું પૂરણ હતું પણ પૂરણમાં બટેટા નહીં, દાબેલીમાં જે મસાલાની સ્વીટ ચટણી હોય એ નાખેલી હતી. સૅન્ડવિચ જેવી બની ગયેલી આ વરાઇટીના બે ચીરા કરી એના પર કોપરું, કોથમીર અને દાબેલીમાં જે મસાલા સિંગ હોય એ ભભરાવી હતી. અદ્ભુત ટેસ્ટ હતો. ઢોકળાની સાથે દાબેલીની ગળી ચટણીનો ટેસ્ટ પણ અને દાબેલીનો ટેસ્ટ પણ. અરે હા, તમને એ કહેવાનું તો રહી ગયું કે હવે બજારમાં દાબેલી મસાલા રેડી મળે છે એટલે જો તમારે ઘરે દાબેલી બનાવવી હોય તો આ મસાલો વાપરશો તો બહારની દાબેલી જેવો જ સ્વાદ આવશે.

રાજુભાઈને ત્યાં મળતાં પીત્ઝા ઢોકળાં પણ બહુ સરસ છે. ઢોકળાંની ઉપર પીત્ઝાનો સૉસ હોય અને એની ઉપર ચીઝ અને ચિલી ફ્લેક્સ નાખીને તમને આપે. આ ઉપરાંત મગની દાળનાં ભજિયાં પણ હતાં, જેમાં સાથે પ્યૉર ફુદીનાની ચટણી આપે. આપણે ઠંડાઈ તો જોઈ જ હોય પણ રાજુભાઈને ત્યાં મેં ઠંડાઈની બરફી જોઈ તો મેં પહેલી વાર અહીં પાલકની બેબી ઇડલી પણ જોઈ છે. આ જે પાલક ઇડલી છે એ સીધી જ આપવામાં નથી આવતી, એની ઉપર રાઈનો વઘાર પાથરીને આપે. ઇન્વેન્શનની બાબતમાં રાજુભાઈ ખરેખર બધાના બાપ છે એ તો સૌકોઈએ સ્વીકારવું જ રહ્યું.

ઢોકળા સિવાયની વાત કરું તો રાજુભાઈને ત્યાં સીઝનમાં ઊંધિયું પણ મળે છે અને ઉનાળાના દિવસોમાં રસપૂરી પણ જમાડે છે. ઢોકળાં તો બારેમાસ મળે તો રાજુભાઈના પાપડી ગાંઠિયા પણ બહુ વખણાય છે. પાપડી સાથે તળેલાં મરચાં અને પપૈયાનો સંભારો. મારા જેવા બકાસુર માટે તો આ રાજુભાઈ ઢોકળાવાળાની દુકાન એટલે સ્વાદોત્સવનું સરનામું. ખાંડવી પણ સરસ હોય છે તો તમને કહ્યું એમ, ફ્યુઝન ઢોકળાંમાં તો એની તોલે કોઈ આવે એમ નથી. સામાન્ય રીતે હું એવું કહેતો હોઉં છું કે એ બાજુ જાઓ તો ફલાણી આઇટમ ટ્રાય કરજો પણ ના, રાજુભાઈ માટે હું કહીશ કે ખાસ ટાઇમ કાઢીને કાંદિવલી જાઓ અને કોઈ પણ વરાઇટી ટેસ્ટ કરો, તમને જલસો જ જલસો થઈ જશે એ ગૅરન્ટી હું આપું છું. પણ હા, જો શક્ય હોય તો ફ્યુઝન ઢોકળાં ટેસ્ટ કરજો. ખરેખર, તમને થઈ આવશે કે સામાન્યમાં સામાન્ય ડિશ કહેવાય એવાં ઢોકળાંને રાજુભાઈએ કયા લેવલ પર પહોંચાડી દીધાં છે.

જાઓ, પહોંચી જાઓ રાજુભાઈને ત્યાં. આજે જ, અત્યારે જ.

life and style Sanjay Goradia columnists kandivli Gujarati food