30 November, 2024 12:02 PM IST | Mumbai | Darshini Vashi
રાજુ સૅન્ડવિચ સ્ટૉલ
ઑફિસ ગોઅર્સ, ટૂરિસ્ટો અને સ્ટુડન્ટ્સથી આખો દિવસ ગીચોગીચ રહેતા એવા ચર્ચગેટમાં ગલીએ-ગલીએ ખાઉગલી ઊભી થઈ ગઈ છે એટલું જ નહીં, રેસ્ટોરાં અને હોટેલ પણ ઠેરઠેર જોવા મળે છે એવી પરિસ્થિતિમાં લગભગ દાયકા કરતાં પણ વધારે સમયથી એક જ જગ્યાએ ટકી રહેવું અને ગ્રાહકોને સ્વાદથી બાંધી રાખવા કોઈ સરળ વાત નથી, પણ રાજુ સૅન્ડવિચ સ્ટૉલે એ કરી દેખાડ્યું છે.
ચર્ચગેટમાં કે. સી. કૉલેજની પાસે રાજુ સૅન્ડવિચનો વર્ષો જૂનો એક સ્ટૉલ છે. આ વિસ્તારમાં આવતા હોય અને અહીંની સૅન્ડવિચ ખાધી ન હોય એવા કોઈક જ હશે. અહીં બે-ચાર નહીં પણ લગભગ ૫૦ કરતાં પણ વધુ વરાઇટીની સૅન્ડવિચ મળે છે એટલું જ નહીં, રોજની ૫૦૦ જેટલી સૅન્ડવિચ અહીં વેચાતી હોવાનો દાવો પણ કરવામાં આવે છે. લગભગ ચારેક દાયકા પૂર્વે પોતાના કાકા સાથે કાલબાદેવીમાં કામકાજ શરૂ કરનાર રાજુ સૅન્ડવિચના ઓનર રાજુએ પોતાના પગ પર ઊભા રહેવા અને પોતાની જાતે કંઈક કરવા એક નાનકડો સૅન્ડવિચનો સ્ટૉલ શરૂ કર્યો હતો. આ વાત ૮૦ના દાયકાની છે જ્યારે સાદી સૅન્ડવિચ અને ટોસ્ટ સૅન્ડવિચ સિવાય અન્ય કોઈ સૅન્ડવિચનો જન્મ થયો નહોતો. ધીરે-ધીરે તેમના ફૅન વધતા ગયા હતા. એટલે તેમણે સાહસ કરીને કે. સી. કૉલેજની બહાર ૩૨ વર્ષ પહેલાં રાજુ સૅન્ડવિચ નામનો સ્ટૉલ શરૂ કર્યો અને એ દિવસ અને આજનો દિવસ, ક્યારેય તેમણે પીછેહઠનો સામનો કરવો પડ્યો નથી. સૅન્ડવિચ બાદ તેમણે પનીની, બ્રેડ રોલ, ગ્રિલ, બર્ગર, પીત્ઝા, ફ્રૅન્કી વગેરે બનાવીને વેચવાનું શરૂ કર્યુ. આજે તેમના પાંચથી છ હેલ્પર પણ છે જે તેમને આ કામમાં મદદ કરે છે.
હવે અહીંની લોકપ્રિય વાનગી વાત કરીએ તો વેજ ટોસ્ટ સૅન્ડવિચ, રોલ્સ, ફ્રૅન્કી અને મેક્સિકન પનીની છે જેની અંદર પણ એટલી જ વરાઇટી છે. કાગળની પ્લેટની અંદર લસણ અને ગ્રીન ચટણીની સાથે સૅન્ડવિચ સર્વ કરવામાં આવે છે. સ્ટૉલની બહાર ઊભા રહીને સૅન્ડવિચ ખાઈ શકાય એટલી જગ્યા પણ છે.
વેજ ચીઝ ગ્રિલ
મજાની વાત તો એ છે કે કૉલેજ સ્ટુડન્ટ્સ માટે તો આ ચિટચૅટ કરવાની બેસ્ટ પ્લેસ પણ બની ગઈ છે જેઓ તેમના રેગ્યુલર કસ્ટમર છે. આટલાં વર્ષો થઈ ગયાં હોવા છતાં તેમનાં ટેસ્ટ, ક્વૉલિટી અને ક્વૉન્ટિટી અંકબધ રહ્યાં છે જે તેમનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે.
ક્યાં છે? : રાજુ સૅન્ડવિચ, કે. સી. કૉલેજની બાજુમાં, ચર્ચગેટ