07 November, 2024 08:25 AM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર
ગામોમાં ચકોતરા અને શહેરોમાં પોમેલો કે ગ્રેપ ફ્રૂટ તરીકે જાણીતું આ લીંબુ સિટ્રસ ફૅમિલીનું જ ફળ છે. સામાન્ય લીંબુ કરતાં કદમાં મોટું આ ફળ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. છઠીમૈયાની પૂજામાં આ ફળનું મહત્ત્વ છે અને હેલ્થ માટે પણ એ કેટલું ગુણકારી છે એ આજે જાણીએ
છઠપર્વ એ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્યદેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. બિહારનો સૌથી મોટો તહેવાર ગણાતાં બિહાર ઉપરાંત ઝારખંડ, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. છઠીમૈયા અને સૂર્ય ભગવાનને સમર્પિત આ પૂજામાં ઉપવાસ કરનારા લોકો સૂર્યને તેમના પરિવારનાં સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ પૂજામાં વાંસની ટોપલી, નારિયેળ, કેળાં, દાડમ, ઠેકુઆ, શેરડી, દીવો, દૂધ, ડાભ લીંબુ વગેરે વસ્તુઓની જરૂર પડે છે. પૂજામાં ખાસ એવાં જ ફ્રૂટ ધરાવવામાં આવતાં હોય છે જે પશુ-પક્ષીઓએ એઠાં કર્યાં ન હોય અને સંપૂર્ણપણે શુદ્ધ હોય એટલે એવાં જ ફળ વપરાય છે જેનું બાહ્ય આવરણ ખૂબ જ કડક હોય એથી એ શુદ્ધ બની રહે એટલે શેરડી, નારિયેળ જેવાં ફ્રૂટ સાથે ડાભ લીંબુનો પણ સમાવેશ કરવામાં આવે છે. ડાભ લીંબુનું નામ મહત્તમ લોકો માટે અજાણ હશે, પણ એ હાઈ ક્વૉલિટી સૅલડની ડિશમાં મોટી રેસ્ટોરાંમાં ધૂમ વપરાય છે. આ લીંબુથી કેવા અને કેટલા લાભ થઈ શકે છે એ વિશે જાણશો તો જરૂર તમારા ડાયટમાં સમાવવાનું મન થશે.
શું છે આ ડાભ લીંબુ
ડાભ લીંબુ એ લીંબુ જેવાં જ દેખાતાં પણ કદમાં ઘણાં મોટાં લગભગ સંતરા જેવડાં હોય છે અને એ ચકોતરા, ગાગર, પોમેલો વગેરે નામથી પણ ઓળખાય છે. આ લીંબુનો જ એક પ્રકાર છે. જોકે અન્ય ફળની જેમ આ લીંબુ એટલું પ્રખ્યાત નથી. દેખાવમાં એ લીંબુ જેવા રંગનું જ છે, પણ અંદરથી પીળાશ પડતા ઑરેન્જ રંગનું હોય છે તેમ જ કદમાં એ સામાન્ય લીંબુ કરતાં ઘણું મોટું હોય છે. ખાટું અને મીઠું હોવાથી એને પણ સિટ્રસ ફૅમિલીનું જ ફ્રૂટ માનવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ઘણાં ગ્રેપ ફ્રૂટ અને પોમેલો નામથી પણ ઓળખે છે. સિટ્રેસ ફૅમિલીનું હોવાથી એની અંદર પ્રચુર માત્રામાં વિટામિન-C રહેલું છે તેમ જ એમાં ઍન્ટિઑક્સિડન્ટ છે, જે ઘણી બધી બીમારીઓથી બચાવે છે.
પોષક તત્ત્વોથી ભરપૂર
લીંબુનું મોટું કદ જોઈને પહેલી નજરે એવું લાગે કે આ કદાચ હાઇબ્રિડ હશે પણ એવું નથી. વિદેશી એક્સપોર્ટ કરેલાં ગ્રેપ ફ્રૂટ્સ તો આપણે ત્યાં દરેક ઑનલાઇન અને મોટી માર્કેટમાં મળે છે. ન્યુટ્રિશનિસ્ટ શીલા તન્ના કહે છે, ‘શહેરમાં અને વિદેશમાં આ ફ્રૂટ પોમેલો તરીકે ઓળખાય છે. આ ફ્રૂટ સરળતાથી બજારમાં મળતાં નથી. આ ફ્રૂટ કુદરતી, નૉન-હાઇબ્રીડ, સાઇટ્રસ ફળ છે, જેનાં મૂળ દક્ષિણપૂર્વ એશિયામાં પથરાયેલાં છે. મીઠી દ્રાક્ષના સ્વાદ સમાન આ ફ્રૂટને સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે. સમગ્ર દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયામાં ઊજવાતા તહેવારો અને પ્રસંગોમાં આ ડાભ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકોના ફાર્મમાં પણ આ લીંબુ થાય છે. અમારા ફાર્મમાં પણ આ લીંબુ થાય છે. હેલ્થની દૃષ્ટિએ આ લીંબુ બેસ્ટ છે, જેની અંદર વિટામિન-Cની સાથે મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં છે. જો બરોબર પાકી ગયેલા લીંબુને તમે પસંદ કરો તો જ એનો ટેસ્ટ ખાટો-મીઠો અને સરસ લાગે છે, પણ જો એ બરાબર પાકે એ પહેલાં જ જો એને તોડી લેવામાં આવે તો એ એકદમ ખાટું અને કાચું લાગે છે. બરાબર પાકી ગયેલું લીંબુ ડીહાઇડ્રેશનને પણ દૂર કરે છે એટલે જેઓ છઠપૂજામાં આખો દિવસ ભૂખ્યા રહીને અને કલાકો સુધી ઊભા રહીને પૂજા કરતા હોય તેમને પારણાં કરતી વખતે આ લીંબુનો રસ શક્તિ આપવાનું કામ કરે છે. આપણા પૂર્વજોએ તહેવારો માટેના જેકોઈ નીતિનિયમ બનાવ્યા છે એની પાછળ માત્ર ધાર્મિક જ નહીં, પણ આરોગ્ય સંબંધિત કારણો પણ રહેલાં હોય છે. આ લીંબુમાં પોટૅશિયમ, કાર્બોહાઇડ્રેટ અને ફૅટનું પ્રમાણ લગભગ નહીંવત્ જેવું જ હોય છે. સોડિયમ, કૉલેસ્ટરોલ ઝીરો હોય છે એટલે ડાયાબિટીઝના દરદીઓ માટે તો આ બેસ્ટ રહે છે. એનું જૂસ કાઢીને અથવા તો રસોઈમાં એનો ઉપયોગ કરી શકાય છે. હા, ખાલી પેટે આ જૂસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.’
અનેક રીતે ઉપયોગી
ડાભ લીંબુ અનેક રીતે ઉપયોગી અને હેલ્ધી હોવા છતાં ભારતમાં અને ખાસ કરીને શહેરોમાં એનો વપરાશ ઘણો ઓછો છે. એની પાછળના કારણ વિશે સમજાવતાં શીલા તન્ના કહે છે, ‘આપણે વર્ષોથી સંતરાં અને મોસંબી જેવાં ફળો જ ખાવા માટે ટેવાયેલા છીએ તેમ જ આ ફળોની છાલ કાઢવી અને એમાંથી જૂસ કાઢવો સરળ છે. જ્યારે પોમેલોને કટ કરવાનું કઠિન છે તેમ જ સાદા સંચામાં તો આ ફ્રૂટ આવતું જ નથી અને એનું જૂસ કાઢવું પણ ખૂબ મહેનત માગી લે એવું છે એટલે લોકોને કંટાળો આવે છે જેથી હવે આવાં લીંબુ ગામડા પૂરતાં સીમિત બની ગયાં છે. જોકે વિદેશમાં આ લીંબુનો વધુ ઉપયોગ થાય છે. જો તમારે ખાવું હોય તો એકદમ ગ્રીન કલરનું લીંબુ પસંદ ન કરવું, પરંતુ થોડું પીળાશ પડતું થાય ત્યારે એનો ઉપયોગ કરવો. એને કાપતાં પહેલાં હળવે હાથે દબાવી જોવું જોઈએ કે એ કડક છે કે નરમ. જો થોડું નરમ લાગે તો જ એનો ઉપયોગ કરવો જોઈએ.’
કોણે ડાભ લીંબુ ન ખાવું જોઈએ?
લીંબુ સામાન્ય રીતે મોટા ભાગના લોકો માટે સલામત છે છતાં સ્વાસ્થ્યની કેટલીક સ્થિતિઓને લીધે વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એટલે જેમને ખટાશની ઍલર્જી હોય તેમને માટે લીંબુનું સેવન મુશ્કેલી ઊભી કરી શકે છે. એ સિવાય જેમને પ્રચુર માત્રામાં ઍસિડિટી હોય, શરીરમાં ઇન્ફેક્શન હોય તેમ જ અન્ય ગંભીર સમસ્યા હોય તેમણે ડૉક્ટરની સલાહ લઈને જ ડાભ લીંબુનું સેવન કરવું જોઈએ.
ડાભ લીંબુના ફાયદા જ ફાયદા
૧. વજન ઘટાડવામાં મદદ કરે છે. આ લીંબુમાં દ્રવ્ય ફાઇબર પેક્ટિન હોય છે. પેટમાં એની હાજરીને કારણે આપણને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આનાથી લોકોને વજન ઘટાડવામાં મદદ મળે છે.
૨. ડાભ લીંબુમાં રહેલું સાઇટ્રિક ઍસિડ કિડની સ્ટોનથી બચાવે છે. નૅશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર દરરોજ ૧૦૦ મિલીલીટર લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી કિડનીની પથરી રોકવામાં મદદ મળે છે.
૩. લીંબુમાં વિટામિન-C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ બન્ને તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ શરીરને મોટા ભાગની બીમારી સામે લડવામાં મદદ કરે છે.
૪. લીંબુમાં ઓછી માત્રામાં આયર્ન હોય છે, પરંતુ એમાં રહેલું વિટામિન-C શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે. આ હીમોગ્લોબિન વધારે છે અને એનિમિયા અટકાવે છે.
૫. અસ્થમાથી પીડિત લોકો જેઓ પુષ્કળ વિટામિન-Cનું સેવન કરે છે તેમને અસ્થમાના હુમલા ઓછા આવે છે. એ શ્વસનમાર્ગ અને ફેફસાંના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે એવું અનેક રિસર્ચ-રિપોર્ટમાં સામે આવ્યું છે.
૬. આ લીંબુ ઍન્ટિઑક્સિડન્ટ વિટામિન-Cનો ખૂબ જ સારો સ્રોત છે. કૅન્સરના કોષો સામે લડવાનું કામ કરે તેમ જ સારા કોષોને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે.
૭. એક અભ્યાસ અનુસાર જે લોકો રોજ લીંબુનું સેવન કરે છે અને ચાલવા જાય છે તેમનું બ્લડપ્રેશર લીંબુનું સેવન ન કરનારા લોકોની સરખામણીમાં વધુ કન્ટ્રોલમાં રહે છે અને હાઇપરટેન્શનનું જોખમ પણ ઓછું રહે છે.
૮. જો દરરોજ આ લીંબુનું સેવન કરવામાં આવે તો હાર્ટ-અટૅકનું જોખમ ઘટી જાય છે. એમાં રહેલું વિટામિન-C જ નહીં, ફાઇબર અને પ્લાન્ટ કમ્પાઉન્ડ પણ હાર્ટના સ્વાસ્થ્યને સુધારે છે.