27 September, 2024 10:45 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ.
જરૂર ઊતરે એવું અનુષ્કા શર્માનું કહેવું છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહેલું કે છ મહિના સુધી તેણે રોજ સવારના નાસ્તામાં ઇડલી-સાંભાર જ ખાધાં છે ને એ પછી પણ તે બોર નથી થઈ. આવી ડાયટ પૅટર્નને મૉનોટ્રોફિક ડાયટ કહેવાય છે. આ ડાયટના સિદ્ધાંત મુજબ જો રોજ એક જ પ્રકારનું ખાવાનું ખાવામાં આવે તો એ વજન ઘટાડવાનું ઉપયોગી માધ્યમ બની શકે છે. જાણીએ આવી મૉનો ડાયટના શું ફાયદા છે અને શું ભયસ્થાનો છે
તંદુરસ્ત જીવનશૈલી જાળવવાની વાત આવે ત્યારે સેલિબ્રિટીઓ ધાર્યાં પરિણામો પ્રાપ્ત કરવા માટે ઘણી વાર પરંપરાગત આહાર તરફ વળે છે. આવું જ કાંઈક પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ કર્યું છે. અનુષ્કા મૉનોટ્રોફિક ડાયટ ફૉલો કરે છે અને દિવસનું છેલ્લું ભોજન સાડાપાંચ-છ વાગ્યે કરી લે છે. જો ધ્યાનથી જોવામાં આવે તો એ આપણી ભારતીય પરંપરામાં એક રીતે પહેલાંથી વણાયેલું જ છે. યાદ કરો, ભારતીય ઘરોમાં સવારનો નાસ્તો ફક્ત ચા-ભાખરી કે રોટલો-છાશ કે શીરો જેવું જ હતું. બપોરે દાળભાત અને શાક-રોટલી અને રાતે ખીચડીનું જમણ એવું આપણું એક પ્રકારનું મેનુ ફિક્સ જ હોય છે. આ પદ્ધતિ એટલે જ મૉનોટ્રોફિક ડાયટ જેને ‘મૉનો ડાયટ’ જેવું ટૂંકું નામ મળ્યું છે. હા, આપણાં પરંપરાગત ભાણાંમાં ફરક એટલો કે આ ડાયટ માટે આપણા પરંપરાગત મેનુમાં નજીવો ફેરફાર કરવો પડે એમ છે. એ શું છે આવો જાણીએ નિષ્ણાતો પાસેથી.
મૉનોટ્રોફિક ડાયટ શું છે?
મૉનો ડાયટમાં દરેક ભોજનમાં અથવા તો આખા દિવસ માટે માત્ર એક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે છે એમ જણાવતાં છેલ્લાં ૧૬થી વધુ વર્ષોનાં અનુભવી અંધેરીમાં પ્રૅક્ટિસ કરતાં ડાયટિશ્યન અને ડાયાબિટીઝ એજ્યુકેટર કુંજલ શાહ કહે છે, ‘આમાં બે પ્રકારની પૅટર્ન જોવા મળે છે. જેમ કે અનુષ્કા કહે છે એમ તે સવારે ઇડલી ખાય, બપોરે અને રાત્રે ખીચડી અને શાક ખાય અને આ જ મેનુ થોડા દિવસો માટે એમ ને એમ ચાલે. અમુક લોકો નાસ્તામાં માત્ર સફરજન લે, લંચમાં ભાત અને શાકભાજી લે અને રાત્રિભોજનમાં બ્રૉકલી સૂપ લે એવો આહાર પણ મૉનો ડાયટ જ કહેવાય છે. આ એક રીત થઈ. બીજું અને મૉનો ડાયટનું જે આઇડિયલ રૂપ છે એ મુજબ ‘એક જ પ્રકારનો ખોરાક’ દરેક ટાઇમ માટે લેવાનો હોય છે. આમાં પણ બે રીત છે. એક તો સવારે ઇડલી તો બપોરે અને રાતે પણ ઇડલી જ ખાઓ. અથવા તો રાઇસ અને અડદ દાળની ઇડલી હોય તો એ જ પ્રમાણમાં બપોરે ફેરબદલી માટે રાઇસ સાથે તડકાવાળી અડદ દાળ લઈ શકો અને ડિનરમાં રાઇસ અને અડદ દાળની જ કોઈ બીજી આઈટમ બનાવી ખાઈ શકો. મૉનો ડાયટનું મુખ્ય ધ્યેય આહારની ભિન્નતાને કટ કરવાનું હોય છે.’
મૉનોટ્રોફિક આહારના ફાયદાઓ એ છે કે એ ખાવાનું સરળ બનાવે છે, વિવિધ પ્રકારના ખોરાકને મિશ્રિત કરવાની જટિલતાઓને દૂર કરી પાચનતંત્રને વિરામ આપે છે. આવા આહારના સમર્થકો એવું માને છે કે આનાથી ભોજન સિલેક્ટ કરવાની કૉમ્પ્લેક્સિટી ઘટવાની સાથે પાચન, ડિટૉક્સિફિકેશન થવાની સાથે વજન ઘટે છે.
મૉનો ડાયટના બેનિફિટ્સ
પેટનું સ્વાસ્થ્ય : પાચન ક્ષમતા સુધારવામાં મૉનો ડાયટ મુખ્ય ભૂમિકા ભજવે છે એવું જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘એક જ રીતના ખોરાકને લીધે શરીરમાં પ્રમાણમાં ઓછા અને એક જ પ્રકારના ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય છે. શરીરને પાચન કરવા માટે બહુ મહેનત નથી કરવી પડતી એટલે પાચન સરળ બની જાય છે. એના લીધે પાચક તત્ત્વોનું શોષણ પણ સરળ બને છે, જે આગળ જતાં શરીરને વજન ઓછું કરવા પ્રેરે છે.’
સરળતા અને માઇન્ડફુલનેસ : મૉનોટ્રોફિક આહારનો એક પ્રાથમિક ફાયદો એની સાદગી છે. આ વિશે જણાવતાં છેલ્લાં નવ વર્ષથી બોરીવલીમાં પ્રૅક્ટિસ કરતાં સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર ડાયટિશ્યન કિંજલ શાહ કહે છે, ‘મૉનો ડાયટ શું ખાવું અને શું નહીં એની મૂંઝવણ દૂર કરે છે, જે લોકોને તંદુરસ્ત પસંદગી કરવામાં મદદ કરે છે. આ સિવાય એ બહુવિધ વાનગીઓથી વિચલિત થવાને બદલે એક જ ખોરાકના સ્વાદ અને રચના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર આપણને પ્રોત્સાહન આપે છે. તમે એક સમયે એક જ ખોરાક ખાઓ છો, જે ખાસ કરીને ભાગદોડવાળી જીવનશૈલી ધરાવતા લોકોને અનુકૂળ છે જેમની પાસે વિસ્તૃત ભોજન તૈયાર કરવા માટે સમય કે શક્તિ નથી હોતાં. આ વસ્તુ રોજ ઊઠીને શું ખાઈશું જેવા વિકલ્પો સિલેક્ટ કરવાના થાકને ઓછો કરે છે અને ખોરાક બાબતે આપણું મનોબળ મજબૂત થાય છે. પણ આને કોઈ સ્ટાન્ડર્ડ પ્રૅક્ટિસ ન ગણી શકાય.’
આ બાબતે સહમત થતાં કુંજલ શાહ પણ કહે છે, ‘આવી આહાર પદ્ધતિ જ્યારે રજિસ્ટર્ડ ડાયટિશ્યનો આપે છે ત્યારે એ કન્ફર્મ કરે છે કે લાંબા સમય માટે એક જ આહાર ન આપે. જે લોકોને વેઇટ પ્લેટો ડિટેક્ટ થાય છે ત્યારે આવી ડાયટ તેમનું પ્લેટો ભાંગવા માટે સજેસ્ટ કરવામાં આવે છે. અમે વધી-વધીને ૩ દિવસ કે એથી વધીને મૅક્સિમમ અઠવાડિયા સુધી આવી ડાયટ આપીએ છીએ.’
પોર્શનમાં નિયંત્રણ : મૉનોટ્રોફિક આહારને વજન ઘટાડવાની અસરકારક રીત ગણવામાં આવે છે એવું જણાવતાં સ્મૃતિ મહેતા શાહ કહે છે, ‘તમે ભોજનદીઠ માત્ર એક જ ખોરાક ખાતા હોવાથી, વધુપડતા પોર્શનમાં ખાવાનું નિયંત્રિત કરવું અને અતિશય ખાવાનું ટાળવું સરળ બને છે. ઉપરાંત ખોરાકની પસંદગીની મર્યાદિત વિવિધતાને લીધે બિનઆરોગ્યપ્રદ નાસ્તો કે ભોજનમાં અતિશય આહાર લેવાની લાલચને અટકાવી શકાય છે.’
ગેરફાયદાઓ
મૉનો ડાયટના સંભવિત લાભો હોવા છતાં એ કેટલીક નોંધપાત્ર ખામીઓ સાથે આવે છે. ડાયટિશ્યન કુંજલ શાહ સાવચેતી રાખવા ભાર મૂકતાં કહે છે, ‘ન્યુઝમાં છે એટલે ડાયટ કૉન્શિયસ લોકો આને કોઈની સલાહ લીધા વગર ફૉલો કરવા લાગે, પણ એ જાણવું અત્યંત જરૂરી છે કે આ ટૂંકા ગાળાનાં ધ્યેયો માટે અસરકારક હોઈ શકે છે. લાંબા ગાળે ટકાઉ કે પોષણની રીતે એ સંતુલિત આહાર નથી.’
પોષક તત્ત્વોના સંતુલનનો અભાવ : મૉનોટ્રોફિક આહાર વિશે સૌથી મોટી ચિંતાઓમાંની એક એમાં રહેલી પોષક તત્ત્વોની વિવિધતાનો અભાવ છે. આ વાતે સ્મૃતિ મહેતા સમજાવે છે, ‘આપણા શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવા માટે વિવિધ પ્રકારનાં પોષક તત્ત્વોની વિશાળ રેન્જની જરૂર પડે છે. ભોજનદીઠ માત્ર એક જ પ્રકારના ખોરાકને વળગી રહેવાથી તમે આવશ્યક વિટામિન્સ, ખનિજો, પ્રોટીન અને ચરબીને ગુમાવી રહ્યા છો જે એકંદર આરોગ્ય માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે સવારના નાસ્તામાં માત્ર ફળ ખાવાથી પુષ્કળ પ્રમાણમાં ફાઇબર અને વિટામિન મળી શકે છે પરંતુ એમાં પ્રોટીનનો અભાવ છે, જે સ્નાયુઓના સમારકામ અને ઊર્જા માટે આવશ્યક છે. એવી જ રીતે શાકભાજી અથવા હેલ્ધી ફૅટ ઉમેર્યા વિના બપોરના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે અસંતુષ્ટ રહી જાઓ અને ઓછી એનર્જી ફીલ કરો એવું બને.’
આ વાત સાથે સહમત થતાં કુંજલ શાહ કહે છે, ‘સમય જતાં મૉનોટ્રોફિક આહાર જો ખૂબ કડક રીતે અનુસરવામાં આવે તો એ પોષક તત્ત્વોની ઊણપ તરફ દોરી શકે છે. તમારા શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વો મેળવવા માટે વિવિધતા એ જ ચાવી છે. મૅક્રોન્યુટ્રિઅન્ટ્સ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિથી માંડીને તમારા એનર્જી-લેવલ પર પણ માઠી અસર કરી શકે છે.’
મૉનો ડાયટ પછીનું બિન્જ ઈટિંગ
આ ડાયટ ફૉલો કર્યા પછી શું તકલીફ આવી શકે એ પણ સમજી લેવું જરૂરી છે. મૉનોટ્રોફિક ડાયટને કારણે બિન્જ ઈટિંગનું ક્રેવિંગ થાય એવો સંભવ છે એમ જણાવતાં સ્મૃતિ મહેતા કહે છે, ‘તમારી જાતને એક સમયે એક પ્રકારના ખોરાક સુધી મર્યાદિત રાખવાને લીધે એક સમયે બોર થઈ બીજા વિકલ્પો શોધવાના ચક્કરમાં ક્રેવિંગના માર્યા લોકો કાંઈ પણ ખાવા લાગે છે. આ સિવાય મૉનોટ્રોફિક આહાર સામાજિક રીતે પણ પડકારરૂપ થઈ શકે છે, કારણ કે જ્યારે તમે એક સમયે માત્ર એક જ પ્રકારનો ખોરાક ખાતા હો ત્યારે સમૂહ ભોજનમાં ભાગ લેવો અથવા બહાર જમવાનો આનંદ માણવો મુશ્કેલ છે. આવા પ્રતિબંધોને લીધે પણ ઘણી વખત લાંબા ગાળે આહારને વળગી રહેવું મુશ્કેલ બને છે.’
સરળતા માટે અને ઝડપી પરિણામો મેળવવા માગતા લોકો માટે મૉનોટ્રોફિક આહાર લોભામણો વિકલ્પ છે. જોકે કોઈ પણ ડાયટ એની ખામીઓ વિના નથી હોતી. તમારી ખાવાની આદતોમાં ધરખમ ફેરફાર કરતાં પહેલાં હેલ્થકૅર પ્રોફેશનલ અથવા ડાયટિશ્યનનો સંપર્ક કરવો જરૂરી છે. અંતે સંતુલન જ લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય અને સુખાકારીની ચાવી છે - કુંજલ શાહ
મૉનોટ્રોફિક ડાયટ વિવિધ પ્રકારના ખોરાકને મિશ્રિત કરવાથી પેદા થતી પાચનની જટિલતાઓ દૂર કરે છે. એવું કહેવાય છે કે ભોજન સિલેક્ટ કરવાની કૉમ્પ્લેક્સિટી ઘટવાથી પાચન સુધરે છે અને વજન ઘટે છે.