મુંબઈમાં ઓડિશા સ્ટાઇલની મીઠાઈઓ ખાવી છે?

20 July, 2024 08:17 AM IST  |  Mumbai | Sarita Harpale

તો મીરા રોડની આ દુકાન શ્રેષ્ઠ પર્યાય બની શકે છે. ઓડિશાના પરંપરાગત રસગુલ્લાથી લઈને છેના એટલે કે તાજા પનીરથી બનતી અઢળક સ્વીટ્સ તમારું મોઢું મીઠું કરવા માટે અહીં ઉપલબ્ધ છે

મીઠા હાંડી અને ત્યાંની મીઠાઈઓ

ઘરે મહેમાન આવે અને લંચ કે ડિનર બાદ સ્વીટ ડિશની વાત આવે તો મોટા ભાગે રસતરબોળ રસગુલ્લાનું નામ મોખરે હોય છે. રસગુલ્લા ઓડિશાના કે બંગાળના એ વિષય પર આજ દિવસ સુધી દુનિયાભરના તર્કવિતર્ક અને ઝઘડા ચાલી રહ્યા છે ત્યારે એ વિવાદમાં પડ્યા વિના આજે વાત કરીએ મુંબઈની પહેલવહેલી ઓડિશી મિષ્ટાનની દુકાન ‘મીઠા હાંડી’ની જ્યાં ઓડિશાના રસગોલા ઉર્ફે રસગુલ્લાથી માંડીને છેના એટલે કે તાજા પનીરથી બનતી અઢળક પારંપરિક મીઠાઈ મળે છે અને સાથે-સાથે ઓડિશી હૅન્ડિક્રાફ્ટની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે.

મીરા રોડ ઈસ્ટના રામદેવ પાર્કમાં આ નાનકડી મિષ્ટાનની દુકાન છે અને ઓડિશાની પરંપરાગત એવી લગભગ દરેક ડિશ અહીં મળે છે. મીઠા હાંડીની શરૂઆત કરનારા સુબ્રત સામલ કહે છે, ‘મારી ફર્નિચરની શૉપ છે અને થોડાં વર્ષો પહેલાં જ મેં મુંબઈથી આ શૉપ ભુવનેશ્વરમાં શિેફ્ટ કરીને ત્યાં ફર્નિચર મૉલ શરૂ કર્યો. હું મુંબઈની ડિઝાઇન્સ અને કલાકૃતિ ઓડિશા લઈ ગયો ત્યારે લાગ્યું કે સામાન્ય રીતે ઓડિશામાં બધી વસ્તુ બહારથી જ આવતી હોય છે, પણ ઓડિશાની ઓળખ ઊભી કરે એવું ક્યાંય ભાગ્યે જ કંઈ મળે છે. અહીંથી માત્ર ખનીજની નિકાસ થાય છે, પણ ઓડિશા એના હૅન્ડિક્રાફ્ટ અને ખાણીપીણી માટે પણ જાણીતું છે. તેથી મુંબઈમાં રહેતા ઓડિશાના લોકોને ઓડિશાનાં મિષ્ટાન અને પદાર્થોનો સ્વાદ ચાખવા મળે એ હેતુથી મેં ‘મીઠા હાંડી’ની શરૂઆત કરી, જેમાં રસગોલાની સૌથી વધુ ડિમાન્ડ છે.’

રસગુલ્લા બંગાળના કે ઓડિશાના એની ફાઇટ માટે દેવકી અને યશોદાનો દાખલો આપીને સુબ્રત કહે છે, ‘રસગુલ્લા ઓડિશાના કે બંગાળના એ વિશે વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો છે પણ મારા મતે રસગુલ્લાનો જન્મ ઓડિશામાં થયો અને એને વિશ્વસ્તરે નામ બંગાળે અપાવ્યું જેમ શ્રીકૃષ્ણને દેવકીએ જન્મ આપ્યો અને યશોદાએ ઉછેર્યા.’

અલબત્ત, એ હકીકત છે કે બન્નેના સ્વાદ અને ટેક્સ્ચરમાં ફરક તો છે જ. ઓડિશાના ટ્રેડિશનલ રસગોલા મોઢામાં મૂકો અને ઓગળી જાય અને ટ્રેડિશનલી ઓડિશામાં બ્રાઉન કલરના રસગોલા ફેમસ છે, જ્યારે બંગાળના રસગુલ્લાને ચાવવા પડે અને એની સ્પન્જીનેસમાં મજા હોય છે. ‘મીઠા હાંડી’માં ઓડિશાના ડેકોર સાથે ત્યાંની માટીની સુગંધ અને ગામનો સ્વાદ જળવાઈ રહે એનો પૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે. શરૂઆતમાં રસગુલ્લા અને અન્ય મિષ્ટાન માટે છેના છેક ઓડિશાથી કાર્ગો મારફત મીરા રોડ લાવવામાં આવતો, કારણ કે ત્યાંની ગાયના દૂધનો સ્વાદ અહીં ન મળતાં લોકોને અસ્સલ સ્વાદ મળી રહે. જોકે ટ્રાવેલિંગ દરમિયાનની મુશ્કેલીઓ જોતાં વારંવાર ત્યાંથી તાજું પનીર મગાવવું શક્ય ન હોવાથી હવે આ મીઠાઈનો સ્વાદ જળવાઈ રહે એ માટે ઘણો અભ્યાસ કર્યા બાદ વસઈ-વિરારથી છેના મગાવવામાં આવે છે. સુબ્રત કહે છે, ‘અમુક ખાસ ટેમ્પરેચર પર જ દૂધને ફાડીને વિશિષ્ટ રીતે રસગુલ્લા બનાવીએ છીએ જેથી એનું જુદાપણું અને એ પછીયે ટ્રેડિશનલપણું અકબંધ રહે છે. રસગુલ્લાને બ્રાઉન શેડ આપવા માટે સાકરને જરાક કૅરૅમલાઇઝ્ડ કરવામાં આવે છે જે મુંબઈમાં ભાગ્યે જ બીજે ક્યાંય તમને મળશે.’

‘મીઠા હાંડી’માં ઓડિશાના સ્વાદની જયાફત માણવા લોકોની કતારો લાગે છે. અહીં સફેદ અને બ્રાઉન રસગુલ્લા ઉપરાંત ઓડિશાની જાણીતી મીઠાઈઓ જેમ કે છેના પોડા, રસાવડી, છેના ગજા, રસાબાલી, માલપૂઆ, ખાજા (ફેની), સાઇ પેડા વગેરે જેવી મીઠાઈઓ મળે છે.

તમને ખબર છે?
(1) રસગુલ્લાનો જન્મ દાયકાઓ પહેલાં પુરીના જગન્નાથ મંદિરમાં થયો હોવાની વાયકા છે. ઓડિશાનું નામ આવે એટલે ભગવાન જગન્નાથનું મંદિર સૌથી પહેલાં યાદ આવે. કહેવાય છે કે રસગુલ્લાનો જન્મ સૌથી પહેલાં પુરીના જગન્નાથ મંદિરમાં થયો હતો. પુરીના ‘રોસાગ્રહ’માં (જગન્નાથ મંદિરનું ભવ્ય રસોડું, જે વિશ્વનું સૌથી મોટું રસોડું પણ કહેવાય છે) દાયકાઓ પહેલાં રસગોલાનો જન્મ થયો, જે પહેલાં ‘ખીરામોહન’ તરીકે ઓળખાતા. બીજી એક વાયકા મુજબ ભગવાન જગન્નાથ મોસીમા મંદિરથી પરત ફર્યા ત્યારે તેમણે તેમનાં પત્નીને નીલાદ્રિા બીજના દિવસે રસગુલ્લા ભેટ તરીકે આપ્યા હતા.

(2) ઓડિશાના ઐતિહાસિક શહેર પુરીમાં રસગુલ્લા હજી પણ એના પ્રાચીન નામ ખીરામોહનના નામે જ ઓળખાય છે, જે બ્રાઉન રંગના હોય છે. એ છેનામાંથી બને છે અને રસેની એટલે કે ખાંડની ચાસણીમાં બૉઇલ કરવામાં આવે છે. આ બ્રાઉન રસગુલ્લા સફેદ રસગુલ્લાની સરખામણીમાં ઓછા સ્પન્જી હોય છે.

(3) ઓડિશાના લોકો કુદરતી આફત અને વિદેશી તાકાતોના હુમલાથી બચવા નજીકના રાજ્ય પશ્ચિમ બંગાળમાં શરણ લેતા હતા. તેમણે બંગાળ જઈને ‘બંગાલીબાડી’ તરીકે ઓળખાતા બંગાળના રસોડામાં ઓડિશાના સ્વાદનું રીક્રીએશન કર્યું. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઘણી બંગાળી ડિશિઝમાં ઓડિશાનો સ્વાદ મળે છે. એવી જ રીતે ખીરામોહન એટલે કે રસગુલ્લાએ પણ બંગાળની સફર ખેડી. બંગાળમાં ઓડિશાના રસગુલ્લા રીક્રીએટ કર્યા જેમાં છેનાના ચોથા ભાગ જેટલો રવો રસગુલ્લામાં ઉમેરતાં એ વધુ સ્પન્જી બન્યા. તેથી સફેદ રસગુલ્લા બંગાળની દેણ હોવાનું કહેવાય છે.

(4) રસગુલ્લાએ તો ઇસરોના સ્પેસ-મિશનમાં પણ સ્થાન મેળવ્યું હતું. ૨૦૧૬માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો દ્વારા ડિહાઇડ્રેટેડ રસગુલ્લાની શોધ કરવામાં આવી જેથી ઍસ્ટ્રોનૉટ્સ અવકાશમાં ઘરનો સ્વાદ મિસ ન કરે.

Gujarati food indian food odisha mira road