બૅન્કર અને પ્રોફેસર બની ગયાં મોનોગ્રામ સુશી-માસ્ટર

15 August, 2024 07:00 AM IST  |  Mumbai | Darshini Vashi

જાણીએ MBA થયેલાં અમી પરીખની બૅન્કરથી લઈને હોમ શેફ સુધીની સફર વિશે

અમી પરીખ

બૅન્કિંગ અને એજ્યુકેશન ક્ષેત્રે ઘડેલી સફળ કારકિર્દીને અલવિદા કહીને માટુંગાનાં અમી પરીખે ચાર મહિના પહેલાં જ ‘ઓઇશી સુશી’ નામે પ્યૉર વેજ, વીગન અને હોમમેડ સુશી બનાવવાનું શરૂ કર્યું છે. રાઇસ શીટ વાપરીને તેમણે તૈયાર કરેલી જૈન સુશીનો યુનિક આઇડિયા તો સુશી-લવર્સને ખૂબ પસંદ પડી રહ્યો છે ત્યારે જાણીએ MBA થયેલાં અમી પરીખની બૅન્કરથી લઈને હોમ શેફ સુધીની સફર વિશે.

ટોચની ખાનગી બૅન્કમાં કામ કરવાથી લઈને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સફળ કારકિર્દી બનાવવા તરફ આગળ વધી ચૂકેલી વ્યક્તિ કંઈક અલગ જ અને નવા ક્ષેત્રમાં પગ મૂકવાનું વિચારે ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી. એમાં પણ જો એ વ્યક્તિ એક પરિણીત મહિલા હોય અને ઘરમાં ત્રણ નાનાં બાળકો હોય ત્યારે કંઈક નવું સાહસ કરવાનો વિચાર પણ હિંમત માગી લે છે. જોકે માટુંગા ઈસ્ટમાં રહેતાં ૩૯ વર્ષનાં અમી પરીખ હિંમત માગી લેતા વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવામાં સફળ બની શક્યાં છે. સુશી માટે પ્રખ્યાત એવી કાળી નૉરી શીટના બદલે રાઇસ શીટનો ઉપયોગ કરીને તેઓ એવી મજાની મોનોગ્રામ સુશી કેક બનાવે છે કે ચાર મહિનાની અંદર જ હોમ શેફ તરીકે ખાસ્સાં ફેમસ થઈ ગયાં છે. એકલા પહોંચી વળાય એમ ન હોવાથી ત્રણેક હેલ્પર રાખીને તેમણે જૈન અને વેજિટેરિયન્સને જલસો પડી જાય એવી સુશીનાં ઇનોવેશન્સ કર્યાં છે.

જૈન માટે રાઇસ સુશી

સુશી આમ તો જૅપનીઝ અને કાચી ફિશની વાનગી છે, પણ હવે એનું વેજિટેરિયન વર્ઝન આપણે ત્યાં પણ ખૂબ લોકપ્રિય થયું છે. વેજ સુશી બનાવવા માટે જે નૉરી શીટનો ઉપયોગ કરવામાં આવે છે એ વેજ હશે કે કેમ એવી શંકા ઘણા લોકોના મનમાં રહેતી હોય છે. આ વિશે અમીબહેન કહે છે, ‘સુશીને રોલ કરવા માટે નૉરી શીટનો ઉપયોગ કરવામાં આવે છે. નૉરી એટલે એક પ્રકારની સીવીડ. દરિયામાં ઊગતી એક પ્રકારની શેવાળ. આ શેવાળને પ્રોસેસ કરીને જે શીટ બનાવવામાં આવે એ નૉરી કહેવાય. જોકે આ પ્રોસેસ દરમિયાન ઘણાં જીવજંતુ મરી જતાં હોવાનું કહેવામાં આવે છે, જેને લીધે નૉરી શીટની ગણતરી વેજમાં થતી હોવા છતાં ઘણા લોકો એને ખાવાનું ટાળતા હોય છે. ખાસ કરીને જૈન અને ચુસ્ત વેજ ખોરાક ખાતા લોકો નૉરી શીટના લીધે સુશીનો લુત્ફ લઈ શકતા નથી. પરંતુ હું પોતે ચુસ્ત વૈષ્ણવ છું એટલે મેં રાઇસ શીટ બનાવીને એની અંદર સુશી રોલ કરવાની શરૂઆત કરી અને એને સ્પાઇસી કેકનું સ્વરૂપ આપ્યું. આમેય નૉરી શીટ થોડી હાર્ડ પણ હોવાથી એને કેક સ્વરૂપે ખાવાની મજા પણ આવતી નથી, જ્યારે રાઇસ શીટ વાપરી હોય તો આ સુશી કેક ચૉપસ્ટિકથી જ નહીં પણ હાથથી પણ ખાઈ શકાય છે.’

ક્યાંથી આવ્યો વિચાર?

એક સમયે સુશીમાં શું નાખવાનું હોય એની પણ જાણકારી ન ધરાવનાર વ્યક્તિ આજે નવીન પ્રકારની સુશી કેક બનાવવા માટે પ્રખ્યાત બની જાય તો કોને નવાઈ ન લાગે? જોકે આ બાબત માટે અમીબહેન તેમના હસબન્ડને સમગ્ર શ્રેય આપે છે. જો હસબન્ડે સુશીની ફરમાઈ ન કરી હોત અને એમાં નવીનીકરણ લાવવા માટે પ્રેરણા ન આપી હોત તો આજે ‘ઓઇશી સુશી’ અસ્તિત્વમાં જ આવ્યું ન હોત. અમીબહેન કહે છે, ‘મને કુકિંગમાં પહેલેથી જ બહુ રસ છે. એમાં આપણે રહ્યા ગુજરાતી એટલે ફૂડીઝ તો જન્મજાત કહેવાઈએ. એમાં હું પાછી રાજકોટમાં ઊછરેલી છું એટલે અમે ખાવાના તો હાર્ડ કોર શોખીન. લૉકડાઉનના સમયની વાત કરું તો મારા હસબન્ડે મને સુશી બનાવી આપવાની ફરમાઈશ કરી. મને તો આવડે નહીં એટલે મેં યુટ્યુબ પરથી જોઈને સુશી બનાવવાનું શીખ્યું હતું. પછી તો વારેઘડીએ ઘરમાં સુશીની ડિમાન્ડ થવા લાગી. લૉકડાઉન તો પૂરું થઈ ગયું અને રોજિંદી લાઇફ પણ શરૂ થઈ. એક દિવસ એવું થયું કે મારા હસબન્ડે મુંબઈમાં જ એક સ્થળેથી વેજ સુશી કેક મગાવી. ખાવા માટે અમે ટેબલ પર ગોઠવાયાં. કટ કરવામાં માટે ચપ્પુ હાથમાં લીધું, પણ કેક કપાઈ જ નહીં. બહુ મહેનતે માંડ એનો પીસ કરી શક્યા. ત્યાર બાદ એને ખાવાની ટ્રાય કરી તો ખાવાનું ફાવ્યું જ નહીં. ત્યારે મારા હસબન્ડે કહ્યું કે અમી, તું આની અંદર સુધારા-વધારા કરીને કંઈક બનાવને જેથી સુશી કેક ખાવાની મજા આવી જાય. સુશી કેક ચૉપસ્ટિકથી ખાવાની મજા આવે, સ્પૂનથી નહીં. અને બસ, પછી અનેક ટ્રાયલ ઍન્ડ એરર બાદ ફાઇનલી મારી રાઇસ શીટ સાથેની સુશી કેક તૈયાર થઈ ગઈ. એટલે ત્યાર પછીથી ઘરે હું જ કેક બનાવતી.’

અનાયાસ બિઝનેસની શરૂઆત

ઘરે કેક બનાવવી અને બીજા માટે કેક બનાવવી એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે, પણ કહેવાય છે ને આપણામાં રહેલી આવડત વિશે જ્યારે બહારના લોકો વખાણ કરે ત્યારે જ આપણને એની કદર થાય. સુશી કેક ઘરથી બહાર કેવી રીતે આવી એ વિશે જણાવતાં અમીબહેન કહે છે, ‘મારી દીકરી શિશુવન સ્કૂલમાં ભણે છે. ત્યાં જાન્યુઆરી મહિનામાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. મારી દીકરીના આગ્રહથી મેં સુશી કેકનો સ્ટૉલ નાખ્યો હતો. ત્યારે મારો કોઈ બિઝનેસ પર્પઝ નહતો, માત્ર દીકરીની ખુશી માટે મેં આમ કર્યું હતું. નવી વરાઇટી જોઈને ઘણા જણ પૂછપરછ કરી ગયા. અનેક પેરન્ટ્સને પસંદ પણ પડી. થોડા દિવસ પછી મને એક પેરન્ટનો ફોન આવ્યો જે મારા મિત્ર પણ છે. તેમણે મને સુશી કેક બનાવવા માટે ઑર્ડર આપ્યો. મેં તેને મોનોગ્રામ સુશી કેકને આલ્ફાબેટમાં ગોઠવીને આપી, જે તેમને ખૂબ જ ભાવી અને પછી તો જેમ-જેમ લોકોને ખબર પડવા લાગી તેમ-તેમ મારા ક્લાયન્ટ પણ વધતા ગયા.’

ફૅમિલીનો ફુલ સપોર્ટ

ઘર હોય કે ઑફિસ કે પછી બિઝનેસ, ફૅમિલીના સપોર્ટ વગર આગળ વધવું કઠિન હોય છે. ભલે ફાઇનૅન્શિયલ કે અન્ય કોઈ સપોર્ટ ન હોય, પણ કોઈ ખભે હાથ મૂકીને માત્ર એટલું કહેને કે તું આગળ વધ, અમે તારી સાથે જ છીએ તો પણ બહુ છે. ફૅમિલી સપોર્ટ બાબતે અમીબહેન ઉત્સાહિત થઈને કહે છે, ‘જુઓ, હું ખરેખર ખૂબ જ લકી છું. મને મારી ફૅમિલીનો ખાસ કરીને મારા હસબન્ડ અમિતનાં ખૂબ જ સપોર્ટ અને પ્રોત્સાહન મળ્યાં છે. તેઓ એન્જિનિયર છે અને બિઝનેસ સંભાળે છે તેમ છતાં તેઓ બાળકો સંભાળવાથી લઈને સુશી બનાવવામાં મદદ પણ કરે છે. હું ક્યાંક અટકું તો તેઓ મને ગાઇડ પણ કરે છે. ફૅમિલીની વાત કરું તો અમારો લગભગ ૧૦૦ વર્ષ જૂનો હેરપિનનો મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસ છે અને અમારી કંપની ભારતમાં ઘણી નામના પણ ધરાવે છે. હું બાળકો આવવા અગાઉ એમાં સક્રિય રહેતી હતી, પરંતુ ત્રણ બાળકોની સાથે ઘરથી ખાસ્સી એવી દૂર આવેલી ફૅક્ટરીમાં જઈને કામ કરવું મને પસંદ નહોતું એટલે મારે એવું કંઈક કરવું હતું જેમાંથી હું મારી એક અલગ ઓળખ પણ બનાવી શકું અને બાળકોને પણ સમય ફાળવી શકું.’

આ છે હટકે

રાઇસ સુશી કેક વિશે માહિતી આપતાં અમીબહેન કહે છે, ‘મુંબઈમાં ઘણા સુશી કેક બનાવે છે, પણ એ લેયર સ્વરૂપે એટલે કે એકની ઉપર એક લેયર બનાવીને પ્રૉપર કેકની જેમ બનાવવામાં આવે છે જેને સ્પૂનથી ખાવી પડે છે; પણ સુશીને ચૉપસ્ટિકથી જ ખાવાની મજા આવે છે એટલે મેં કંઈક અલગ કર્યું. રાઇસ શીટનો ઉપયોગ કરીને મોનોગ્રામ શેપમાં નાની-નાની સુશી બનાવી અને પછી એ બધીને ચીઝથી સજાવી. મોનોગ્રામ હોવાથી લોકો મારી સુશી કેક ખાવા માટે આકર્ષાય પણ છે. નાની સાઇઝની સુશીમાંથી કેક બનેલી હોય એને ચૉપસ્ટિકની મદદથી ખાઈ પણ શકાય છે. હમણાંની જ વાત કરું તો મેં રાખડીના જેવા આકારની સુશી કેક બનાવી હતી. કેકની સાથે હું અલગ-અલગ સૉસ પણ આપું છે જેમ કે આથેલું જિન્જર, વસાબી, સોય સૉસ, જૅપનીઝ સ્પાઇસી મેયો, ચિલી ઑઇલ, ટેમ્પુ‍રા ફ્લેક્સ નાની ડબ્બીમાં પૅક કરીને આપું છું.’

street food indian food gujarati community news matunga life and style columnists