25 December, 2024 11:30 AM IST | Mumbai | Laxmi Vanita
મસૂરની દાળ
યે મુંહ ઔર મસૂર કી દાલ. આજ સુધી વિચાર્યું નહીં હોય કે આ કહેવત પાછળનું કારણ શું હશે? એક સમયે મસૂરની દાળ બહુ જ મોંઘી આવતી હતી અને સામાન્ય લોકો એને ખરીદી નહોતા શકતા એટલે જ્યારે કોઈ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ ન હોય અને તેને મોંઘી વસ્તુ ખરીદવી હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવતો. એટલે આર્થિક કારણોસર પણ આ દાળ સામાન્ય લોકોનાં ઘરોમાં નહોતી આવતી. સમય બદલાયો અને લોકોના રસોડામાં બધી જ દાળનું આગમન થયું. એમાં તુવેર, ચણા, મગ અને અડદ તો બહુ સામાન્ય રીતે જોવામાં આવે તેમ છતાં મસૂરને હજી પણ સ્થાન નહોતું મળ્યું. આજે પણ શક્ય છે કે કેટલાંય ગુજરાતી ઘરોમાં મસૂરની દાળની ગેરહાજરી છે. તો શું તેઓ તુવેર અને મગની દાળથી ટેવાઈ ગયા છે એટલે અન્ય કોઈ દાળ ઘરમાં નથી આવતી કે પછી ધાર્મિક કારણોસર અમુક દાળને રસોડામાં સ્થાન નથી? મસૂરની દાળ પાછળની માન્યતાઓ બહુ જ રસપ્રદ છે. એ જાણીને નવાઈ લાગશે. અમુક સમાજના લોકો મસૂરની દાળને ધાર્મિક કે આધ્યાત્મિક કારણોસર નૉન-વેજિટેરિયન માનીને અવગણે છે પરંતુ સાયન્ટિફિક રીતે શા માટે મસૂરની દાળ ખાતી વખતે સાવચેતી રાખવી જોઈએ એ નિષ્ણાત પાસેથી જાણીએ.
મસૂરની દાળ અને માન્યતાઓ
મસૂરની દાળને લોહી સાથે જોડવામાં આવે છે. બ્રાહ્મણો, જૈનો અને બુદ્ધિસ્ટ અહિંસામાં માનતા હોવાથી જે વસ્તુ સાથે હિંસા જોડાયેલી હોય એનો ત્યાગ કરે છે અને મસૂરની દાળ સાથે વિવિધ લોહિયાળ કથાઓ જોડાયેલી છે. મહાભારતના સમયની આ કથા છે જેમાં માનવામાં આવે છે કે સમુદ્રમંથન વખતે કામધેનુ ગાય નીકળી હતી. આ ગાય દરેક ઇચ્છા પૂરી કરે એવી હતી. એને રાજા સહસ્ત્રબાહુ અર્જુને ઋષિ જમદગ્નિના આશ્રમમાંથી ચોરવાની કોશિશ કરી હતી. તે રાજા આ ગાયને સરળતાથી લઈ જઈ ન શક્યો અને ગુસ્સામાં તેણે કામધેનુ પર તીરથી હુમલો કર્યો, જેમાં ગાયનું ઘણું લોહી વહ્યું. જ્યારે આ ગાયનું લોહી ધરતી પર પડ્યું ત્યારે મસૂરની દાળનો છોડ ઊગ્યો. અન્ય એક કથા એવી છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વરભાનુ નામના દૈત્યનું મસ્તક કાપ્યું તો તે મર્યો નહીં પણ તેનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું. તેનું માથું રાહુ કહેવાય છે અને ધડ કેતુ. એવું માનવામાં આવે છે કે મસ્તક કાપવાથી જે લોહી વહ્યું એનાથી લાલ મસૂરની દાળ ઉત્પન્ન થઈ. આ કથાઓ સદીઓથી પ્રચલિત છે. ટૂંકમાં મસૂરની દાળનો છોડ લોહીથી ઊગ્યો છે જેથી એને માસાંહારી માનવામાં આવ્યો છે. એ સિવાય જેવી રીતે ફણસને એના ગુણોને કારણે માંસ સાથે સરખાવવામાં આવે છે એવી જ રીતે મસૂરની દાળને પણ એના ગુણોને કારણે માંસ સાથે સરખાવવામાં આવે છે.
આધ્યાત્મિક કારણો
શાકાહારી ભોજન અનુસરતાં મોટા ભાગનાં ઘરોમાં દાળના નામે મગ, તુવેર, ચણા, અડદની દાળ સામાન્ય હોય છે. હિન્દુ શાસ્ત્રોમાં ડુંગળી, લસણ અને અમુક શાકભાજીને તામસિક માનવામાં આવ્યાં છે. એવી જ રીતે મસૂરની દાળને પણ તામસિક માનવામાં આવે છે. એથી સાધુ-સંતો અને બ્રાહ્મણોના ભોજનમાં એને સ્થાન નથી. તામસિક ખોરાક નકારાત્મકતા અને સુસ્તી વધારતા હોવાનું માનવામાં આવે છે તેથી જે લોકો મેડિટેશન કે યોગ કરતા હોય તેઓ મસૂરની દાળ નથી ખાતા. તેમ જ ભગવાનના ભોગ માટે બનાવવામાં આવતી વાનગીઓમાં પણ મસૂરની દાળનો ઉપયોગ નથી કરવામાં આવતો. જોકે મા કાળીની પૂજાના ભોગમાં મસૂર દાળનો જ ઉપયોગ થાય છે. મોટા ભાગે તાંત્રિક પૂજા કે મા કાળીની પૂજાનાં અનુષ્ઠાનમાં નૉનવેજનો ભોગ ચડાવવામાં આવતો હોય છે અને એની સાથે મસૂર દાળનો સમાવેશ થાય છે. બંગાળી લોકો, જેઓ મુખ્યત્વે માંસાહાર કરે છે, તેમનાં ઘરોમાં નિયમિત મસૂરની દાળ ખાવામાં આવે છે.
મસૂર દાળ ખાવી કે ન ખાવી?
વૈજ્ઞાનિક રીતે મસૂર દાળ માંસાહારી નથી જ. અમુક ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં એનો ઉપર્યુક્ત કારણોસર ઉપયોગ નથી કરવામાં આવતો, પરંતુ શું વેજિટેરિયન લોકો મસૂરની દાળ ખાય તો તેમને નુકસાન થાય ખરું? વીસ વર્ષથી ચર્નીરોડ પર પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રુચિરા ગોરડિયા કહે છે, ‘આયુર્વેદ પ્રમાણે મસૂરની દાળ લઘુ અને રુક્ષ પ્રકૃતિની છે એટલે કે સાદી ભાષામાં વાયુ વધારનારી છે. મસૂરની દાળ સેહત માટે નુકસાનકર્તા નથી. આ દાળને દિવસ દરમ્યાન ખાવામાં આવે તો વધુ ગુણકારી છે. દાળને સુપાચ્ય બનાવવા માટે બે કલાક પલાળી દેવાની અને બનાવતી વખતે પાચકદ્રવ્યો જેવાં કે આદું, ફુદીનો, સંચળ નાખીને ઘી-જીરાનો વઘાર કરીને ખાવી. સામાન્ય રીતે આપણે દાળનો વઘાર કરીએ એવી રીતે વઘાર કરી શકાય. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દાળની કન્સિસ્ટન્સી એકદમ પાતળી રાખવાની જેથી એ પચવામાં સરળ રહે. આ દાળને નિયમિત ખાનારા લોકો પણ છે એટલે પચવામાં એટલી કઠણ નથી હોતી. જ્યારે સૌથી સુપાચ્ય દાળની વાત કરીએ તો મગની ફોતરાવાળી દાળ જલદીથી અને સરળતાથી પચે છે એથી લોકો એ દાળ વધુ ખાય છે. અમુક ધાર્મિક કારણોસર મસૂરની દાળને અવગણવામાં આવે છે, બાકી આ દાળ સેહત માટે તો પૌષ્ટિક જ છે. તમારે દરરોજ ન ખાવી હોય તો તમે અઠવાડિયામાં બે વખત તો ભોજનમાં સામેલ કરી જ શકો છો.’
મસૂરની દાળમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન C અને B12 અને ઘણાંબધાં ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. એવાં ઍન્ટિઓક્સિડન્ટ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વધુમાં ડો. રુચિરા કહે છે, ‘મસૂરની દાળમાં આયર્ન વધારે હોવાથી ગર્ભવતી મહિલાઓ માટે ગુણકારી છે. આ દાળમાં ઊંચી માત્રામાં ફાઇબર હોવાથી જેમને કબજિયાત હોય તેમના માટે પણ આ દાળ ફાયદેમંદ છે. એ સિવાય આ દાળ કૉલેસ્ટરોલ નથી વધારતી અને બ્લડ-પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. મસૂરની દાળ પૉપ્યુલર ન હોવા પાછળનું કારણ એ છે કે દાદા-દાદીના જમાનાથી આ દાળ આપણા ઘરમાં લાવવામાં નહોતી આવતી એટલે આજે પણ મસૂરની દાળ કેમ નથી ખાવામાં આવતી એનો ખ્યાલ જ નથી. મેં પણ આ દાળ નહોતી ખાધી અને પછી આપણું માઇન્ડ સેટ થઈ જાય એટલે જે દાળ ખાતા હોઈએ એ જ વધારે ભાવે. આયુર્વેદમાં મસૂરની દાળના સારા ગુણધર્મો લખેલા જ છે. જે લોકોને બ્લોટિંગ કે ગૅસની સમસ્યા થતી હોય તો તેમણે ન ખાવી જોઈએ. તો અમુક લોકોનું પાચનતંત્ર આ દાળ ન પચાવી શકે તો તેમણે અવગણવી જોઈએ.’
મસૂરની દાળનો ફેસપૅક ત્વચાને ચમકીલી બનાવશે
મસૂરની દાળનાં વિટામિનોને કારણે એ ત્વચા માટે મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે એમ જણાવતાં ડૉ. રુચિરા કહે છે, ‘મસૂરની દાળને પલાળીને દૂધ સાથે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવીને એમાં બે ટીપાં ગાયનું ઘી ઉમેરવાનું. ઘી એટલા માટે ઉમેરવાનું કે ચહેરા પર મૉઇશ્ચર જળવાઈ રહે. આ પેસ્ટને ચહેરા પર ફેસપૅક તરીકે લગાવો. એ ફેસપૅક એકદમ સુકાઈ જાય એ પહેલાં એને ધોઈ નાખો. મસૂરની દાળના ગુણધર્મોને કારણે એ ત્વચા પરની અશુદ્ધિઓ દૂર કરવામાં મદદરૂપ છે. ત્વચાને સ્મૂધ બનાવે છે તેમ જ ત્વચાના રંગને પણ નિખારે છે. સુંદરતા તો ઠીક પણ ત્વચા પર સોજો કે બળતરા હોય, ખીલ કે ડાઘા હોય તો તેમના માટે પણ આ મસૂરની દાળનું કુદરતી સ્ક્રબ મદદરૂપ છે. તમે આ ફેસપૅકનો નિયમિત ઉપયોગ કરી શકો છો.’