26 January, 2023 07:42 PM IST | Mumbai | Sanjay Goradia
દાસના પેંડાની વાત તો સૌ કરે, પણ દાસનો સિંગપાક એટલે સિમ્પ્લી સુપર્બ
આજે આપણે વાત કરવાની છે પેંડા અને દૂધમાંથી બનતી અન્ય મીઠાઈઓની. જોકે એ વાત શરૂ કરતાં પહેલાં મારે તમને એક સલાહ આપવાની કે જ્યારે તમે દૂધમાંથી બનતી મીઠાઈઓ ખરીદતા હો ત્યારે યાદ રાખવું કે એ હંમેશાં સારી કે પછી બ્રૅન્ડેડ હોય એવી જગ્યાએથી લેવાનો આગ્રહ રાખજો, કારણ કે દૂધની મીઠાઈ જો બરાબર પ્રિઝર્વ ન થઈ હોય તો એ બગડી જતાં વાર નથી લાગતી. લોકલ વ્યક્તિને તો ખબર હોય એટલે તે તો સાચી જગ્યાએથી જ ખરીદે, પણ આપણે રહ્યા મુંબઈવાળા. ગુજરાત ગયા હોઈએ અને કોઈએ કહ્યું કે મારા માટે પેંડા લઈ આવજે અને એ લાવવાનું ભુલાઈ જાય એટલે છેલ્લી ઘડીએ આપણે એ ક્યાંયથી પણ ખરીદી લઈએ. જોકે એવું ક્યારેય કરવું નહીં, કારણ કે અલ્ટિમેટલી દૂધમાંથી બનતી વરાઇટીઓ એવી છે કે એ સાચી રીતે સચવાઈ ન હોય તો બગડી જાય છે અને એમાં પણ પેંડા તો ખાસ. જોકે આ વાત દાસના પેંડાને લાગુ નથી પડતી. હા, દાસના પેંડા. આ જ નામ છે. આ નામ તો હવે બ્રૅન્ડ બની ગયું છે. દાસે એવી ટેક્નિક પણ વિકસાવી છે જેમાં તમે પેંડા ફૉરેન પણ લઈ જઈ શકો અને મહિના સુધી એ એમ ને એમ રાખો તો પણ એ બગડે નહીં.
બન્યું એમાં એવું કે મારા નાટક ‘દે તાળી કોના બાપની દિવાળી’નો શો સાવરકુંડલામાં હતો. સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ હૉસ્પિટલ છે જ્યાં તમામ દરદીઓને સંપૂર્ણ વિનામૂલ્ય સારવાર આપવામાં આવે છે. ખૂબ વિશાળ હૉસ્પિટલ છે. પીડિયાટ્રિક ડિવિઝનથી માંડીને કૅન્સરથી લઈને ડાયાલિસિસ જેવી સુવિધાઓ અહીં વિનામૂલ્ય મળે છે. ગાયનેક ડિવિઝન પણ છે અને પ્રસૂતિકેન્દ્ર પણ છે. જે બીમારીમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય એવી બીમારીની સારવાર કરાવ્યા પછી પણ તમારે એક રૂપિયો આપવાનો નહીં. આવો, ઇલાજ કરાવો, ઘરે જાઓ અને જતી વખતે આશીર્વાદ આપો. બસ, આટલું જ. આનાથી વિશેષ કંઈ નહીં.
હું તો આ સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલો છું અને જ્યારે પણ સાવરકુંડલા જઉં ત્યારે હૉસ્પિટલની મુલાકાત અચૂક લઉં. આ જે આખી ઍક્ટિવિટી છે એને પ્રખર કથાકાર મોરારીબાપુનો સાથ મળ્યો છે અને એટલા માટે જ આ શક્ય બન્યું છે. મહિને ઓછામાં ઓછો પોણો કરોડનો ખર્ચ થાય છે, પણ સદ્ભાવના સાથે કામ કરતા આ લોકો પહોંચી વળે છે. ફૂડ-ડ્રાઇવ પર આવતાં પહેલાં હું તમને અપીલ કરીશ કે તમારે જો દાન-પુણ્યનું કામ કરવું હોય તો આવી વિનામૂલ્ય ચાલતી હૉસ્પિટલમાં કરજો. તમારો પૈસો સાચી જગ્યાએ અને સાચી રીતે વપરાશે. લલ્લુભાઈ હૉસ્પિટલમાં દાન આપશો તો એ પૈસા સાચી જગ્યાએ ખર્ચાશે એની જવાબદારી અંગત રીતે હું લઉં છું.
હવે આવીએ આપણે ફૂડ-ડ્રાઇવ પર.
સાવરકુંડલા પહોંચીને અમે સવારે નાસ્તો કરતા હતા ત્યાં તૃપ્તિ કેટરર્સના માલિક કનુભાઈ મારી પાસે આવ્યા અને મને કહે કે સાવરકુંડલા આવ્યા છો તો તમારે અમારે ત્યાંનો સિંગપાક તો ખાવો જ પડે. કનુભાઈએ આમંત્રણ પણ આપી દીધું અને કહ્યું કે હું તમને લઈ જઈશ.
તમને તો ખબર છે કે હું તો રહ્યો ડાયાબિટીઝનો પેશન્ટ, પણ કનુભાઈના આગ્રહને વશ થઈને જવા માટે તૈયાર થયો. કનુભાઈ મને લઈ ગયા દાસના પેંડાના શોરૂમ પર. હા, શોરૂમ કહેવાય એવી જ જગ્યા હતી એ.
આ પણ વાંચો : જલેબી-ગાંઠિયાનું કૉમ્બિનેશન કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યું ખબર છે?
દુનિયા ભલે દાસના પેંડાની વાત કરે, પણ હું કહીશ કે દાસની દુકાને મળતો સિંગપાક અદ્ભુત હતો. સિંગપાકની વાત આવી એટલે મને એમ કે એમાં તે વળી શું નવી વાત હોવાની? સિંગના ટુકડા કરી એમાં સાકર અને દૂધ ભેળવો એટલે સિંગપાક તૈયાર. પણ ના, એવું નથી. દાસમાં મળતો સિંગપાક સાવ જ ડિફરન્ટ છે.
કાજુકાતરીમાં જેમ કાજુનો બારીક પાઉડર જેવો ભૂકો કરીને નાખવામાં આવે એવી જ રીતે સિંગનો બારીક ભૂકો કરવામાં આવે અને એ ભૂકામાંથી સિંગપાક તૈયાર કરવામાં આવે છે. હું તો કહીશ કે એ સિંગપાક તોડવા માટે દાંતનો પણ ઉપયોગ નથી કરવો પડતો. હોઠથી એ ભાંગી જાય એવો સૉફ્ટ. અદ્ભુત સ્વાદ અને એવી જ સરસ સોડમ.
એ પછી મને દાસના પેંડા આપવામાં આવ્યા. આ જે પેંડા હતા એનું પૅકિંગ યુનિક હતું. એકેએક પેંડાનું ઍરટાઇટ પૅકિંગ. તમે ફૉરેન લઈ જાઓ તો પણ પેંડાની આવરદા અને સ્વાદને કોઈ અસર નહીં. મને આ વાત સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગી. મેં થોડી પૂછપરછ કરી તો ખબર પડી કે લોકો હવે તો આ પેંડા ફૉરેન લઈ જવા માંડ્યા છે અને એ પણ એકસાથે બે-ચાર કિલોની ક્વૉન્ટિટીમાં. મેં એ પેંડાનો ટેસ્ટ કર્યો. પ્યૉર દૂધના બનેલા એ પેંડામાંથી રીતસર દૂધની સુગંધ વિસ્ફુરતી હતી તો કેસર પેંડાનું પૅકેટ ખોલ્યું ત્યાં જ મારા શરીરમાં કેસરની સુગંધ પ્રસરી ગઈ.
દાસના પેંડા હવે તો ગુજરાતમાં અનેક જગ્યાએ મળતા થઈ ગયા છે, પણ જો સાવરકુંડલા આવો તો એ આ બ્રૅન્ડનું જનક-સેન્ટર છે. ગૂગલ કરશો તો પણ ખબર પડી જશે અને સાવ સાચું તો એ છે કે તમે કોઈને પણ પૂછશો તો પણ એ તમને દાસના પેંડાનું ઍડ્રેસ દેખાડી દેશે. જો શિયાળામાં આવો તો પેંડાની સાથે સિંગપાક લેવાનું ચૂકતા નહીં. દાસની આ બન્ને આઇટમના તમે આશિક થઈ જશો એની ગૅરન્ટી આ બંદાની.